૬૩ જમીન માલિકોને અપાઈ સમજણ: ટીપી સ્કીમ નં.૩૨ (રૈયા) રાજયની સર્વશ્રેષ્ઠ ટીપી સ્કીમ બની રહેશે: મ્યુનિ.કમિશનર
કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટની પસંદગી સ્માર્ટ સિટી તરીકે કરવામાં આવી છે ત્યારે મહાપાલિકા દ્વારા સ્માર્ટ સિટી નોડ એરીયા માટે રૈયા વિસ્તારમાં ટીપી સ્કીમ બનાવવાનો ઈરાદો જાહેર કરવામાં આવ્યો છે.
ટીપી સ્કીમ નં.૩૨નો એરિયા ૩૬.૭૦ લાખ ચો.મી.નો રહેશે અને આ ટીપી રાજયની સર્વશ્રેષ્ઠ ટીપી સ્કીમ બની રહેશે.આજે આ ટીપી સ્કીમ સંદર્ભે ૬૩ જેટલા જમીન માલિકોને કોર્પોરેશન દ્વારા સમજણ આપવામાં આવી હતી.
આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની અને ટીપીઓ એમ.ડી.સાગઠીયાએ જણાવ્યું હતું કે, સ્માર્ટ સિટી નોડ એરીયા માટે રૈયા વિસ્તારમાં ખાસ ટીપી સ્કીમ નં.૩૨ બનાવવાનો ઈરાદો મહાપાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. આજે મુળ ખાતેદારો સાથે બેઠક યોજવામાં આવી હતી. વાંધા સુચનો મેળવી સરકારમાં મંજુરી અર્થે આ ટીપી સ્કીમ મોકલવામાં આવશે.
આ ટીપીમાં કુલ ૬૩ જમીનો માલિકોનો સમાવેશ થાય છે અને ટીપીનો એરીયા ૩૬.૭૦ લાખ ચો.મી. છે જેમાં કલેકટર દ્વારા હાથ ધરવામાં આવેલ ન્યુ રેસકોર્સ-૨નો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં ત્રણ તળાવો, રૈયા ગામ અને રીંગ રોડ-૨ને જોડતા બે ડીપી રોડનો પણ સમાવેશ થાય છે. ૬૦ મીટર, ૪૫ મીટર, ૪૦ મીટર, ૩૬ મીટર, ૨૪ મીટર, ૧૮ મીટર પહોળાઈના રસ્તો, બગીચા, મલ્ટીલેવલ પાર્કિંગ, માળખાકીય સુવિધા, વાણીજય તથા રહેણાંક હેતુ માટેના પ્લોટ, એસઈડબલ્યુએસના વિવિધ અનામત પ્લોટ સાથે આશરે ૧૫ લાખ ચો.મી. જગ્યાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ટીપી સ્કીમ રાજયની સર્વશ્રેષ્ઠ ટીપી સ્કીમ બની રહેશે.તેઓએ ઉમેર્યું હતું કે, આ વિસ્તારમાં ટીપી સ્કીમ મંજુર થતા વિશાળ રોડ નેટવર્ક, સ્માર્ટ સિટી અંતર્ગત જીડીસીઆર મુજબ વધારાની એફએસઆઈનો લાભ, બીઆરટીએસ બસનું જોડાણ, ઈલેકટ્રીક, પાણી, ડ્રેનેજ, ગેસ, ટેલીફોન સહિતની સુવિધા માટે અંડર ગ્રાઉન્ડ નેટવર્કનું પણ આયોજન કરવામાં આવ્યું છે.