અબતક,દર્શન જોશી,જૂનાગઢ
“જય સોરઠ, જય શિક્ષણ” ના સુત્રને સાર્થક કરવાના ઉદેશ્યથી સમગ્ર જૂનાગઢ જિલ્લામાં શાળા બહારના બાળકોને શોધીને અભ્યાસ અર્થે શાળામાં દાખલ કરાવવા માટેની ખાસ સર્વેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
શિક્ષણ વિભાગ, સમગ્ર શિક્ષા દ્વારા સમગ્ર જૂનાગઢ જિલ્લામાં કદીએ શાળાએ ના ગયેલા અથવા અધવચ્ચેથી શાળા છોડી દિધેલ 6 થી 18 વર્ષના શાળા બહારના બાળકોને શોધવાનો સર્વે હાથ ધરવામાં આવશે.
જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર આર.એસ.ઉપાધ્યાયના માર્ગદર્શન અને રાહબરી હેઠળ શિક્ષણ વિભાગ, સમગ્ર શિક્ષા દ્વારા સમગ્ર જૂનાગઢ જિલ્લામાં કદીએ શાળાએ ના ગયેલા અથવા અધવચ્ચેથી શાળા છોડી દિધેલ 6 થી 18 વર્ષના શાળા બહારના બાળકોને શોધીને શાળામાં વર્ષ 2022-23 માં દાખલ કરાવવા માટેની આ ખાસ સર્વેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
આ અંતર્ગત “જય સોરઠ જય શિક્ષણ” ના સુત્રને સાર્થક કરવાના ઉદેશ્યથી સમગ્ર જૂનાગઢ જિલ્લામાં શાળા બહારના બાળકોને શોધવા માટેનો સર્વે પ્રોગ્રામ 31/01/2022 સુધી હાથ ધરવામાં આવશે. એક મહિના સુધી ચાલનારા આ સર્વેમાં શાળા વ્યવસ્થાપન સમિતિ, બાળમિત્રો, સ્વેચ્છિક સંગઠનો, કોલેજો, એન.એસ.એસ., એન.સી.સી. અને અન્ય સરકારી વિભાગો પણ જોડાશે. જૂનાગઢ જિલ્લાના શહેરી વિસ્તારોમાં ખાસ કરીને અર્બન, સ્લમ, પછાત એરિયામાં ફોકસ કરવામાં આવશે, તેમજ રિમાંડ હોમ, નારી સંરક્ષણ ગૃહ, સ્વેચ્છિક સંસ્થાના વર્ગોમાં આવરી લીધેલ બાળકો, ઝુપડપટ્ટી વિસ્તાર, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, ધાર્મિક સ્થળો, ક્ધટ્રકશન સાઈટ, કોઈપણ પ્રકારની મજુરી માટે આવેલ પરિવારો વસતા હોઈ તેમના બાળકો, સિનેમાઘરોની આસપાસના વિસ્તારોમાં સર્વે હાથ ધરાશે. ગ્રામ્ય વિસ્તારોમાં દરિયા કિનારા વિસ્તાર, જંગલના અંતરિયાળ નેસ વિસ્તાર, અગરિયા વિસ્તાર વગેરે વિસ્તારના તમામ બાળકોને આ સર્વે પ્રક્રિયામાં આવરી લેવામાં આવશે.