સંસદનું ખાસ સત્ર આજથી શરૂ થયું છે. પાંચ દિવસના આ સત્રમાં મહત્વના 8 બીલો રજૂ કરવામાં આવશે. જેમાં વિપક્ષોનો સુર કેવો રહેશે તેના ઉપર સૌની મીટ છે. બીજી તરફ આ પાંચેય દિવસ હોબાળો રહે તેવી પણ શકયતા સેવાઈ રહી છે.
સત્રમાં સંસદના 75 વર્ષના સફરની ચર્ચા થશે અને સંસદના નવા ભવનમાં સ્થળાંતરિત કરાશે તેવી શકયતા છે. સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશીએ કહ્યું કે સત્ર દરમિયાન કુલ 8 ખરડાની ચર્ચા અને પસાર કરવા માટે સત્રમાં સૂચીબદ્ધ કરાયા છે. રવિવારે સર્વપક્ષીય બેઠકમાં ગૃહના નેતાઓ સૂચિત કરાયા કે વરિષ્ઠ નાગરિકો સાથે જોડાયેલા એક ખરડા તેમજ અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ આદેશથી સંબંધિત 3 ખરડાને એજન્ડામાં જોડવામાં આવ્યા છે.
પહેલા સૂચીબદ્ધ કરાયેલા ખરડામાં મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી પંચની નિમણૂંક અંગે ખરડા પણ સામેલ હતા. કોઈ પણ સંભવિત નવા ખરડા પર કોઈ સત્તાવાર નિવેદન જાહેર નથી કરાયું. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે રવિવારે સવારે નવા સંસદ ભવનના ગજ દ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. જોશીએ કહ્યું કે- સેન્ટ્રલ હોલમાં એક સમારંભ બાદ હાલની સંસદને નવા ભવનમાં સ્થળાંતરિત કરાશે.
આજથી પાંચ દિવસનું સત્ર મળશે સત્રના પહેલા દિવસે એટલે કે આજે રાજ્યસભામાં 75 વર્ષની સંસદીય સફર, ઉપલબ્ધિઓ, અનુભવો, યાદો અને શીખો પર ચર્ચા થશે. પોસ્ટ ઓફિસ બિલ 2023 અને મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક સંબંધિત બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. આ બંને બિલ રાજ્યસભામાં રજૂ થયા બાદ લોકસભામાં મૂકવામાં આવશે. એડવોકેટ્સ એમેન્ડમેન્ટ બિલ 2023 અને પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઑફ પીરિયોડિકલ બિલ 2023 લોકસભામાં રજૂ કરવામાં આવશે.
આ બિલોને રાજ્યસભામાં 3 ઓગસ્ટના રોજ પસાર કરવામાં આવ્યા છે. સત્રના પહેલા દિવસની કાર્યવાહી જૂના સંસદમાં થશે. આ પછી 19 સપ્ટેમ્બરે નવી સંસદમાં કામકાજ શરૂ થાય તેવી શકયતા છે.
વિધાનસભાઓમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ અનામત માટે બિલ લાવવા વિપક્ષની માંગ
સરકારે સર્વપક્ષીય બેઠક યોજી હતી. આ દરમિયાન વિપક્ષ સહિત અનેક પક્ષોએ મહિલા અનામત બિલને સંસદમાં રજૂ કરવાનો આગ્રહ કર્યો હતો. બેઠકમાં ઘણા નેતાઓએ કહ્યું કે આ લાંબા સમયથી પેન્ડિંગ બિલ રજૂ કરવું જોઈએ. તે સર્વસંમતિથી પસાર થઈ શકે છે. જો કે સરકારે આ મામલે કહ્યું કે સમય આવ્યે બિલ મુકાશે. આ બિલમાં લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે. અગાઉ સર્વપક્ષીય બેઠકમાં બીજુ જનતા દળ (બીજેડી) અને ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) સહિત અનેક પ્રાદેશિક પક્ષોએ સંસદમાં મહિલા અનામત બિલ રજૂ કરવાનો આગ્રહ કર્યો હતો. રક્ષા મંત્રી રાજનાથ સિંહ, લોકસભામાં ગૃહના ઉપનેતા અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, રાજ્યસભામાં ગૃહના નેતા પ્રહલાદ જોશીએ બેઠકમાં સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું.