- સરકારી નર્સિંગ કોલેજ ખાતે પક્ષકારો અને વકીલોએ ઉપસ્થિત રહી પોતાની રજૂઆત, અરજી સબમિટ કરાવી
- રાઇટ્સ ઓફ રેકર્ડ એન્ડ ટેનન્સીના કેસોના નિકાલની ઝૂંબેશના હજુ ત્રણ તબક્કા યોજાશે
વડોદરા કલેક્ટર કચેરીમાં પડતર રહેલા રાઇટ્સ ઓફ રેકર્ડ એન્ડ ટેનન્સી (આરટીએસ)ના કેસોનો ઝૂંબેશના સ્વરૂપે નિકાલ કરવા માટે સમાહર્તા ડો. અનિલ દ્વારા રચવામાં આવેલી ખાસ રેવન્યુ કોર્ટના પ્રોસેડિંગના પ્રથમ તબક્કામાં આજે પ્રારંભ થયો હતો. સરકારી નર્સિંગ કોલેજ ખાતે પક્ષકારો અને વકીલોએ ઉપસ્થિતિ રહી તેમની અરજી, રજૂઆતો સબમિટ કરાવી હતી.
સરકારી નર્સિંગ કોલેજ ખાતે કલેક્ટર તંત્ર દ્વારા ખાસ રેવન્યુ કોર્ટના કામે આવતા પક્ષકારો અને વકીલો માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. કોલેજના પ્રવેશ દ્વાર પાસે જ ક્યાં નંબરનો કેસ ક્યાં રૂમમાં ચાલવાનો છે ? એની માહિતીના બોર્ડ લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત હેલ્પ ડેસ્ક ઉપર પણ આ પ્રકારની માહિતી આપવામાં આવતી હતી.
આ ઉપરાંત પક્ષકારો અને વકીલો માટે બેસવા અને પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. કોર્ટ રૂમની અંદર પણ આ પ્રકારની સુવિધા તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી હતી. ખાસ રેવન્યુ કોર્ટમાં ડભોઇ પ્રાંતના ૨૪૯, વડોદરા શહેર પ્રાંતના ૩૬૮ અને ગ્રામ્ય પ્રાંતના ૫૮૮ કરજણના ૧૧૯ તથા સાવલીના ૧૩૨ તથા અન્ય ૧૦૪ મળી કુલ ૧૫૬૦ જેટલા કેસોનું સવાર અને બપોર બાદ એમ બે સત્રમાં પ્રોસેડિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ કામગીરી માટે કુલ ૭૨થી વધુ મહેસુલીકર્મીઓને ફરજ સોંપવામાં આવી હતી. પક્ષકારોને રજૂઆતો અને અરજીઓ સાંભળી હવે પછીના તબક્કામાં વાદી કે પ્રતિવાદીઓને સાંભળી કેસોને ઠરાવ ઉપર લેવામાં આવશે. કલેક્ટર ડો. અનિલ ધામેલિયા અને નિવાસી અધિક કલેક્ટર બી. એસ. પ્રજાપતિએ સ્થળ નિરીક્ષણ કરી અરજદારોને મળ્યા હતા. નાયબ કલેક્ટર ગીતા દેસાઇ, સુહાની કૈલા અને પૂનમ પરમાર આ અભિયાનનું સંકલન કરી રહ્યા છે.