- ‘એક પેડ મા કે નામ’
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પીપળાનું વૃક્ષ વાવીને ડ્રાઈવમાં સહભાગી થયા
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધરતીમાતાને હરીયાળી બનાવવા કરેલા ‘એક પેડ મા કે નામ’ ના આહવાનને ગુજરાતે અપ્રતિમ પ્રતિસાદ આપ્યો
- અત્યાર સુધીમાં ૧૩ કરોડ ૯૫ લાખ વૃક્ષો વાવીને ગુજરાત દેશભરમાં બીજા ક્રમે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વિશ્વ પર્યાવરણ દિવસ, ૫ મી જૂન ૨૦૨૪થી દેશવાસીઓને પોતાની માતા પ્રત્યે પ્રેમ, આદર અને સન્માનના પ્રતિકરૂપે તથા ધરતીમાતાને હરીયાળી બનાવવા ‘એક પેડ મા કે નામ’ અભિયાન દ્વારા વૃક્ષ વાવેતર અને જતનનું આહવાન કર્યું હતું.
ગુજરાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આ આહવાનને વ્યાપક પ્રતિસાદ આપતાં રાજ્યવ્યાપી ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 13 કરોડ 95 લાખ વૃક્ષો વાવીને આ અભિયાનમાં સમગ્ર દેશમાં બીજું સ્થાન મેળવ્યું છે.
આ અભિયાનને વધુ વેગવંતુ બનાવવાના પર્યાવરણ પ્રિય ભાવથી ગાંધીનગરમાં નવા સચિવાલયનાં પ્રાંગણમાં તા.૧૭મી સપ્ટેમ્બરે મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં સ્પેશિયલ પ્લાન્ટેશન ડ્રાઈવ આ ‘એક પેડ મા કે નામ’ તહેત યોજવામાં આવી હતી. આ ડ્રાઈવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પીપળાનું વૃક્ષ વાવીને સહભાગી થયા હતા.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ તથા વનમંત્રી મૂળુભાઈ બેરાએ પણ વૃક્ષારોપણ કર્યું હતું. રાજ્ય સરકારના અધિક મુખ્ય સચિવઓથી લઈને નાયબ સચિવ, ઉપસચિવ કક્ષા સહિતના અંદાજે ૨૩૦૦ જેટલા કર્મયોગીઓએ આ અભિયાનમાં જોડાઈને ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જતન-સંરક્ષણનો રાહ ચિંધ્યો છે.
વનમંત્રી મૂળુભાઈ બેરાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ સ્પેશિયલ ડ્રાઈવ રાજ્યના ૩૩ જિલ્લાઓમાં પણ યોજવામાં આવી છે અને જિલ્લાઓની કચેરીઓમાં વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે.
વન પર્યાવરણ અગ્ર સચિવ શ્રી સંજીવકુમાર, હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ યુ.ડી.સિંઘ તેમજ વરિષ્ઠ સચિવો અને વન અધિકારીઓ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.