૨૫૦ ભારતીય વિદ્યાર્થીઓને બચાવવા એર ઈન્ડિયાનું બોઈંગ ૭૪૭ વુહાન જવા માટે ઉડાન ભરશે
ચીનના જે શહેરમાંથી કોરોના વાયરસ ફાટી નીકળ્યો છે તે શહેરમાં ૨૫૦ જેટલા ભારતીય છાત્રો ફસાયા છે. આ ભારતીય છાત્રોને બચાવીને પરત લાવવા માટે સરકારે તૈયારી કરી છે. ટૂંક સમયમાં કેબીનેટ સેક્રેટરી દ્વારા ચીન સાથે વાર્તાલાપ થશે અને ચીનના વુહાનમાંથી ભારતીય છાત્રોને હેમખેમ લાવવા માટે ભારતમાંથી ખાસ પ્લેન મોકલવામાં આવશે.
એર ઈન્ડિયા દ્વારા આ માટે સ્પેશ્યલ ફલાઈટ તૈયાર રખાઈ છે. બોઈંગ ૭૪૭ મુંબઈથી વુહાન જવા માટે ઉડાન ભરશે. જે ભારતીય છાત્રો ત્યાં ફસાયા છે તેને પરત લઈ આવશે. અહીં નોંધનીય છે કે, ચીન સરકાર વુહાનને લોકડાઉન કર્યું છે. જેથી વુહાની છાત્રોને પરત લાવવા ખુબ મુશ્કેલ છે. પ્લેનમાં મેડિકલ ટીમ પણ જશે. જે ભારતીય છાત્રોનું સ્થળ પર જ ચેકિંગ કરી પરત લાવવાની કવાયત કરી રહી છે. આ કામગીરી માટે વુહાનમાં રહેલી ભારતીય એમ્બેસીની પણ મદદ લેવાઈ રહી છે. ચીન સરકાર તરફથી તમામ પરવાના મળી ગયા બાદ આ મુદ્દે કામગીરી શરૂ થશે.
અહીં નોંધનીય છે કે, ચીન સરકાર દ્વારા વુહાન સહિતના ૧૨ શહેરોને લોકડાઉન કરવામાં આવ્યા છે. વાયરસનો ફેલાવો થાય નહીં તે માટેની કઠોર કાળજી ચીન સરકારે રાખી છે. અત્યાર સુધીમાં ૮૦ જેટલા લોકોના મોત વાયરસના કારણે થઈ ચૂકયા છે અને ૨૭૪૪ લોકો વાયરસથી સંક્રમીત હોવાનું સામે આવ્યું છે. વાયરસ અત્યારે અમેરિકા, જાપાન, કોરીયા, તાઈવાન અને છેક નેપાળ સુધી ફેલાઈ ચૂકયો છે. પરિણામે ભારતમાં આ વાયરસ પ્રવેશે નહીં તે માટેની તકેદારી એરપોર્ટ પર રાખવામાં આવે છે.
ચીનનો કોરોના વાયરસ વિશ્વ આખા માટે ઘાતક: WHO
ચીનના વુહાન શહેરમાંથી ફેલાયેલો કોરોના વાયરસ વિશ્વ આખા માટે ઘાતક હોવાની ચેતવણી ડબલ્યુએચઓ દ્વારા આપવામાં આવી છે. ચીનમાં વર્તમાન સમયે આ વાયરસનો કહેર વધુ પ્રમાણમાં છે પરંતુ તેનો વ્યાપ વધી શકે તેવી દહેશત પણ વ્યકત કરવામાં આવી છે. અત્યારે આ વાયરસે ચીનની ઈમરજન્સી ગણવામાં આવે છે. ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી તરીકે ગણાતું નથી. પરંતુ આ વાયરસ સ્વાઈન ફલુની જેમ વ્યાપ વધારશે તેવી શકયતા ડબલ્યુએચઓ દ્વારા વ્યકત થઈ છે.