ભાવિકો ઘેર બેઠા સોમનાથ મંદિરની પૂજા-વિધિમાં જોડાઇ શકશે
હાલ કોરોનાની મહામારીને કારણે અનેક યાત્રિકો સોમનાથ મંદિરે પહોંચી પ્રત્યક્ષ દર્શન-પૂજા કરવા માટે તીવ્ર ઇચ્છા ધરાવતા હોય છે. પરંતુ વાહન વ્યવસ્થા વિગેરે મુશ્કેલીને કારણે યાત્રિકો રૂબરૂ દર્શન પૂજા માટે આવી શકતા નથી. તેમની ભાવનાને પુષ્ટી આપવા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા તા.૧૪ને શનિવારના રોજ લક્ષ્મીપૂજન તથા ચોપડા પૂજનની વિશેષ વ્યવસ્થામાં ઘર બેઠા સોમનાથ મંદિરમાં ઓનલાઇન પૂજાવિવિધ કરાવી શકો તે માટે વિશિેષ આયોજન કરાયું છે.
યાત્રિકોએ આ પૂજા ટ્રસ્ટની વેબસાઇટ www. somnath.org પરથી ઓનલાઇન રજીસ્ટર કરાવવાની રહેશે. પૂજા રજીસ્ટર થયા બાદ ટ્રસ્ટ દ્વારા આ ઓનલાઇન પૂજા માટે ઝૂમ એપની લીંક ટ્રસ્ટ દ્વારા એસ.એમ.એસ. વોટસઅપથી મોકલાવવામાં આવશે. આ લીંકથી ઝૂમ એપથી જોડાવાનું રહેશે અને પૂજા કરાવવા માંગતા ભક્તોએ અગાઉથી જ ઝૂમ એપ ડાઉનલોડ કરી લેવાન રહેશે. લીંકમાં જણાવેલ સમયે ભકતોએ લીંક ઓપન કરી પૂજાવિધિમાં જોડાવાનું રહેશે. પૂજા માટેનો જરૂરી સામાન ગણતિજીની મૂર્તિ, શંખ-ઘંટા, લક્ષ્મીપૂજન (ચાંદીનો સિક્કો તથાન લક્ષ્મીજીની મૂતિ, આરતી ૦૧ દિવા સાથે, કળશ ૦૨, આચમ પંચપાત્ર (ચમચ-ડીસ- પવાલું), તાંબાની થાળી (સ્ટીલની), બાજોઠ-૦૧, પૂજાનું પુસ્તક-ચોપડો, લાલ પેન (બોલપેન), અબીલ, ગુલાલ, કંકુ-ચંદન, ચોખા-૧ કિલો, પંચામૃત (દહીં, દુધ, ઘી, સાકર, મધ), ફૂલહાર-ધ્રો, નૈવેધ, સુકોમેવો, ફૂટ, મીઠાઇ, સોપારી-૧૧ નંગ, જનોઇ-૦૨, કપુર ૦૩ ગોળી, ફળ-૦૨, એલચી-લવીંગ મુખવાસ માટે, અગરબતી, નાગરવેલના પાન, હળદર ગાંઠીયા, કુંભાનાડ (મોલી), અત્તર તે અગાઉથી સાથે લઇને બેસાવનું રહેશે. અત્રેથી ઓનલાઇન ઝૂમ એપ દ્વારા પૂજારી સુચના આપે તે પ્રમાણે દરેકે પોત પોતાના ઘરે પૂજા કરવાની રહેશે. કોરોના મહામારીને કારણે શ્રદ્ધાળુઓ ઘરેથી પૂજા કરાવી પૂજા ફ્રોમ હોમનો લાભ લઇ શકે છે.