રાજકોટ મધ્યસ્થ જેલમાં આજ રોજ કામગીરી કરતા સ્ટાફ અને જેલ કમ્પાઉન્ડના જ ક્વાર્ટરમાં રહેતા તેમના પરિવારજનો માટે એક ખાસ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્ટાફના પરિવારના સભ્યોનું ચેકઅપ કરી સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર દ્વારા જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ સાથે જેલના કેદી અને સ્ટાફ તથા તેમના પરિવાજનોની માવજત માટે જેલ તંત્ર હમેશા સજાગ રહેતું હોવાનું પણ જેલ અધિક્ષક બન્નો જોશીએ જણાવ્યું હતું.
રાજકોટમાં કોરોના મહામારી હળવી થઈ રહી છે ત્યારે હવે મધ્યસ્થ જેલના તંત્ર દ્વારા પણ સાજગતાના પગલાં લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજ રોજ મધ્યસ્થ જેલના કમ્પાઉન્ડના ક્વાર્ટરમાં રહેતા સ્ટાફ અને તેમના પરિવારના સભ્યો માટે એક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
મધ્યસ્થ જેલના પરિવારના સભ્યોને મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર સહિતનો સ્ટાફ આવ્યો હતો. જેમાં મહિલા, પુરુષ અને બાળકોનું સ્ક્રેનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં જરૂર પ્રમાણે તેમને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સાથે જરૂર જણાતા લોકોને દવા સાથે ગાઈડલાઈનનું પણ પાલન કેવી રીતે કરવું તેની પણ જાણકારી આપવામાં આવી હતી.
કોરોના સામે સાવચેતી રાખવી જરૂરી છે: ડો.વિનોદ ચાવડા
કોરોના સામે લડવા માટે સાવચેતી ખૂબ જરૂરી છે. જેના ભાગરૂપે મધ્યસ્થ જેલના ક્વાર્ટરમાં રહેતા પરિવારજનો માટે સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર દ્વારા ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં પરિવારના સભ્યોને સ્ક્રિનિંગ અને ચેકઅપ કરી જરૂએઇ સૂચનો કર્યા હતા. તો જરૂરિયાત જણાતા લોકોને દવા આપવામાં આવી હતી. તો બીજી તરફ જેલ સ્ટાફના પરિવારમાં હાલ કોઈ સભ્યને ગંભીર અસર જોવા મળી ન હતી. મહિલા, પુરુષો અને બાળકોને સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા તપાસવામાં આવ્યા હતા તેવું સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો.વિનોદ ચાવડાએ જણાવ્યું હતું.
જેલના કેદીઓ અને સ્ટાફના પરિવાર માટે તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેતા રહીશું: જેલ અધિક્ષક
રાજકોટ મધ્યસ્થ જેલ પણ કોરોનાના ભરડામાં આવી હતી. પરંતુ સ્ટાફની સજાગતા અને ત્વરિત નિર્ણયો દ્વારા કેદી, સ્ટાફ અને સ્ટાફના પરિવારજનોને પણ જરૂરી સારવાર આપવામાં આવે છે. જેલ અધિક્ષક બન્નો જોશી વધુમાં જણાવ્યું હતું કે કોરોનાની મહામારીને નાથવા એકસાથે ચાલવું જરૂરી છે. જેના માટે હવે જેલ કમ્પાઉન્ડના ક્વાર્ટરમાં રહેતા સ્ટાફના પરિવારને પણ મેડિકલ ચેકઅપ માટે કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં મેડિકલ ઓફિસર દ્વારા લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું.