‘ફેસલેસ’ અને ‘નેમલેસ’ અસેસમેન્ટ તરફ આવકવેરા વિભાગ વધી રહ્યું છે આગળ: અજયદાસ મેહરોત્રા
‘પ્રોજેકટ ઈનસાઈટ’આવકવેરા વિભાગ માટે એક પ્રગતિશીલ યોજના
આવકવેરા વિભાગ રાજકોટના ચીફ કમિશનર ઓફ ઇન્કમટેક્સનો એડિશનલ ચાર્જ પ્રિન્સીપલ
કમિશનર ઓફ ઇન્કમટેક્સ અજયદાસ મેહરોત્રાએ દેવાશિષ રોય ચૌધરીને સોંપ્યો
આવકવેરા વિભાગ હરહંમેશ દેશની પ્રગતી અને ઉન્નતિ માટે પ્રયત્નશીલ રહેતું હોય છે જે પ્રસંગે તેઓ કરદાતાઓ પાસેથી કર એકત્રિત કરી દેશનાં વિકાસમાં યોગદાન આપતું હોય છે પરંતુ ઘણીખરી વખત કરદાતાઓને આયકર વિભાગ એટલે કે ઈન્કમટેકસનું નામ પડતાની સાથે જ તેમનામાં એક ભયનો માહોલ ઉદભવિત થતો હોય છે ત્યારે ગુજરાત રાજયનાં પ્રિન્સીપલ કમિશનર ઓફ ઈન્કમટેકસ અજયદાસ મેહરોત્રા દ્વારા અબતક મીડિયાને વિશેષ મુલાકાત આપી હતી અને અબતકની કામગીરીને પણ બિરદાવતા ઈન્કમ ટેકસ વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી વિશે માહિતી પણ આપી હતી. તેમની સાથે થયેલી પ્રશ્ર્નોતરીમાં તેઓએ અનેકવિધ પ્રશ્નના નિખાલસપૂર્ણ રીતે જવાબો આપ્યા હતા જેમાં તેઓને જયારે પ્રથમ પ્રશ્ન પુછવામાં આવ્યો તો ત્યારે,
પ્રશ્ન:-૧ સમગ્ર ગુજરાતમાં કરદાતાઓની સંખ્યામાં વધારો થતો હોવાનું સામે આવ્યું છે તો આ પ્રસંગે આપ શું સંદેશો પાઠવશો?
જવાબ:- પ્રશ્નના ઉતરમાં પ્રિન્સીપલ કમિશનરે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા અથવા તો કહી શકાય કે સમગ્ર ભારતવાસીઓએ તેમનો કર નિયમિત અંતરાળ પર આપવો જોઈએ. કારણકે તેમનો કર રાષ્ટ્રનિર્માણ માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. ભારતીયોનાં કરથી ઈન્ફ્રાસ્ટ્રકચર, રસ્તાઓ, હોસ્પિટલ, સ્કુલ સહિત સૈન્યનાં કર્મચારીઓનાં પગાર પણ આપવામાં આવતા હોવાથી તેનો ઉપયોગ કર દ્વારા કરવામાં આવતો હોય છે. સાથો સાથ જેટલો કર વધુને વધુ આવશે તેટલું ભારત દેશનાં વિકાસમાં સિંહફાળો ભજવશે ત્યારે લોકોને માત્ર એટલી જ અપીલ કરવામાં આવે છે કે, ભારતવાસીઓએ તેમનો આવકવેરાનો કર નિયમિત સમય પર આપવો જોઈએ અને દેશનાં વિકાસમાં પોતાનો સિંહફાળો પણ આપવો જોઈએ.
પ્રશ્ન:-૨ ઘણાં ખરા કરદાતાઓ તેમનો કર ભરતા નથી ત્યારે ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે આવકવેરા વિભાગ કરી રહ્યું છે.
જવાબ:-આ પ્રશ્ર્નનાં ઉતરમાં પ્રિન્સીપલ કમિશનર અજયદાસ મેહરોત્રાએ જણાવતાં કહ્યું હતું કે, આવકવેરા વિભાગ દ્વારા ‘પ્રોજેકટ ઈનસાઈટ’ નામનો પ્રોજેકટ ચલાવી રહ્યા છે. કોઈપણ કરદાતા જો મેજર હાઈ વેલ્યુ ટ્રાન્ઝેકશન કરતા હોય તો તે તમામ વ્યવહારનો રીપોર્ટ આઈ.ટી.ને ઓનલાઈન મળી જતો હોય છે. કારણકે કરદાતાઓનાં પાન નંબર સાથે પ્રોજેકટ ઈનસાઈટને જોડાયેલો રાખવામાં આવ્યો છે. કોઈપણ કરદાતાનો જે વ્યવહાર દેખાડવામાં આવતો હોય છે અને જો તે આવક સાથે મેચ ન થાય તો આવકવેરા વિભાગ તે અંગે ઈન્કવાયરી પણ કરી શકે છે. જેથી કરદાતાઓએ સાચી આવક દર્શાવવી ખુબ જ જરૂરી છે.
પ્રશ્ન:-૩ શું છે ઈ-અસેસમેન્ટ?
જવાબ:-આ ઈ-અસેસમેન્ટ પ્રશ્ર્નનાં જવાબમાં પ્રિન્સીપલ કમિશનરે માહિતી આપતા જણાવ્યું હતું કે, ઈ-અસેસમેન્ટ કેન્દ્ર સરકારની એક પ્રગતિશીલ યોજના છે જેનાં કારણે કરદાતાઓએ જે પહેલા આવકવેરા વિભાગ કચેરી ખાતે નિયમિતપણે આવું પડતું હતું તે હવે નહીં આવું પડે. તમામ પ્રોસેસ હવે ઈલેકટ્રોનિક કરી દેવામાં આવી છે. જેમાં કરદાતાઓએ તેનું રીટર્ન પણ ઈલેકટ્રોનિક ભરવાનું રહેશે ત્યારબાદ કચેરી દ્વારા તેને રીફંડ પણ ઈલેકટ્રોનિક પઘ્ધતિથી મળી રહેશે. કચેરી દ્વારા જો કોઈ કરદાતાઓને નોટીસ પાઠવવામાં આવે તો તે પણ ઈ-અસેસમેન્ટ પ્રક્રિયા મુજબ ઈ-મેઈલ મારફતે આપવામાં આવશે જેનો જવાબ અને મંગાવવામાં આવેલી માહિતી કરદાતાઓએ ઈલકેટ્રોનિક મારફત આપવાની રહેતી હોય છે. ઈ-અસેસમેન્ટની પ્રણાલી લાગુ થવાથી કરદાતાઓની ચિંતા અને તકલીફોમાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે. સરકાર દ્વારા ૩ વર્ષથી ધીમે-ધીમે આ પ્રણાલીને અમલમાં લાવવામાં આવી રહી છે. જેમાં પહેલા મોટા શહેરો ત્યારબાદ તમામ જગ્યાઓ પર ઈ-અસેસમેન્ટ પઘ્ધતિને અમલી બનાવી છે. આ જવાબનાં અંતમાં પ્રિન્સીપલ કમિશનરને માહિતી આપતા જણાવ્યું હતું કે, સરકાર હવે ફેસલેસ અને નેમલેસ અસેસમેન્ટ તરફ આગળ વિચારી રહ્યું છે જેમાં કોઈપણ અધિકારી જે અસેસમેન્ટ કરતું હોય તેને તે કરદાતાઓનાં નામ અને કોઈપણ કરદાતાને તેની અસેસમેન્ટ કોના દ્વારા થઈ રહી છે તે અધિકારીઓનું નામ પૂર્ણત: ગુપ્ત રાખવામાં આવશે જે આ પ્રણાલીનો મુખ્ય હેતુ છે.
પ્રશ્ન:-૪ ગુજરાતમાં ઓપન હાઉસનો પ્રતિસાદ કેવો મળી રહ્યો છે?
જવાબ:-પ્રશ્ર્નનાં જવાબમાં અજયદાસ મેહરોત્રાએ અબતક સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં ઓપન હાઉસનું આયોજન કરવામાં આવે છે જેનું કારણ એ છે કે, કરદાતાઓ કોઈ અધિકારીઓ નહીં પરંતુ વરીષ્ઠ અધિકારીઓનાં સીધા સંપર્કમાં આવે અને તેમની સમસ્યાનું ત્વરીત નિરાકરણ થાય તે માટે ઓપન હાઉસનું આયોજન વિશેષરૂપથી કરવામાં આવે છે. રાજકોટ, સુરત અને અમદાવાદમાં ઓપન હાઉસનું આયોજન અનેકવિધ સમયે કરવામાં આવ્યું છે જેનો પ્રતિસાદ ખુબ જ સારો મળે છે. આ તકે ઓપન હાઉસનું બીજું કારણ એ પણ છે કે કરદાતાઓમાં આવકવેરા વિભાગને લઈ જે ગેરમાન્યતા અને જે દર રહેલો છે તે દુર થાય અને આવકવેરા વિભાગ પ્રત્યે તેમનો અભિગમ હકારાત્મક નિવડે તે હેતુથી જ ઓપન હાઉસનું આયોજન વિશેષરૂપથી કરવામાં આવી રહ્યું છે.
પ્રશ્ન:-૫ ગુજરાતનાં કરદાતાઓને આપ શું સંદેશ પાઠવશો?
જવાબ:- આ પ્રશ્નનાં જવાબમાં આવકવેરા વિભાગનાં પ્રિન્સીપલ કમિશનર અજયદાસ મેહરોત્રાએ લોકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રજા નિયમિત અંતરાળે તેનાં કરનું ભુગતાન કરે જેથી દેશનાં વિકાસમાં તેઓ પોતાનો અહમ ફાળો પણ ભજવી શકે. સાથો સાથ આવકવેરા વિભાગ સાથે એક હકારાત્મક અભિગમ દાખવી કરદાતાઓને પડતી મુશ્કેલી અને હાલાકીઓને દુર રાખી અધિકારીઓ સાથે સીધો સંપર્ક સાધી શકે તે માટે કરદાતાઓએ આવકવેરા વિભાગને લઈ જે ડર ઉદભવિત થતો હોય તે ન થાય.