મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજવા માટે આપ્યું માર્ગદર્શન
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા અજય વી. નાયકની સ્પેશિયલ જનરલ ઓબ્ઝર્વર તથા દીપક મિશ્રાની સ્પેશિયલ પોલીસ ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ બંને નિરીક્ષકશ્રીઓ આજે રાજકોટ આવી પહોંચ્યા હતા અને જિલ્લા ચૂંટણીતંત્ર સાથે બેઠક યોજીને ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. બંને સ્પેશિયલ ઓબ્ઝર્વર દ્વારા જિલ્લામાં ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે ઈ.વી.એમ. મેનેજમેન્ટ, પોસ્ટલ બેલેટ સહિતના મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેઓએ આઠ વિધાનસભાના જનરલ ઓબ્ઝર્વર્સ પાસેથી તેમના અનુભવો જાણ્યા હતા.
જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુએ આ તકે રાજકોટ જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા થઈ રહેલી કામગીરીનો પરિચય આપ્યો હતો. આ બેઠકમાં જનરલ ઓબ્ઝર્વર્સ નીલમ મીના, શિલ્પા ગુપ્તા, સુશીલકુમાર પટેલ, વી.વી. જ્યોત્સના, મિથીલેશ મિશ્રા, પ્રીતિ ગેહલોત, પોલીસ નિરીક્ષક એસ. પરીમાલા તેમજ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, ચૂંટણી ખર્ચ નોડલ અધિકારી દેવ ચૌધરી, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોર, નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર, અધિક ચૂંટણી અધિકારી એસ.જે. ખાચર ઉપસ્થિત રહ્યા હતા.