૩૦ નવેમ્બર સુધી સ્થાનિક સ્તરે ઉજવણી :જાન્યુઆરીમાં આત્મીય યુવા મહોત્સવ યોજાશે
યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજની પ્રેરણાથી હરિધામ-સોખડા સંલગ્ન વિશ્વભરનાં સંસ્કારકેન્દ્રો અને સત્સંગ મંડળોમાં ‘વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ’ના ઉપક્રમે ભક્તિભાવસભર આયોજનો કરવામાં આવ્યાં છે. તા. ૨૧ નવેમ્બરે તારીખ પ્રમાણે અને તા. ૩૦ નવેમ્બરે માગશર સુદિ ચતુર્થી હોઇ આ દસ દિવસ દરમિયાન પ્રભાતફેરી, વચનામૃતનું સમૂહ પૂજન, વચનામૃતના સમૂહપાઠ, વિવિધ વચનામૃતોનાં નિરૂપણ કરતાં સંતોના પ્રવચનોનું સમૂહશ્રવણ, આધ્યાત્મિક પ્રગતિ માટે અને રોજબરોજનાં જીવનમાં વિશિષ્ટ રીતે મહત્વનાં ગણાતાં વચનામૃતોનું પારાયણ, વચનામૃતોમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે સૂચવેલ માર્ગ પ્રમાણે જીવન જીવાય તે માટે પ્રાર્થનાપૂર્વક નામસ્મરણ તેમજ સમૂહજાપ, બાળકો યુવકો માટે વચનામૃત મુખપાઠ સ્પર્ધા વગેરેનું આયોજન થયું છે.
આ વિશિષ્ટ ઉજવણીનો પ્રારંભ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં વડોદરાનાં માંઝલપુર સ્થિત આત્મીય સંસ્કારધામમાં યોજાયેલ ભવ્ય સમરોહથી થયો હતો. આ પ્રસંગે વચનામૃતમાં વર્ણવાયેલ દ્રશ્યને મંચ ઉપર મૂર્તિમંત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પંદરસો ભક્તો દ્વારા વચનામૃતનું મંત્રપુષ્પાંજલિ સાથે સમૂહપૂજન કરવામાં આવ્યું હતું. યુવાનો બાળકોએ વચનામૃતના મુખપાઠ કર્યા હતા.
આ પ્રસંગે આશીર્વચન આપતાં પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજે કહ્યું હતું કે, આત્માની યાત્રાને પ્રભુતરફ નિર્વિઘ્ને ચલાવવા માટે જીવનમાં પ્રભુના ધારક સંત સાથે મૈત્રી અનિવાર્ય છે. આંખને યોગ્ય જોતી કરવા માટે, કાનને યોગ્ય સાંભળતા કરવા માટે, જીભને યોગ્ય બોલતી-ખાતી કરવા માટે, મગજને યોગ્ય વિચારતું કરવા માટે સંતની અમૃતવાણી પીવી જ પડે. તો જીવનમાં સાચી હળવાશ પ્રગટે. એ હળવાશથી આત્માની યાત્રા પ્રભુ તરફ ચાલે. જીવનમાં વિવિધ સમસ્યાઓના મૂળમાં આ હઠ,માન અને ઈર્ષ્યા જ હોય છે. આ ભાવોથી મુક્ત થવા માટે જીવનમાં સત્પુરુષ સાથેની મૈત્રી અનિવાર્ય છે. હઠ, માન અને ઈર્ષ્યાનો સ્વભાવ ઘટે ત્યારે પ્રભુનો પ્રભાવ વધે. એ પ્રભાવ વધારવા માટે પ્રભુની પરાવાણી વચનામૃતમાં ડૂબવું પડે.
અત્રે એ ઉલ્લેખનીય કે, આ આયોજન ઉપરાંત આગામી તા. ૨ થી પ જાન્યુઆરી ૨૦૨૦ દરમિયાન શ્રી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે આંતરરાષ્ટ્રીય આત્મીય યુવા મહોત્સવ ઉજવાશે. વડોદરા ખાતે ઉજવાનાર આ મહોત્સવમાં વિશ્વભરમાંથી બે લાખ જેટલા યુવાનો ભાગ લેશે. વિવિધ પરંપરાઓના વિદ્વાન સંતો આશીર્વચન પ્રદાન કરશે. જેમાં પરમ પૂજ્ય અવધેશાનંદગિરિજી મહારાજ, પરમ પૂજ્ય શ્રી શ્રી રવિશંકરજી, પરમ પૂજ્ય ચિદાનંદમુનિજી, પરમ પૂજ્ય નિખિલેશ્વરાનંદજી મહારાજ, પરમ પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજ, પરમ પૂજ્ય વ્રજરાજકુમાર મહોદય સહિતના સંતોનો સમાવેશ થાય છે.