પ્રાથમિક,અર્બન, સામુહિક આરોગ્ય કેન્દ્રો,સિવિલ હોસ્પિટલ, ઈ-ગ્રામ સર્વિસ સેન્ટરમાંથી આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે
કોરોનાને રોકવા માટે ભારત સરકારની સુચના મુજબ કોવીડ વેકસીનેશન અંતર્ગત 18 થી 59 વયજૂથ વચ્ચેનાં વ્યક્તિઓને વિના મુલ્યે તમામ સરકારી પ્રાથમિક, અર્બન આરોગ્ય કેન્દ્રો તેમજ પેટા આરોગ્ય કેન્દ્ર ખાતેથી પ્રિકોશન ડોઝ આપવામાં આવી રહ્યા છે. જે અન્વયે રાજકોટ જિલ્લામાં તા. 10 સપ્ટેમ્બર સુધી કોવીડ રસીકરણ પ્રિકોશન ડોઝ અને આયુષ્યમાન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.
આ ઝુંબેશ અન્વયે રાજકોટ જિલ્લામાં તા. 10 સપ્ટેમ્બર સુધી દરેક પ્રાથમિક/અર્બન આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, સિવિલ હોસ્પિટલ, ઈ-ગ્રામ સર્વિસ સેન્ટર, કોમન સર્વિસ સેન્ટરમાંથી પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ કાઢી આપવામાં આવશે. આ કાર્ડ કઢાવવા માટે આધાર કાર્ડ, રેશન કાર્ડ અને આવકનો દાખલો સાથે લઈ જવાનો રહેશે.
વધુમાં કોરોનાને રોકવા માટે વહેલી તકે રસીનો પ્રિકોશન ડોઝ લેવો પણ જરૂરી છે. ત્યારે જાગૃત નાગરીક બનીને પ્રિકોશન ડોઝ કોઈપણ પ્રકારની આળસ રાખ્યા વિના લઈ લેવો જોઈએ. આ ઝુંબેશ હેઠળ રસીનો પ્રિકોશન ડોઝ તથા પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડનો લાભ લેવા મટે જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ અને જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત ગત 15મી જુલાઈથી સતત 75 દિવસ માટે 18 થી 59 વર્ષની વય ધરાવતા નાગરીકોને કોરોના વેકિસનનો પ્રિકોશન ડોઝ આપવામાં આવી રહ્યો છે. આ અભિયાનને વધુ વેગવાન બનાવવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.