બોગસ પેઢી મળી આવશે તો 24 કલાકમાં જ જીએસટી નંબર રદ કરી દેવાશે
ગુજરાત સહિત દેશભરમાં જીએસટી કાયદો અમલી બન્યા બાદ ખાસ કરીને છેલ્લા કેટલાક સમયથી જીએસટીના ખોટા નંબરો મેળવી મોટાપાયે કૌભાંડકારો દ્વારા કરચોરી કરાતી હોવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ખાસ કરીને સામાન્ય લોકોનાં દસ્તાવેજોનો ઉપયોગ કરી અને ખોટી રીતે નંબરો મેળવી તથા બોગસ પેઢીઓ ઉભી કરી કરોડો અબજો રૂા.નું બોગસ બીલીંગ કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. અને રાજય તથા કેન્દ્રની સરકારને કૌભાંડકારો વ્યાપક નુકશાન કરી રહ્યા છે.
જીએસટી બોગસ બિલીંગ કૌભાંડને અટકાવવા માટે કાગળ પર ચાલતી પેઢી શોધવા માટે આજથી મેગા ઝુંબેશ જીએસટી દ્વારા હાથ ધરવામાં આવનાર છે. તપાસમાં બોગસ પેઢી મળી આવશે તો 24 કલાકમાં જ તેનો રિપોર્ટ કરીને તાત્કાલિક નંબર સસ્પેન્ડ કરી દેવામાં આવશે. જ્યારે બોગસ પેઢીમાં નંબર લેતી વખતે રજૂ કરવામાં આવેલા ભાડા કરારમાં નોટરીનું પણ નિવેદન લેવામાં આવનાર છે. બોગસ બીલિંગ કૌભાંડને રોકવા રાજયવ્યાપી જીએસટી તપાસ કરવાનો નિર્ણય કર્યો છે. અને બોગસ પેઢીઓ થકી કરોડો રૂપિયાનું કૌભાંડ કરનારાઓને ઝડપી લેવા માટે આગામી તા.16મેથી 15 જુલાઈ સુધી એટલે કે આવતા બે મહિના સુધી દેશભરમાં અને ગુજરાતભરમાં સ્પેશ્યલ ચેકીંગ ડ્રાઈવ કરી કૌભાંડી તત્વોને ઝડપી લેવાનો નિર્ણય કરાયો છે.
આજથી શરૂ થનારા દરોડા પૂર્વે બોગસ પેઢીનાં સ્થળો અને તેની સંખ્યાની યાદીઓ હાલ તંત્ર દ્વારા ગુપ્ત રાહે તૈયાર કરવામાં આવી રહ્યાનું પણ જાણવા મળી રહ્યું છે. દરોડાનાં દૌર દરમ્યાન જે બોગસ બીલીંગના કિસ્સા ઝડપાશે તેમાં બોગસ પેઢીનો નંબર તાત્કાલિક રદ્દ કરી દેવાશે અને બોગસ પેઢીની આઈટીસી પણ તાકીદે બ્લોક કરી દેવામાં આવશે. સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર આગામી બે માસની આ વ્યાપક ઝુંબેશમાં સેન્ટ્રલ અને સ્ટેટ જીએસટીના અધિકારીઓ પણ જોડાશે. તેમજ આ સ્પેશિયલ ડ્રાઈવનાં મોનીટરીંગ માટે નેશનલ કો-ઓડીનેશન કમિટીની રચના પણ કરવામાં આવી છે. જેમાં ગુજરાત જીએસટીના મુખ્ય કમિશ્ર્નર પણ સભ્ય હશે. આ ઉપરાંત ગુજરાત સહિત દરેક રાજયોને બોગસ બીલીંગ અંગે કરવામાં આવેલી કામગીરીનો રિપોર્ટ પણ દર સપ્તાહે જીએસટી કાઉન્સીલને કરવામાં આવે તેવી સુચનાઓ પણ અપાઈ છે.