૩૦મીએ શહીદોને સામુહિક મૌનાંજલિ અર્પણ થશે: કોર્નરનું લોકાર્પણ કરાશે
ગાંધી નિર્વાણ દિન- શહિદ દિન નિમિતે ૩૦ જાન્યુઆરી ૨૦૧૮ને મંગળવારે સવારે ૯ વાગ્યે ભ‚ચ સ્થિત ધી પ્રોગ્રસીવ હાઈસ્કૂલ ખાતે ‘સ્વરાંજલિ’ તથા ‘મૌનાંજલિ’ના વિશેષ ભાવાંજલિ કાર્યક્રમ ‘ઘાયલ મરતા મરતા રે, માતની આઝાદી ગાવે’નું આયોજન ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન અને ધી પ્રોગ્રેસીવ એજયુકેશન સોસાયટી દ્વારા થયું છે. દેશભકિતની ભાવના અને જીવન-મૂલ્યોનું સંસ્કાર-સિંચન થાય એ આશયથી સતત આઠમાં વર્ષે પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનની પ્રેરણાથી આ કાર્યક્રમનું આયોજન થયું છે. ભ‚ચ સાથે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના અનેક લાગણીસભર સભારણા અને સંસ્મરણો છે તેથી આ કાર્યક્રમનું સવિશેષ મહત્વ છે.
ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ અને સાથીઓ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય અને દેશપ્રેમના ગીતો થકી શહીદોને સ્વરાંજલિ અર્પણ કરશે. કસુંબીનો રંગ, રકત ટપકતી સો સો ઝોળી, શિવાજીનું હાલરડું, હજારો વર્ષની જુની અમારી વેદનાઓ, છેલ્લો કટોરો ઝેરનો, વીરા મારા પંચ રે સિંધુને સ્મશાન, ઝંડા અજર અમર રે’ જે, તારા નામમાં ઓ સ્વતંત્રતા, સુના સમદરની પાળે ઓતરાદા વાયરા ઉઠો ઉઠો, ચારણ-ક્ધયા ભેટયે ઝુલે છે તલવાર જેવી ઝવેરચંદ મેઘાણી રચિત અમર રચનાઓ આ પ્રસંગે રજુ થશે. સવારે ૧૧ કલાકે શહીદોને સામુહિક મૌનાંજલિ અર્પણ થશે.
આ અવસરે ધી પ્રોગ્રસીવ હાઈસ્કૂલ ખાતે કોર્નરનું લોકાર્પણ પણ થશે. આકર્ષક કાચના કબાટમાં ઝવેરચંદ મેઘાણી રચિત-સંપાદિત ૭૫ જેટલા પ્રાપ્ય પુસ્તકો અહિ વાંચન માટે ઉપલબ્ધ રહેશે. ઝવેરચંદ મેઘાણીની ૧૨૧મી જન્મજયંતિ વર્ષ નિમિતે ગુજરાતભરમાં અત્યાર સુધી ૨૦ જેટલા કોર્નરની સ્થાપના પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનની પ્રેરણાથી થઈ છે. ઝવેરચંદ મેઘાણીએ ૨૫ વર્ષના ટુંકાગાળામાં કવિતા, નવલકથા, નવલિકા, નાટક, જીવન-ચરિત્ર, ઈતિહાસ, પ્રવાસ-વર્ણન, લોકસાહિત્ય સંશોધન અને વિવેચન, લોકગીતો, લોકકથાઓ એવા વિવિધ વિષયોના ૧૦૦ જેટલા પુસ્તકો લખ્યા હતા.