આજની ઘટનામાં ફાયર બ્રિગેડ જાણ કરે તો પીજીવીસીએલ જવાબદારી ખંખેરી જે-તે સબ ડીવીઝનમાં ફોન કરવાનું કહેતા હોવાની ઉઠતી ફરિયાદો
અબતક-રાજકોટ
શહેરના કોઇપણ વિસ્તારમાં જ્યારે આગ લાગવાની ઘટના બને ત્યારે ફાયર બ્રિગેડ શાખા દ્વારા પીજીવીસીએલના ક્ધટ્રોલરૂમને જાણ કરવામાં આવે છે. જ્યાંથી એવો જવાબ મળે છે કે જે વિસ્તારમાં આગ લાગી છે તે વિસ્તાર ફલાળા-ઠિકના સબ ડીવીઝનમાં આવે છે ત્યાં જાણ કરો, આવા જવાબના કારણે ઘણીવાર ઘણુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે. આ વાત ધ્યાનમાં આવતા આજે ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહે પીજીવીસીએલ ના જોઇન્ટ એમ.ડી. પ્રિતી શર્મા સાથે ટેલીફોનિક વાત કરી હતી. બંને કચેરીઓ વચ્ચે સંકલન રહે તે માટે હવે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.આ અંગે વધુ માહિતી આપતા ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહએ જણાવ્યું હતું કે ગઇકાલે મનહરપ્લોટ વિસ્તારમાં આગ લાગી હતી, આ અંગે ફાયર બ્રિગેડ શાખાનો મેં સંપર્ક કર્યો ત્યારે એવું જાણવા મળ્યુ કે અનેક કિસ્સાઓમાં ફાયર બ્રિગેડ શાખા જ્યારે આગ લાગ્યાની ઘટના અંગે પીજીવીસીએલને જાણ કરી પાવર બંધ કરવા માટે કહે છે ત્યારે ત્યાંથી એવો જવાબ આપવામાં આવે છે કે જે જગ્યાએ આગ લાગી છે તે વિસ્તાર જે-તે સબ ડીવીઝનમાં આવે છે ત્યાં પાવર બંધ કરવાની જાણ કરો. જેના કારણે ફાયર બ્રિગેડના સ્ટાફનો સમય વ્યતીત થાય છે અને મોડો પાવર સપ્લાય બંધ કરવાના કારણે ઘણીવાર આગની ઘટના પણ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે. ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે આજે સવારે પીજીવીસીએલના જોઇન્ટ એમ.ડી. પ્રિતી શર્મા સાથે ટેલીફોનિક વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેઓએ કોર્પોરેશન અને પીજીવીસીએલ વચ્ચે આગ લાગવાની ઘટનામાં સંકલન જળવાઇ રહે તે માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવાની બાંહેધરી આપી છે.