સિંહ, વાઘ, દીપડાના પાંજરાઓમાં સતત ડીપ ઈરીગેશન સિસ્ટમ થકી પાણીનો છંટકાવ: રીંછના પાંજરામાં ફૂવારા, વાંદરાના પાંજરા પર માંડવા નખાયા, પક્ષીઓના પાંજરાઓ ઉપર ઘાસનું પાથરણ: પ્રાણીઓને ખોરાક અને પાણીમાં અપાતા ઓઆરએસ સહિતના વિટામીન
રાજકોટમાં છેલ્લા ૧૦ દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે. માનવજાત તો ઠીક મુંગા પશુ-પંખીઓ પણ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે આગ ઓકતા આકાશ સામે પશુ-પક્ષીઓને રક્ષણ આપવા માટે મહાપાલિકા સંચાલિત પ્રદ્યુમનપાર્ક ઝુમાં ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ગરમીના કારણે મોટાભાગના હિંસક પ્રાણીઓના ખોરાકમાં ઘટાડો નોંધાયો છે તો બીજી તરફ મગરના ખોરાકમાં ૨૦ થી ૨૫ ટકા જેટલો વધારો નોંધાયો છે.
આ અંગે વધુ માહિતી આપતા પ્રદ્યુમન પાર્ક ઝુના સુપ્રીટેન્ડેન્ટ ડો.હિરપરાએ જણાવ્યું હતું કે, હાલ હીટવેવમાં પ્રાણી તથા પક્ષીઓને રક્ષણ આપવા માટે ઝુ ખાતે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મોટાભાગના પાંજરાઓમાં ખેતીવાડીમાં જે રીતે ડિપ ઈરીગેશન સિસ્ટમથી સતત પાણીનો છંટકાવ થાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જયારે પક્ષીઓને આકરા તાપથી બચાવવા માટે પીંજરા પર ઘાસ પાથરી દેવામાં આવ્યું છે.
રીંછને વધુ તડકો લાગતો હોય છે માટે તેના પાંજરામાં સતત ફુવારા મારફત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. વાંદરાના પાંજરામાં માંડવા નાખવામાં આવ્યા છે. સિંહ, વાઘ, રીંછ, દિપડા, સફેદ વાઘ જેવા હિંસક પ્રાણીઓને ઉનાળામાં કેલ્શિયમ અને વિટામીન ઘટી ન જાય તે માટે ખોરાકમાં કેલ્શ્યિમની ગોળીઓ આપવામાં આવી રહી છે અને પાણી સાથે ઓઆરએસ અપાઈ રહ્યો છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, પ્રદ્યુમન પાર્ક ઝુ હીલ પર આવેલું છે. સાથે રહી પથરાળ જમીન હોવાના કારણે અહીં વધુ તાપમાન રહેતું હોય છે.
હાલ ઝુમાં ૫૩ પ્રકારના ૪૦૧ પ્રાણી અને પક્ષીઓ વસવાટ કરી રહ્યા છે જેમાં સિંહ, સફેદ વાઘ, સામાન્ય વાઘ, દિપડો, બે પ્રકારના રીંછ, ૬ પ્રકારના હરણ, ૩ પ્રકારના વાંદરા અને બે પ્રકારના મગરનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે ઉનાળાની ગરમીમાં અન્ય હિંસક પ્રાણીઓના ખોરાકમાં ઘટાડો નોંધાતો હોય છે તો તેનાથી વિપરીત મગરના ખોરાકમાં ૨૦ થી ૨૫ ટકા જેટલો વધારો જોવા મળતો હોય છે. મગર રોજ ખોરાક લેતી નથી પરંતુ ઉનાળામાં તેને રોજ ખોરાક લેવાની જરૂરીયાત રહે છે.