સિંહ, વાઘ, દિપડા, રિંછ, જરખ, વરૂ, શિયાળ અને વાંદરાનાં પાજરાનાં નાઈટ શેલ્ડરનાં દરવાજા અને બારીઓ પર કંતાનની જાળીઓ ફિટ કરાઈ: હરણનાં પાંજરામાં ઘાસની પથારી બિછાવવામાં આવી
પક્ષીઓનાં પાંજરામાં માટલા અને લાકડાના બોકસ બનાવી ઠંડીથી અપાતું રક્ષણ: સાપના પાંજરામાં ધાબળા પથારાયા અને માટલામાં લેમ્પ ચાલુ કરી ઉત્પન્ન કરાતી કૃત્રિમ ગરમી
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની ભાગોળે લાલપરી-રાંદરડા તળાવનાં કાંઠે અઢળક કુદરતી સૌંદર્યના સાનિઘ્યમાં આંતરરાષ્ટ્રીયકક્ષાનાં પ્રાણી સંગ્રહાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રદ્યુમનપાર્કમાં હાલ ૫૩ પ્રજાતિનાં ૪૧૦ પશુ અને પક્ષીઓ વસવાટ કરી રહ્યા છે. જેની ખુબ જ માવજત લેવામાં આવી રહી છે. શિયાળાની સિઝનમાં છેલ્લા કેટલાક દિવસથી કાતિલ ઠંડીનો દૌર શરૂ થયો છે ત્યારે ઝૂમાં વસવાટ કરતા પ્રાણીઓને ઠંડી સામે રક્ષણ આપવા માટે ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ પ્રાણી અને પક્ષીઓને સનસ્ટ્રોકથી બચાવવા માટે દર વર્ષે અલાયદી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે.
ઝૂ સુપ્રીટેન્ડેન્ટ ડો.રાકેશ હિરપરાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પ્રદ્યુમન પાર્કમાં વસવાટ કરતા પ્રાણીઓ અને પક્ષીઓને શિયાળાની સિઝનમાં ઠંડીથી બચાવવા માટે ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ ઝૂમાં ૫૩ પ્રજાતિનાં ૪૧૦ પશુ-પક્ષીઓ વસવાટ કરી રહ્યા છે. એક પણ પ્રાણી-પક્ષીને ઠંડી ન લાગે તે માટે ઝૂનો સ્ટાફ સતત માવજત લઈ રહ્યો છે. સિંહ, વાઘ, દિપડા, રીંછ અને તમામ પ્રકારનાં વાંદરાનાં પાંજરામાં આવેલા નાઈટ શેલ્ડરનાં બારી-બારણાને રાત્રી દરમિયાન બંધ કરી દેવામાં આવે છે. નાઈટ શેલ્ડરમાં અંદર ઠંડી હવાની અવર-જવર ન થાય તે માટે છેલ્લા ઘણા દિવસથી બારી અને બારણાઓ ફરતે કંતાનની જાળીઓ ફિટ કરવામાં આવી છે. સવારનાં સમયે પણ પ્રાણીઓને પાંજરામાં મોડા બહાર કાઢવામાં આવે છે અને રાત્રીનાં સમયે વહેલા નાઈટ શેલ્ડરમાં પુરી દેવામાં આવે છે. શિયાળો વરૂ અને જરખનાં પાંજરામાં પણ આ જ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, હરણને રાત્રીનાં સમયે નાઈટ શેલ્ડરમાં રાખવામાં આવતા નથી. તેઓને ૨૪ કલાક પાંજરામાં ખુલ્લા જ રાખવામાં આવે છે. આવામાં શિયાળાની કાતિલ ઠંડીમાં હરણને ઠંડી ન લાગે તે માટે પાંજરામાં અલગ-અલગ જગ્યાએ ઘાસની પથારી બનાવવામાં આવી છે જે પથારી હરણ સહિતના પ્રાણીઓને કાતિલ ઠંડીમાં હુંફ પ્રદાન કરે છે. પક્ષીઓનાં પાંજરામાં માટલા અને લાકડાનાં બોકસ મુકવામાં આવ્યા છે.
ઠંડી દરમિયાન પક્ષીઓ આ માટલા અને લાકડાનાં બોકસનો સહારો લે છે જે વર્ષ દરમિયાન સતત રાખવામાં આવે છે. બીડીંગ પીરીયડ દરમિયાન માટલા અને લાકડાના બોકસ ઉપયોગી નિવડે છે. સાપ સહિતનાં સરીશ્રુપ પ્રાણીઓ માટે પાંજરામાં માટલા મુકવામાં આવ્યા છે અને ધાબળા પાથરવામાં આવ્યા છે. આ માટલામાં કાણા રાખવામાં આવ્યા છે અને અંદર એક બલ્બ સતત ચાલુ રાખવામાં આવે છે જે ગરમી ઉત્પન્ન કરે છે. ઠંડી દરમિયાન સાપ કે અન્ય કોઈ જીવજંતુ અહીં માટલા પાસે આવી પુરી ગરમી મેળવી શકે છે. ધાબળા પર સુઈને પણ સરીશ્રુપ પ્રાણીઓને રક્ષણ આપવામાં આવી રહ્યું છે. ટુંકમાં એક પણ પશુ-પ્રાણી કે સરીશ્રુપ જીવજંતુને ઠંડીનાં કારણે કોઈ તકલીફ ન પડે તેવી તમામ પ્રકારની વ્યવસ્થા ઝૂમાં કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉનાળાની સિઝનમાં જયારે કાળઝાળ ગરમી પડતી હોય છે ત્યારે પણ ગરમી સામે રક્ષણ આપવા માટે ઝૂમાં પ્રાણીઓ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવે છે જેમાં સિંહ, વાઘ, દિપડા, રીંછ, જરક, વરૂ કે શિયાળનાં પાંજરામાં સતત પાણીનો છંટકાવ કરવામાં આવતો હોય છે. પ્રાણીઓને ખોરાક સાથે વિટામીન અને કેલ્શીયમની ગોળીઓ પણ આપવામાં આવે છે. વાંદરાઓને ઠંડક માટે કુલ્ફી પણ આપવામાં આવતી હોય છે. ઝૂમાં તમામ પ્રાણીઓની સંભાળ પરીવારનાં સભ્યની માફક લેવામાં આવે છે.