તમામ ૨૬ બેઠકો ઉપરના વિજયને કાર્યકરો, આગેવાનોએ વધાવ્યો

આજરોજ પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીએ લોકસભા ચૂંટણીના પરિણામો અંતર્ગત પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતેથી ઇલેક્ટ્રોનિક મીડિયાને સંબોધતાં જણાવ્યું હતું કે, આજની સવારના સૂર્યના કિરણો નવા યુગની શરૂઆત લઈને આવ્યા છે. આગામી પાંચ વર્ષમાં યુગપુરુષ શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ અવિરતપણે પ્રગતિ પથ પર આગળ વધવા જઇ રહ્યો છે અને દેશ વિશ્વગુરુના સ્થાને બિરાજમાન થવા માટે આગળ વધશે તે નિશ્ચિત છે.

લોકસભાની ચૂંટણીમાં મળેલા પ્રચંડ વિજય અંગે વાત કરતાં શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારે જનકલ્યાણ તેમજ દેશની સુરક્ષા માટે જે પગલાંઓ લીધા તેનાથી સ્પષ્ટ હતું કે દેશની જનતા તેમને ફરી એકવાર દેશના પ્રધાનમંત્રીપદ પર બિરાજમાન કરશે. ભારતીય જનતા પાર્ટીની સરકાર જનતાના હૃદય સુધી પહોંચવામાં સફળ નીવડી છે. દૂધમાં જેમ સાકર ભળે તેવી રીતે ભાજપાના રાષ્ટ્રવાદી અને વિકાસવાદી વિચારો સાથે દેશની જનતા ભળી ગઈ છે.

ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો પર ભાજપાને ઐતિહાસિક પુનરાવર્તન સાથે વિજય અપાવવા બદલ શ્રી વાઘાણીએ ભાજપાના કાર્યકર્તાઓ અને ગુજરાતની જનતાને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી પછી તુરંત જ ગુજરાત ભાજપાએ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી માટે કવાયત શરૂ કરેલી અને નરેન્દ્રભાઈની સરકારે કરેલા લોકકલ્યાણના કાર્યોની જનજન સુધી પહોંચાડવાનો વિવિધ કાર્યક્રમો થકી પ્રયાસ કર્યો હતો. પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીએ ભાજપા ગુજરાત વતી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઈ શાહને દેશભરમાં ભાજપાને મળેલા પ્રચંડ વિજય બદલ અભિનંદન પાઠવ્યા હતા.

શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઈ શાહના અથાગ પરિશ્રમ અને સંગઠનાત્મક નેતૃત્વ અને માર્ગદર્શનના કારણે જ ભાજપા આજે દેશના પ્રત્યેક ખૂણે પોતાનો ડંકો વગાડવામાં સફળ નીવડી છે. ગુજરાતનું સૌભાગ્ય છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઇ શાહ ગુજરાત ભાજપા ટીમના આગ્રહને માન્ય રાખી ગાંધીનગર ખાતેથી ચૂંટણી લડ્યા અને પ્રજાના આશીર્વાદથી તેમનો ભવ્યાતિભવ્ય વિજય થયો છે.

શ્રી વાઘાણીએ અંતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસની નકારાત્મક રાજનીતિને દેશની સમગ્ર જનતા એ નકારી કાઢી છે અને કોંગ્રેસના દેશમાંથી સુપડા સાફ કરી નાખ્યા છે. આજે દેશમાં સામાજિક સમરસતા નું વાતાવરણ છે અને સકારાત્મક રાજનીતિના યુગનો ઉદય થઈ ચૂક્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.