યુજીસીએ દેશભરની યુનિવર્સિટી અને કોલેજોમાં કોરોના કાળમાં અભ્યાસક્રમ પૂરો કરવા માટે બ્લેન્ડેડ મોડ એટલે ઓનલાઈન અને ઓફલાઈન ભણાવવા માટેની ભલામણો જાહેર કરી છે. જેમાં યુજીસીએ દરેક કોર્ષનો 40 ટકા સીલેબસ ઓનલાઈન અને 60 ટકા સીલેબસ ઓફલાઈન ભણાવી શકાશે તેવું સુચન કર્યું હતું. તેમજ બંને મોડની પરીક્ષા ઓફલાઈન લેવા સુચવ્યું છે. દરેક રાજ્યોમાં કોરોનાની સ્થિતિ જુદી જુદી છે ત્યારે એકસમાન રીતે આવી ગાઈડ લાઈન અમલી બનશે ખરી ? અને આ ગાઈડ લાઈન પ્રમાણે વિદ્યાર્થીઓને યુજીસીની ઓનલાઈન-ઓફલાઈન થીયરી પસંદ પડશે.
ઉલ્લેખનીય છે કે, યુજીસી દ્વારા એકસ્પર્ટ કમીટી ડ્રાફટ ગાઈડ લાઈનમાં એવી ભલામણ કરવામાં આવી છે. કે હાયર એજ્યુકેશન ઈન્સ્ટિટયુટ દરેક કોર્ષનો 40 ટકા સીલેબસ ઓનલાઈન મોડથી ભણાવી શકશે બાકી 60 ટકા સીલેબસ ઓફલાઈન ભણાવવાનો રહેશે. બન્ને મોડથી ભણાવ્યા બાદ પરીક્ષા તો ઓફલાઈન જ લેવાની રહેશે. ખાસ તો જ્યારથી કોરોનાની મહામારી બાદ રાજ્યભરમાં ઓનલાઈન શિક્ષણથી જ વિદ્યાર્થીઓ ભણતા હતા. જો કે, વિદ્યાર્થીઓની પરીક્ષા ઓફલાઈન લેવામાં આવી હતી. વચ્ચે બે મહિનાના સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓને ઓફલાઈન શિક્ષણ માટે બોલાવવામાં આવ્યા હતા.
ત્યારબાદ બીજી લહેર શરૂ થતાં ફરી પાછુ ઓનલાઈન શિક્ષણથી ગાડુ ગબડાવવામાં આવ્યું હતું. હવે જ્યારે વિદ્યાર્થીની પરીક્ષા લેવાની વાત છે તો મોટાભાગની યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની પરીક્ષા લેવાનું બાકી છે ત્યારે યુજીસી દ્વારા જે નવી ગાઈડ લાઈન બહાર પાડવામાં આવી છે તેમાં નવું સત્ર જ્યારથી શરૂ થાય અને બીજીબાજુ કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓનો જે સિલેબસ પુરો કરવાની વાત છે તે ઓનલાઈન અને ઓફલાઈન બન્ને માટે સુચન કરવામાં આવ્યું છે.
હવે જ્યારે વિદ્યાર્થીઓને ઓનલાઈન-ઓફલાઈન ભણવાની વાત સામે આવી હતી તેમાં ઘણા પ્રશ્ર્નો પણ ઉભા થયા છે. શિક્ષણ જગતમાં ગત વર્ષે ઓકટોબર માસ સુધી સ્કૂલ અને કોલેજોમાં ઓનલાઈન અભ્યાસ ચાલ્યો હતો. નવેમ્બરથી ઓફલાઈન ધીમે ધીમે શરૂ થયું હતું
તેમાં પણ વિદ્યાર્થીને હોસ્ટેલ સુવિધા ન મળવાના કારણે આ વિદ્યાર્થીઓ ઓનલાઈન જ ભણ્યા હતા. ત્યારે હવે ઓનલાઈન ઓફલાઈન વિકલ્પ વિદ્યાર્થીને પસંદ પડશે કે કેમ તે જોવું રહ્યું.
જો કે હજુ સુધી આ બાબતે કોઈ સ્પષ્ટ નિર્ણય લેવાયો નથી પરંતુ યુજીસી દ્વારા જે ગાઈડ લાઈન બહાર પાડવામાં આવી છે તે માટે દરેક સંસ્થાએ કોઈ કોમેન્ટ કે સજેશન હોય તો છ જૂન પહેલા યુજીસીને મોકલવાના રહેશે.
પ્રેક્ટિકલ માટે તો વિદ્યાર્થીઓને બોલાવવા જ પડશે
વિદ્યાર્થીઓને નવા સત્રથી યુનિવર્સિટી-કોલેજોમાં 40 ટકા ઓનલાઈન અને 60 ટકા ઓફલાઈન ભણાવી શકાશે. જો કે છેલ્લા એક વર્ષથી વિદ્યાર્થીઓ ઘરબેઠા ઓનલાઈન જ ભણી રહ્યાં છે. જો કે થીયરી અભ્યાસ ઓનલાઈન રીતે કરાવી શકાય પરંતુ પ્રેક્ટિકલ માટે તો વિદ્યાર્થીઓને નાછૂટકે બોલાવવા જ પડશે. ત્યારે નવી ગાઈડ લાઈન મુજબ આ વર્ષે વધુ કોરોનાના કેસના કારણે ઓનલાઈન ભણાવવામાં આવ્યું હતું. ત્રીજી લહેર આવે ત્યારે યુનિવર્સિટી-કોલેજો શું કરવાની તે અંગે હજુ કોઈ માર્ગદર્શીકા બહાર પડી નથી તો શું વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ માટે યુનિવર્સિટી-કોલેજ બોલાવવા જ પડશે ?
ઓડ ઈવન સીસ્ટમથી વિદ્યાર્થીઓને ઓફલાઈન ભણાવવા બોલાવી શકાય: ડો.વિજય દેસાણી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.વિજય દેસાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, યુજીસી દ્વારા જે ગાઈડ લાઈન બહાર પાડવામાં આવી છે તે મુજબ નવા સત્રથી વિદ્યાર્થીઓને ઓનલાઈન ઓફલાઈન બન્ને રીતે બોલાવાશે. પરંતુ જો ત્રીજી લહેર આવે અને કોરોનાના કેસમાં વધારોથાય તો વિદ્યાર્થીઓને ભણવા માટે ઓડ ઈવન સીસ્ટમ મુજબ બોલાવી શકાય. પરંતુ આ ઓડ ઈવન સીસ્ટમથી સિલેબસ ઓછો કરવો પડે કાં તો ભણવાના દિવસો વધારવા પડે જો કે હજુ કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા બહાર આવી નથી. આવનારા દિવસોમાં આ બાબતે નિર્ણય લેવામાં આવશે.