રાજકોટમાં એક સપ્તાહ પૂર્વે ક્રાઈમ બ્રાંચનાં પોલીસમેન તરીકે ઓળખ આપી શખ્સે રૂા.8 હજારની લૂંટ ચલાવ્યાની ઘટનાની શાહી સુકાઇ નથી ત્યારે પૂર્વ પતિ- પત્ની વચ્ચેનાં ઝગડામાં પોતાની ક્રાઈમ બ્રાંચનાં માણસ તરીકે ઓળખ આપ્યાનો બનાવ ભક્તિનગર પોલીસમાં નોંધાયો હતો.
એક સપ્તાહમાં ક્રાઇમ બ્રાંચના નામે બીજી ઘટનાથી પોલીસ બેડામાં ચકચાર
આ અંગે વાવડી ગામમાં રહેતા અને કેટરર્સનું કામ કરતા હાર્દિક દિપકભાઈ બગડાઈ (ઉ.વ.38)એ પત્ની મહેશ્ર્વરી સાથે 2021માં છૂટાછેડા લઇ લીધા હતા. ગઈ તા.18 નવેમ્બરનાં રોજ તે લક્ષ્મીવાડીમાં રહેતા મિત્ર અલ્પેશ પરમારનાં ઘરે હાજર હતો ત્યારે પૂર્વ પત્ની મહેશ્વરીએ કોલ કરી પૈસાની માંગ કરી બોલાચાલી કર્યાની ફરિયાદ નોંધાવી છે.
જેથી તેણે મિત્રનાં ઘરે હોવાનું કહેતા ત્યાં આવી હતી અને કાંઈ બોલ્યા વગર જતી રહી હતી. થોડીવાર પછી એક અજાણ્યા શખ્સે કોલ કરી કહ્યું કે, હું રાજકોટ ક્રાઇમ બ્રાંચમાંથી બોલું છું, તમે તમારી પત્ની સાથે બપોરે શું બોલાચાલી કરી હતી. જેની સામે તેણે કહ્યું કે, મેં કોઇ બોલાચાલી કરી નથી મારી પત્ની પૈસા માંગતી હતી જે આપવાની મેં ના પાડી હતી. તે સાથે જ તે કોલ કરનારનો અવાજ ઓળખી ગયો હતો. જે અગાઉ તેના કેટરર્સમાં જ ડ્રાઇવર તરીકે નોકરી કરતો યશ મુકેશ ડોડીયાનો હતો.તે સાથે જ તેણે તું યશ જ છે, કોઈ પોલીસ નથી, મેં મારી પત્નીને છૂટાછેડા આપી દીધા છે, તેમ છતાં મારી પાસે પૈસા માંગે છે, મેં કોઈ ગુનો કર્યો નથી,જો કોઇ ગુનો કર્યો હોય તો તમે ફરિયાદ લઇ લો. સામે યશે કહ્યું કે હું પોલીસ જ બોલું છુ. બાદમાં ફોન કાપી નાખ્યો હતો. પરંતુ તેની સાથેની વાતચીત રેકોર્ડ થઈ ગઈ હોવાથી ગઈકાલે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.