રાઘવજીભાઈ પટેલ, જવાહર ચાવડા, પરસોતમ સાબરીયા અને આશાબેન પટેલે ધારાસભ્યપદે શપથ લીધા: સાંસદ તરીકે ચુંટાયેલા ચાર ધારાસભ્યો આપશે રાજીનામું

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી ચાર બેઠકો માટે લોકસભા સાથે યોજાયેલી ચુંટણીમાં સતાધારી પક્ષ ભાજપ ચારેય બેઠકો કબજે કરવામાં સફળ રહ્યું છે. ધારાસભ્ય તરીકે ચુંટાયેલા ચારેય નેતાઓને આજે સવારે ૧૧:૦૦ વાગ્યે વિધાનસભાનાં અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ શપથ લેવડાવ્યા હતા. લોકસભાની ચુંટણીમાં સાંસદ તરીકે ચુંટાયેલા અન્ય ૪ ભાજપનાં ધારાસભ્યો આગામી દિવસોમાં રાજીનામું આપી દેશે. બીજી તરફ કોંગ્રેસનાં અડધો ડઝન ધારાસભ્યો કેસરીયો ખેસ ધારણ કરવા માટે કતાર હોવાનું જણાઈ રહ્યું છે. વિધાનસભામાં ભાજપનું સભ્ય સંખ્યાબળ વધી રહ્યું છે.

તાજેતરમાં કોંગ્રેસનો સાથ છોડી ભાજપનો કેશરીયો ખેસ ધારણ કર્યા બાદ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેવાનાં કારણે માણાવદર, જામનગર ગ્રામ્ય, હળવદ-ધ્રાંગધ્રા અને ઉંઝા વિધાનસભા બેઠક ખાલી પડી હતી જેની પેટાચુંટણી માટે ગત ૨૩મી એપ્રિલનાં રોજ લોકસભાની ચુંટણી સાથે મતદાન યોજાયું હતું. ગત ૨૩મી મેનાં રોજ હાથ ધરવામાં આવેલી મતગણતરીમાં ચારેય બેઠક પર ભગવો લહેરાયો હતો.

નવા ચુંટાયેલા માણાવદરનાં ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, જામનગર ગ્રામ્યનાં ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, ઉંઝાનાં ધારાસભ્ય આશાબેન પટેલ અને હળવદ-ધ્રાંગધ્રાનાં ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયાને આજે સવારે ૧૧:૦૦ કલાકે વિધાનસભાનાં અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ પોતાની ચેમ્બરમાં શપથગ્રહણ કરાવ્યા હતા. લોકસભાની ચુંટણીમાં ભાજપે અલગ-અલગ ચાર બેઠકો પર વર્તમાન ધારાસભ્યને ટીકીટ આપવી હતી.

જેમાં અમદાવાદનાં અમરાઈવાડી વિસ્તારનાં ધારાસભ્ય હસમુખભાઈ પટેલ, લુણાવાડાનાં ધારાસભ્ય રતનસિંહ રાઠોડ, થરાદનાં ધારાસભ્ય પરબતભાઈ પટેલ અને ખેરાલુનાં ધારાસભ્ય ભરતભાઈ ડાભી લોકસભાની ચુંટણીમાં વિજેતા બન્યા છે. નિયમ મુજબ સાંસદ તરીકે ચુંટાયા બાદ ધારાસભ્યએ ૧૪ દિવસ એટલે કે બે સપ્તાહની અંદર ગમે તે એક પદ એટલે કે ધારાસભ્ય કે સંસદસભ્ય તરીકે રાજીનામું આપી દેવું પડે છે. આગામી દિવસોમાં આ ચારેય ધારાસભ્યો રાજીનામું આપી દેશે અને આગામી છ માસમાં આ ખાલી પડેલી ચારેય બેઠકો માટે ફરી પેટાચુંટણી યોજાશે.

૨૦૧૭માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણીમાં ભાજપને ૯૯ બેઠકો મળી હતી પરંતુ જે રીતે કોંગ્રેસનાં ધારાસભ્યો પંજાનો સાથ છોડી ભાજપમાં આવી રહ્યા છે અને પેટાચુંટણીમાં વિજેતા બની રહ્યા છે તેનાથી ગૃહમાં ભાજપનું સંખ્યાબળ સતત વધી રહ્યું છે. હજુ અડધો ડઝન જેટલા કોંગી ધારાસભ્યો કેશરીયો ખેસ ધારણ કરવાનાં મુડમાં હોવાનું ચર્ચાય રહ્યું છે.

અલ્પેશ ઠાકોરનાં ગમે ત્યારે કેશરીયા !alpesh

લોકસભાની ચુંટણી પૂર્વે કોંગ્રેસનાં ધારાસભ્ય અને ઠાકોર સમાજનાં કદાવર નેતા અલ્પેશ ઠાકોર ભાજપ ભળી જશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે જોકે ચુંટણીમાં કોંગ્રેસે તેઓને મનાવી લીધા હતા. લોકસભાની ચુંટણીમાં રાજયની તમામ ૨૬ બેઠકો પર ભગવો લહેરાયો છે ત્યારે કોંગ્રેસની ભારોભાર નારાજ અલ્પેશ ઠાકોર ગમે ત્યારે ભાજપનો કેશરીયો ખેસ ધારણ કરી લે તેવું મનાઈ રહ્યું છે.

ગઈકાલે રાજય સરકારનાં નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ, કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે અલ્પેશ ઠાકોરે બંધ બારણે બેઠક યોજી હતી જેમાં અલ્પેશનાં ભાજપ પ્રવેશનો તખ્તો સંપુર્ણપણે ગોઠવાઈ ગયો હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. ગુજરાતમાંથી રાજયસભાનાં સાંસદ તરીકે ચુંટાયેલા ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ અને સ્મૃતિ ઈરાની લોકસભાની ચુંટણીમાં વિજેતા બનતા હવે રાજયમાં રાજયસભા સાંસદની બે સીટો ખાલી પડશે.

આ બંને સીટો જાળવી રાખવા માટે ભાજપે ૧૧ ધારાસભ્યોની આવશ્યકતા હોય ભાજપ હાલ તોડજોડનાં મુડમાં છે. અલ્પેશ ઠાકોર સાથે કોંગ્રેસનાં અડધો ડઝન ધારાસભ્ય ભાજપમાં જોડાય તેવી સંભાવના હાલ જણાઈ રહી છે. આ અંગેની સતાવાર જાહેરાત ગમે તે ઘડીએ થાય તેવું વર્તાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.