- આખા વર્ષની મહેનતનો નિચોડ વિધાર્થીઓએ ઉત્તરવહીઓમાં વહાવી રહ્યા છે: 22 માર્ચ સુધી રાજ્યભરમાં રહેશે પરીક્ષા ફીવર
આખા વરસની મહેનતનો નિચોડ વિધાર્થીઓએ ગઈ કાલથી ઉત્તરવહીઓમાં વહાવ્યો છે. ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો પ્રારભં થઇ ગયો છે. આ વર્ષે ધોરણ 10માં આશરે 9.56 લાખ વિધાર્થીઓ, ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ 10 હજાર વિધાર્થીઓ અને આર્ટ્સ કોમર્સમાં કુલ 5 લાખ 65 હજાર જેટલા વિધાર્થીઓ પ્રથમવાર પરીક્ષા આપી રહ્યા છે.ધો.12 સામાન્ય પ્રવાહમાં આજે એસપીસીસી, કાલે ધો.10માં ગણિત અને ધો.12 સાયન્સમાં તત્વજ્ઞાનનું પેપર રહેશે. શિક્ષણ બોર્ડની પરીક્ષામાં પ્રથમ દિવસે તમામ સરળ પેપર પૂછાતા વિદ્યાર્થીઓ માટે ફુલગુલાબી દિવસ રહ્યો હતો.
ધો.10માં ભાષાના પેપરમાં ગુજરાતીમાં ગ્રામરનો વિભાગ વિદ્યાર્થીઓને થોડોક અઘરો લાગ્યો હતો. જોકે, આ સિવાય ગુજરાતીનું પેપર સરળ રહ્યું હતું. જ્યારે અંગ્રેજીનું પેપર પણ સરળ રહ્યું હતું. ધો.12 સામાન્ય પ્રવાહમાં નામાના મૂળતત્ત્વોનું પેપર એકદમ સરળ રહેતા 90 કરતા વધુ ગુણ લાવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો નોંધાશે. સાયન્સમાં પણ ફિઝિક્સના પેપરમાં પુસ્તક આધારિત પ્રશ્નો પૂછાયા હોવાથી વિદ્યાર્થીઓને રાહત અનુભવી હતી.
બોર્ડની પરિક્ષામાં જોડણી તેમજ અન્ય ભૂલોની અનેકવાર ફરિયાદો આવતી હોય છે ત્યારે આજે લેવાયેલી ધોરણ-10માં ગુજરાતીના પ્રશ્નપત્રમાં જોડણીની ભૂલો થઈ હોવાનું સામે આવી છે. ઈન્દ્રજાળ, લાઈટ, છત્રી, ખોવાય સહિતના કેટલાક શબ્દોમાં જોડણીની ભુલો જોવા મળી હતી. પ્રશ્નપત્રના પેજ નંબર-1, 2, 3, 4 અને 8માં આ પ્રકારની જોડણીની ભુલો જોવા મળી હતી. જોકે, તેને બાદ કરતા પેપર એકદમ સરળ રહ્યું હતું. સંભવત 7 જેટલા પ્રશ્નોમાં જોડણીની ભુલો થઈ હોવાનું સામે આવ્યું છે. જોડણીની સામાન્ય ભૂલ હોવાથી મોટાભાગના વિદ્યાર્થીઓનું ધ્યાન ગયું નહોતું.