૩૬૦ ડિગ્રી સુધી વિસ્તાર કવરેજ કરવા ઈલેકટ્રોનિકલી સ્કેન રડાર તૈનાત: રૂ.૧૦,૫૦૦ કરોડનો પ્રોજેકટ
આકાશમાંથી ભૂમિ અને જળમાં થતી ગતિવિધિ ઉપર ચાંપતી નજર રાખવા માટે ભારતીય સંરક્ષણમાં નજીકના ભવિષ્યમાં ૬ એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સીસ્ટમ (એડબલ્યુએસીએસ) સામેલ કરવામાં આવનાર છે. આ સીસ્ટમને આકાશી આંખ તરીકે પણ ઓળખવામાં આવે છે જે દુશ્મનોના વિસ્તાર ઉપર ચાંપતી નજર રાખી શકે છે. આ પ્રોજેકટ પાછળ રૂા.૧૦,૫૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે. તાજેતરમાં જ સંરક્ષણમાં આ ક્ષમતાને લઈને જાહેરાત કરવામાં આવી હતી. એક્ટિવ ઈલેકટ્રોનિકલી સ્કેન એરે એટલે કે, એઈએસએ સામાન્ય રીતે ૩૬૦ ડિગ્રીની કક્ષાએ વિસ્તારને કવર કરી શકે છે. આ માટે ટૂંક સમયમાં જ ડિફેન્સની મંજૂરી પણ મળી જશે. આ સીસ્ટમ સંરક્ષણમાં સામેલ થઈ જતાં જળ અને ભૂમિ ઉપર દુશ્મનોની ગતિવિધિની નજર રાખવા માટે સેનાને બળ મળશે.
નોંધનીય છે કે, આ પ્રોજેકટ ડીઆરડીઓ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં ભારતીય વાયુદળ અને ડીઆરડીઓ દ્વારા સંયુક્ત રીતે અભ્યાન ચલાવવામાં આવ્યું હતું. છેલ્લા પાંચ વર્ષમાં આ સીસ્ટમ વિકસાવવા માટે અનેક પ્રયોગો પણ થયા છે. એડબલ્યુએસીએસ ધરાવતી છ સીસ્ટમનો વાયુદળમાં પ્રવેશ થશે. અત્યાર સુધી યુરોપમાંથી મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા એ-૩૩૦ બનાવવામાં આવે છે. ભારતીય વાયુદળે તાજેતરમાં જ ફાલ્કન એડબલ્યુએસીએસનો સમાવેશ કર્યો હતો. જેની ત્રિજીયા ૪૦૦ કિ.મી.ની રેન્જની હતી. ૩૬૦ ડિગ્રી રડારનું કવરેજ પણ આ સીસ્ટમ કરી શકે છે. ભારતીય વાયુદળમાં નેત્ર નામનું એઈડબલ્યુ એન્ડ સી એરક્રાફટ છે જે ૨૪૦ ડિગ્રી રડારનું કવરેજ કરે છે.