સોયાબીનનું મબલખ ઉત્પાદન આયાતી તેલનું ભારણ ઘટાડી દેશે
સોયાબીન માટેનો વાવણી વિસ્તાર ૮ ટકા વધ્યો: જૂન મહિનાથી વરસાદના કારણે મબલખ પાક આવશે
ચાલુ વર્ષે સોયાબીનનું મબલખ ઉત્પાદન થવા જઈ રહ્યું છે. દેશમાં સોયાબીનના તેલનો ઉપયોગ સમયાંતરે વધ્યો છે ત્યારે ચાલુ વર્ષે વધુ ઉત્પાદનના કારણે આયાતી ખાદ્યતેલ ઉપરનું ભારણ ઘટશે તેવી અપેક્ષા છે. દર વર્ષે કરોડો રૂપિયાનું ખાદ્યતેલ વિદેશમાંથી આયાત થાય છે. જેનાથી દેશની તિજોરી ઉપર ભારણ આવે છે. આવા સંજોગોમાં સોયાબીન સહિતના તેલીબીયાનું ઉત્પાદન વધે તેવી કવાયત સરકાર દ્વારા થઈ રહી છે. દરમિયાન સોયાબીન પ્રોસેસર, એસોશીએશનના આંકડા મુજબ વર્ષ ૨૦૨૦-૨૧માં સોયાબીનના વાવેતરનો વિસ્તાર ૮ ટકા વધ્યો છે. જેના પરિણામે ઉત્પાદનમાં ૩૧.૫ ટકાનો ઉછાળો જોવા મળશે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ઉત્પાદન ૧.૨૨ કરોડ ટન થશે તેવી ધારણા છે.
મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, સહિતના રાજ્યોમાં તાજેતરમાં સોયાબીન પ્રોસેસર એસો.ની બે ટૂંકડીઓ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. ૧૫ થી ૨૦ ઓગષ્ટ વચ્ચે થયેલા આ સર્વેમાં ટૂકડીઓ ૬ હજાર કિ.મી.થી વધુનો વિસ્તાર આવરી લીધો હતો અને ખેડૂતો પાસેથી સુચનો લીધા હતા. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તેલીબીયાનું ઉત્પાદન વધુ પ્રમાણમાં થાય છે. ચાલુ વર્ષે પણ બન્ને રાજ્યોમાં વાવેતરનો વિસ્તાર ઘણો વધ્યો છે. આવી જ રીતે રાસ્થાનમાં પણ ઉત્પાદન વધશે તેવી અપેક્ષા છે.
વર્ષ ૨૦૨૦-૨૧માં એકલા મધ્ય પ્રદેશમાં જ સોયાબીનના વાવેતરનો વિસ્તાર ૧૨ ટકા જેટલો વધ્યો છે અને આગામી વર્ષે ૫૮ લાખ ટન સોયાબીનનું ઉત્પાદન થાય તેવી ધારણા છે. ગત વર્ષે ૨૦૧૯-૨૦માં ૪૦ લાખ ટન સોયાબીનનું ઉત્પાદન થયું હતું. ચાલુ વર્ષે દેશમાં ચોમાસાનો પ્રારંભ જૂન મહિનાથી થઈ ચૂક્યો છે અને સોયાબીન મુખ્યત્વે જુલાઈથી વાવવામાં આવે છે. જેના કારણે ચાલુ વર્ષે ઉત્પાદનમાં તોતીંગ વધારો થશે તેવી આશા છે. મહારાષ્ટ્રમાં ગત વર્ષ ૩૯ લાખ ટન સોયાબીનનું ઉત્પાદન થયું હતું. ચાલુ વર્ષે ૪૫ લાખ ટન એટલે કે, ૧૪ ટકા વધુ સોયાબીનનું ઉત્પાદન થશે. હજુ સેટેલાઈટના આધારે ઉત્પાદનની વધુ બાબતો બહાર આવશે.
સોયાબીન ઉપરાંત સારા વરસાદના કારણે તેલીબીયા, ચોખા અને કઠોળનું પણ ઉત્પાદન ગત વર્ષની સરખામણીએ વધુ થશે. કૃષિ માટે ચાલુ વર્ષે મેઘરાજાની મહેર ગત વર્ષની સરખામણીની જેમ સારી છે. જુલાઈના અંત ભાગમાં પણ સારો વરસાદ વરસ્યો છે. જૂન મહિનામાં ગત વર્ષની સરખામણીથી ૭ ટકા વધુ વરસાદ થયો હતો. થોડા સમય માટે શાંત રહ્યાં બાદ મેઘરાજા ફરીથી દેશભરમાં મન મુકી વરસી રહ્યાં છે. આવી સ્થિતિમાં મધ્ય ભારતમાં સામાન્ય વધુ વરસાદ થશે. તેવી અપેક્ષા છે ત્યારે ઉત્પાદન પણ સારૂ થશે.