સોયાબીન તેલમાં આયોડીન વેલ્યૂ ઓછી અને એસીડ વેલ્યૂ વધુ, મેંગો ડ્રીંક્સમાં આર્ટીફીશીયલ સ્વીટનરનું પ્રમાણ મળી આવ્યુ અને ભેંસના ઘીમાં ફોરેન ફેટની હાજરી: ઉત્પાદકો અને વેપારીઓને દંડ
કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી લેવામાં આવેલા પાંચ નમૂના પરિક્ષણમાં નાપાસ જાહેર કરવામાં આવ્યા છે. ઉત્પાદકો અને વેપારીઓને રૂ.1.95 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
શહેરના મનહર પ્લોટ શેરી નં.7માં શાક માર્કેટ પાસે ગુરુનાનક અનાજ ભંડારમાંથી તીન એક્કા બ્રાન્ડ સોયાબીન ઓઇલનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં આયોડીન વેલ્યૂ ઓછી અને એસીડ વેલ્યુ વધારે હોવાના કારણે નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો છે.
અધિક નિવાસી કલેક્ટર દ્વારા નમૂનો આપનાર વેપારી મોહનદાસ ચેતનદાસ આઇનાણીને રૂ.50 હજાર અને ઉત્પાદક પેઢી એવી ગોંડલની મમતા પ્રોટીન્સના માલિકને રૂ.50 હજારના દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત રૈયા ચોકડી પાસે રાધિકા પાર્ક-1 માં પટેલ ગોટલીંગમાંથી ઓન્લી સ્માઇલ મેંગો સ્વીટ્સ ટ્રીટેડ બેવરજીસના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં આર્ટીફીશીયલ સ્વીટનરનું પ્રમાણ વધુ હતું.
જ્યારે લેબલ પર ફૂડ એડીવીટીસની વિગતો દર્શાવવામાં આવેલી ન હોવાના કારણે પેઢીના માલિક મનોજભાઇ ત્રિવેદીને રૂ.25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. મવડી મેઇન રોડ પર અક્ષર પ્રોવિઝન સ્ટોર્સ પાસે ધ્રુવ મીઠાસ ઘી નામની પેઢીમાંથી ભેંસનું માખણનું ઘીનો નમૂનો લેવામાં આવ્યો હતો. પરિક્ષણ દરમિયાન તેમાં વેજીટેબલ ફેટની હાજરી જણાતા નમૂનો સબ સ્ટાર્ન્ડડ જાહેર કરી વેપારી પ્રદિપભાઇ પટેલને રૂ.50 હજારનો દંડ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત મનહર પ્લોટ-6માં મે.પોપટ મહેન્દ્રભાઇ જમનાદાસને ત્યાંથી ભેંસના શુદ્વ ઘીનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં પરીક્ષણ દરમિયાન તીલ ઓઇલ અને ફોરેન ફેટની હાજરી મળી આવતા નમૂનો સબ સ્ટાર્ન્ડડ જાહેર કરી વેપારીને રૂ.10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. કેવડાવાડી મેઇન રોડ પર બોમ્બે આર્યનની બાજુમાં આવેલા વોલગા ઘી ડેપોમાંથી ભેંસના ઘીનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં પરિક્ષણ દરમિયાન તીલ ઓઇલની અને ફોરેન ફેટની હાજરી મળી આવતા નમૂનો સબ સ્ટાર્ન્ડડ જાહેર કરવામાં આવ્યો હતો. અને વેપારી કેવલ જયપ્રકાશભાઇ ચંદ્રાણીને રૂ.10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
ગઇકાલે જ્યોતિનગર મેઇન રોડ પર આવેલી ખાણીપીણીની 18 સ્થળે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. અને છ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરી, ચાર વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. રાઇનીંગ એન્ટરપ્રાઇઝ (ફૂડ અડ્ડા)માંથી ત્રણ કિલો દાઝ્યુ તેલ અને જીજેફાઇવ સેન્ડવિચ એન્ડ પીઝામાંથી 3 કિલો દાઝ્યા તેલનો નાશ કરવામાં આવ્યો હતો. રૈયા ચોકડી પાસે જલારામ રેસ્ટોરન્ટમાંથી વણાટા-બટાટાની સબ્જી, પેડક રોડ પર સાગર સરબતવાલા એન્ડ આઇસ્ક્રીમમાંથી રાજસ્થાની આઇસ્ક્રીમ તથા શ્રીશક્તિ કોઠી આઇસ્ક્રીમમાંથી માવા બદામ આઇસ્ક્રીમનો નમૂનો લેવામાં આવ્યો હતો.