ચાલુ વર્ષે કોરોનાની મહામારી અને બીજીબાજુ તાજેતરમાં આવેલા વાવાઝોડાએ જાણે દબંગવેળા કર્યા હોય તેમ વરસાદની સીસ્ટમ જ ખોરવી નાખી. સામાન્ય રીતે દર વર્ષે કેરળમાં જ્યારે ચોમાસાનું આગમન થાય ત્યારબાદ 15 થી 20 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસુ દસ્તક દેતુ હોય છે. પરંતુ આ વર્ષે વાવાઝોડાએ જાણે ચોમાસાને મુંઝવણમાં મુકી દીધુ હોય તેમ અત્યારે પ્રિ-મોન્સુન કે મોનસુન ક્યો વરસાદ તે નક્કી કરવું પણ મુશ્કેલ બન્યું છે.
ગુજરાતમાં દર વર્ષે 15 જૂન બાદ ચોમાસુ બેસતુ હોય છે પરંતુ આ વખતે જૂનના પ્રારંભે જ ઘણા વિસ્તારોમાં 4 થી 5 ઈંચ વરસાદ ખાબકતા ચોમાસુ વહેલુ જ બેસી ગયું હોય તેવું લાગી રહ્યું છે. અનેક વિસ્તારોમાં વાવણીલાયક વિસ્તાર ખેડૂતોને મુંઝવી દીધા છે કે, અત્યારથી વાવણી કરવી કે નહીં.
પ્રિ-મોનસુન કે મોનસુન?
એક સાથે બે સીસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં આગામી 4 દિવસ ભારે ગાજવીજ સાથે વરસાદની આગાહી
કેરળ સાથે ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થઈ ગયું હોય તેવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આવા સંજોગોમાં હવામાન ખાતા દ્વારા રાજ્યમાં જુદા જુદા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હાલમાં દક્ષિણ-પશ્ર્ચિમ મધ્યપ્રદેશ પર સાયકલોનિક સર્ક્યુલેશન છવાયેલું છે પરંતુ બીજીબાજુ દક્ષિણ ગુજરાતના કાંઠે ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર સીસ્ટમ સર્જાયેલી છે. બન્ને સીસ્ટમના કારણે રાજ્યના કેટલાંક વિસ્તારમાં સવારે અને સાંજે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ગરમીએ લગભગ વિદાય લીધી હોય તેમ આજે રાજકોટ શહેરનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. હવામાન ખાતા દ્વારા આગામની 5 દિવસ સુધી તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય તેવી આગાહી કરવામાં આવી છે. જો કે બીજીબાજુ ભેજનું પ્રમાણ વધ્યું છે જેને લઈ લોકોને ભારે ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 30 થી વધુ તાલુકાઓમાં અડધાથી લઈ સાડા ત્રણ ઈંચ સુધી વરસાદ ખાબક્યો છે.
સાવરકુંડલામાં 1॥, વાંકાનેર-ધારીમાં 1, રાજકોટના લોધીકા-પડધરી અને સુરેન્દ્રનગરના ચોટીલા-લખતરમાં ॥ વરસાદ: વઢવાણ-જસદણ-મેંદરડા-વંથલી સહિતના વિસ્તારોમાં 2 મીમી થી લઈ 6 મીમી સુધી વરસાદ
24 કલોકમાં સાવરકુંડલામાં 1॥ ઈંચ, વાકાનેર, ધારીમાં 1 ઈંચ તેમજ ધોરાજીમાં ॥ ઈંચ વરસાદ પડ્યો હતો. રાજકોટ, અમરેલીના લાઠી, લીલીયા, જૂનાગઢના મેંદરડા, વંથલી, જામકંડોરણા, ચાંચાપર, જસદણમાં જોરદાર ઝાપટા પડ્યા હતા તેમજ રાજકોટના લોધીકામાં ॥ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. રાજકોટમાં બપોરબાદ વરસાદનું આગમન થયું હતું ત્યારે સાંજે રાજકોટમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો અને રાજકોટના જુદા જુદા વિસ્તારમાં લગભગ ॥ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. શહેરના કોઠારીયા રોડ, કાલાવડ રોડ સહિતના વિસ્તારમાં ॥ ઈંચ વરસાદથી પાણી ભરાયા હતા. આ ઉપરાંત રાજકોટ, ગોંડલ હાઈવે તેમજ મોરબી રોડ પર ભારે વરસાદ પડ્યો હતો. વરસાદના જોરદાર ઝાપટાના કારણે શહેરમાં ઠંડક પ્રસરી હતી. રાજકોટ શહેર તેમજ ગ્રામ્યમાં પણ સાંજના સમયે જોરદાર ઝાપટા પડ્યા હતા. જસદણ તાલુકાના વાખલવડ, કમળાપુર, ભાડલા, ભંડારીયા, રાજાવડલા, પોલાપર સહિતના ગામડામાં જોરદાર વરસાદ વરસ્યો હતો.
હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી ભારે ગાજવીજ સાથે અને 30 થી 40 કિ.મી.ની પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દીવ, દમણ, દાદરાનગર હવેલી, મહિસાગર, દાહોદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદ, સુરત, જૂનાગઢ, પોરબંદર, સોમનાથ, મહિસાગર સહિતના શહેરોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જે રીતે દર વર્ષની સાપેક્ષે 15 જૂન પહેલા જ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે તે જોતા લાગી રહ્યું છે કે, ચોમાસાએ ગુજરાતમાં દસ્તક દઈ દીધી છે અને આ વર્ષે ચોમાસુ પણ રાજ્યમાં વહેલુ બેસી ગયું છે.