બે દિવસીય કવાયતમાં ૭૫૧૬ કિલોમીટરના વિશાળ દરિયાકિનારો અને અનેક ટાપુઓની સુરક્ષા કેન્દ્ર સ્થાને
નેવી તથા કોસ્ટગાર્ડના યુદ્ધ જહાજો, શિપ, પેટ્રોલિંગ જહાજ, એરક્રાફ્ટ
દેશના ૭૫૧૬ કિલોમીટરના દરિયાકાંઠા તથા ભારતીય દરિયાઈ સરહદે આવેલા અનેક ટાપુઓના રક્ષણ માટે ભારતીય નૌસેનાએ મહા કવાયત હાથ ધરી છે. આ કવાયતને સી વિગિલ એટલે કે, સમુદ્રી થાણું નામ આપવામાં આવ્યું છે. નૌસેનાની આ કવાયતમાં ૨૦ લાખ સ્ક્વેર કિમીના મહત્વના ઇકોનોમિક ઝોનને પણ આવરી લેવામાં આવશે.
જાન્યુઆરીના અંત ભાગમાં અને ફેબ્રુઆરી ના પ્રારંભે દેશના પશ્ચિમી અને પૂર્વ યુનિટની હાઇવોલ્ટેજ નવ સેના કવાયત ટ્રોપેક્સ યોજાવાની છે. જેમાં વર્તમાન સમયે મહાસાગરમાં ચાલી રહેલી કવાયત પણ મહત્વનો ભાગ ભજવશે. સી વિગિલ અને ટ્રોપેક્સ સયુંકત રીતે સમુદ્રી કવાયતથી દેશના આખા સમુદ્ર કિનારાને આવરી લેવામાં આવશે અત્યારે સમુદ્ર કિનારેથી થતી ઘુસણખોરી તેમજ માછીમારોના અપહરણ સહિતના મુદ્દાઓને ધ્યાને લેવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, દેશમાં વિશાળ દરિયાકિનારો છે. આ દરિયા કિનારાના રક્ષણ માટે નૌસેનાને વધુને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે. સમયાંતરે નૌસેનાના યુદ્ધઅભ્યાસ દરિયામાં યોજાય છે તેવી જ રીતે આજથી મહાસાગરમાં નૌસેનાની મહા કવાયત શરૂ થઇ ચૂકી છે. વર્ષ ૨૦૧૯ માં પણ આ પ્રકારની નવ સેના કવાયત થઈ હતી.
આજથી બે દિવસ માટે શરૂ થયેલી નૌસેના કવાયતમાં નેવીના યુદ્ધ જહાજો, શિપ, પેટ્રોલિંગ જહાજ, એરક્રાફ્ટ જોડાયા છે. આ નૌસેના કવાયતમાં કોસ્ટગાર્ડ, કસ્ટમ અને અન્ય દરિયાઇ સુરક્ષા એજન્સીઓએ પણ સહકાર આપ્યો છે. સંરક્ષણ મંત્રાલય, વહાણવટા મંત્રાલય, પેટ્રોલિયમ અને માછીમારી મંત્રાલય સહિતના વિભાગો પણ નૌસેના કવાયતમાં જોડાયા છે.
આજની નૌસેના કવાયતમાં જહાજોનો ઘમાસાણ યુદ્ધ અભ્યાસ થયો હતો. ૨૬ ૧૧ના મુંબઈ હુમલા જુઓ હુમલો ફરીથી ન થાય તે માટે દરિયામાં ચાંપતી નજર રહે તથા દેશના મહત્વના ઇકોનોમિક ઝોન ને સુરક્ષિત કરી શકાય તે માટેની આ સમુદ્રી કવાયત મહત્વની બની ગઈ છે.