વાયુનાં કારણે ચોમાસું મોડું પડવાની ધારણાનો છેદ ઉડયો, વરસાદી સિસ્ટમને કોઈ ડિસ્ટબન્સ નહીં: ચોમાસું કેરલથી મહારાષ્ટ્ર સુધી પહોંચ્યું
ગુજરાતમાં આગામી રવિવારથી નૈઋત્ય ચોમાસાનો વિધિવત પ્રારંભ થવા જઈ રહ્યો હોવાનું હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે જોકે અગાઉ વાયુ વાવાઝોડાનાં કારણે ચોમાસું મોડુ પડવાની ધારણા સેવાઈ રહી હતી. આ ધારણાનો છેદ હવામાન વિભાગની આગાહીએ ઉડાડી દીધો છે. વાયુનાં કારણે વરસાદી સિસ્ટમ કોઈ મેજર ડિસ્ટબન્સ થયું ન હોવાનું જાણવા મળ્યું છે. હાલ ચોમાસું કેરલથી મહારાષ્ટ્ર સુધી પહોંચ્યું હોવાનું હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
ગત વર્ષે ઓછા વરસાદથી પીડાઈ રહેલા ગુજરાત રાજય માટે આ વર્ષે ચોમાસું સારું જાય તેવું ઈચ્છી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે ગુજરાત માટે આનંદનાં સમાચાર જાહેર કર્યા છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી રવિવારથી નૈઋત્ય ચોમાસાની વિધિવત એન્ટ્રી થવાની છે. ગત દિવસોમાં આવેલા સિવિયર સાયકલોન વાયુ વાવાઝોડાથી ચોમાસું મોડુ પડશે તેવી ધારણા સેવાઈ રહી હતી પરંતુ હવામાન વિભાગની નૈઋત્ય ચોમાસાની આગમનની આગાહીથી તે ધારણાનાં છેદ ઉડયા છે. આગાહી પ્રમાણે ચોમાસાનાં વિધિવત પ્રારંભમાં મોડુ થવાનું નથી. રાજયમાં ૨૩મીથી વિધિવત નૈઋત્ય ચોમાસું બેસી જવાનું છે. બાદમાં અંદાજીત બે દિવસમાં સૌરાષ્ટ્ર તરફ ચોમાસું આવવાનું હોવાનું જાણવા મળ્યું છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાએ ૧૦ દિવસ સુધી તંત્રને ઉંચા જીવે રાખ્યા હતા જોકે આ વાવાઝોડુ નબળું પડીને અંતે કચ્છમાં પ્રવેશ્યું હતું. આ વાવાઝોડાનાં કારણે ચોમાસું મોડુ બેશે તેવી ધારણા વ્યકત કરવામાં આવી રહી હતી જોકે આ ધારણા સદંતર ખોટી સાબિત થઈ છે. રવિવારથી ગુજરાતમાં નૈઋત્ય ચોમાસું પ્રવેશવાનું છે જે અંદાજીત બે દિવસમાં સૌરાષ્ટ્રમાં પણ અસર દેખાડવાનું શરૂ કરવાનું છે. આમ આવતા સપ્તાહથી ગુજરાતમાં વરસાદ શરૂ થઈ જવાનો છે. ઉપરાંત હાલ કેરલમાંથી ચોમાસું મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. મહારાષ્ટ્રની સાથોસાથ બંગાળની ખાડીનાં વાદળોથી કોલકતામાં પણ ચોમાસું બેસી ગયું છે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.