અફઘાનીસ્તાનમાંથી અમેરિકા અને નાટોના સૈનિકોની ઘર વાપસી બાદ તાલીબાનોના ઉપદ્રવને લઇને એક પછી એક દેશ અફઘાનીસ્તાન છોડી રહ્યાં છે. અફઘાનીસ્તાનમાં તાલીબાનો દ્વારા કહેર વર્તાવાનુ શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે કોરિયાએ પોતાના તમામ નાગરિકોને આ મહિનો પૂરો થાય તે પહેલા જ અફઘાનીસ્તાન છોડી દેવાના આદેશો આપી દીધા છે. કોરિયા સરકારના વિદેશ મંત્રાલય દ્વારા પોતાના નાગરિકોને અફઘાનીસ્તાન ન જવા સૂચના જારી કરી છે. કોરિયનો માટે અફઘાનીસ્તાનની યાત્રા પ્રતિબંધિત કરી છે અને તેનો ઉલ્લંઘન કરનારને એક વર્ષ સજા અને 8837 ડોલર એટલે કે કોરિયાના દસ લાખ જીનનો દંડ કરવાની જાહેરાત કરી છે.
અમેરિકાની ઘર વાપસી પછી રેઢાંપડ જેવા અફઘાનમાં તાલીબાનોનો હાહાકાર વધતો જાય છે
કોરિયન સરકારે જણાવ્યું હતું કે અમારા આદેશો છતાં હજુ કેટલાંક લોકો અફઘાનીસ્તાનમાં રોકાઇ રહ્યાં છે તેમને વહેલાસર બોલાવવાના પ્રયાસો શરૂ કર્યા છે.અમેરિકા અને સાથી મિત્રોના સૈનિકોની વાપસી બાદ ઉભી થયેલીં ઘર્ષણની પરિસ્થિતીમાં પોતાના દેશના નાગરિકોને વધુ જોખમો ઉભું તે પહેલા અફઘાનીસ્તાન છોડી દેવાં હુકમ કર્યો છે. કોરિયન સરકારે પોતાના નાગરિકોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે તેમ છતાં નાગરિકો અફઘાનીસ્તાનમાં રોકાઇ જશે તો તેમની વિરુધ્ધ ફોજદારી કાર્યવાહી કરાશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બાઇડને સૈનિકો પાછા ખેંચી લેવાની જાહેરાત કરતાની સાથે અફઘાનીસ્તાનની પરિસ્થિતિ વધુ કથળી ગઇ છે.
અમેરિકાના વર્લ્ડ ટ્રેન્ડ સેન્ટર પર થયેલાં આત્મઘાતી હુમલા બાદ જગત જમાદારે વૈશ્ર્વિક આતંકવાદ સામે યુધ્ધની જાહેરાત કરી દીધી હતી અને અફઘાનીસ્તાનમાં તાલીબાનો અને લાદેનની નેટવર્કને ખતમ કરવા અમેરિકાએ અફઘાનમાં પડાવ નાખ્યો હતો અને પોતાના સૈનિકો અને જાનમાલને મોટી ખૂવારી સહન કરી હતી. અને તેનો અમેરિકામાં જ વિરોધ્ધ ઉભો થયો હતો. અમેરિકાનો સ્વાર્થ પૂરો થતાં હવે અફઘાનીસ્તાનને ફરીથી તાલીબાનોના હવાલે છોડી દેવાની પરિસ્થિતી ઉભી કરી છે. તાલીબાનો એક પછી એક જિલ્લા પર કબ્જો વધારતાં જાય છે ત્યારે કોરિયા સહિતના દેશો પોતાના નાગરિકોની સલામતી અંગે ચિંતિત બને તે સ્વભાવિક છે. અફઘાનીસ્તાન માટે આવનાર દિવસો વધુ મુશ્કેલીના આવે તે નિશ્ર્ચિત છે.