આંતરરાજય તસ્કર ગેંગની બેન્ક અને આંગડીયા પેઢીમાંથી રોકડ ઉપાડતી વ્યક્તિનો પીછો કરી નજર ચુકવી તફડંચી કર્યાની કબુલાત
ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, જામનગર અને જયપુર સહિત અનેક શહેરમાં ચોરી કરી
રોજી રોટીના બહાના હેઠળ આવતા પરપ્રાંતીય શખ્સોની ચોરી, લૂંટ અને હથિયારના ગુનામાં સંડોવણી
સૌરાષ્ટ્રમાં ચોરીના ગુનામાં સાઉથની ગેંગ સક્રીય તેમ શાપરમાં આંગડીયા પેઢીમાંથી કારખાનેદારના રૂા.૫ લાખ રોકડની ચોરીનામાં ગુનામાં સાઉથ ભારતના શખ્સો ઝડપાયા છે. રોજી રોટી રળવા આવતા પરપ્રાંતિય શખ્સો ચોરી અને લૂંટ ઉપરાંત પોતાની સાથે હથિયાર લાવી વેચાણ કરતા હોવાનું અવાર નવાર પ્રકાશમાં આવી રહ્યું છે. ત્યારે પરપ્રાંતિય શખ્સો દ્વારા ગુનાખોરી આચરતા કંઇ રીતે અટકે તે અંગે પોલીસ દ્વારા કારખાનેદારો દ્વારા મજુરોને કામ-ધંધે રાખતા પહેલાં તેના જરૂરી આધાર પુરાવા મેળવવા ફરજીયાત બનાવવા જરૂરી બન્યું છે.
બેન્કમાંથી રોકડ ઉપાડીને જતી વ્યક્તિનો પીછો કરી નજર ચુકવી રોકડ સાથેનો થેલો તફડાવતી આંતર રાજય નાયડુ તસ્કર ગેંગને રૂરલ એલસીબીએ શાપરથી ધરપકડ કરતા દોઢેક માસ પહેલાં શાપર ખાતે રૂા.૫ લાખની ચોરી કર્યાની કબુલાત આપી છે.
શાપર ખાતે આંગડીયા પેઢીમાંથી રૂા.૫ લાખ ઉપાડીને જતા કારખાનેદારના બાઇકનો પીછો કરી તેઓએ બાઇક રેઢુ મુકયુ ત્યારે તેમની નજર ચુકવી રૂા.૫ લાખની રોકડ સાથેનો થેલો સેરવી પલાયન થઇ ગયાની શાપર પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.
રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાના માર્ગ દર્શન હેઠળ એલસીબી પી.આઇ. એ.આર.ગોહિલ, હેડ કોન્સ્ટેબલ મહેશભાઇ જાની અને બાલકૃષ્ણ ત્રિવેદી સહિતના સ્ટાફે સીસીટીવી ફુટેજ મેળવી સઘન તપાસ શરૂ કરી હતી. શાપર ખાતે ચોરી થયા બાદ ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, જામનગર અને જયપુર ખાતે ચોરી થયાના પોલીસમાં ગુના નોંધાતા એલસીબી સ્ટાફે તમામ ચોરીની ઘટના અંગે ઉંડી તપાસ કરતા તમામ બનાવના સીસીટીવી ફુટેજ અને બાઇક નંબર મળી આવતા મદ્રાશ અને બેંગ્લોર વચ્ચે આવેલા ભદ્રાવતી ખાતેની આંતર રાજય નાયડુ તસ્કર ગેંગની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. નાયડુ ગેંગના એક ટાબરીયા સહિત ચાર શખ્સો શાપર આવ્યાની બાતમીના આધારે ચારેયને એલસીબી સ્ટાફે ઝડપી લેતા અનેક ચોરીના ગુનાની કબુલાત આપી છે.