ભારતના પૂર્વ સુકાની કપિલ દેવને રાજ્યસભા માં મોકલવામાં આવે તેવી સંભાવના
બીજેપીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની પૂર્વ ક્રિકેટર કપિલ દેવ સાથેની મુલાકાત બાદ તેમના રાજ્યસભામાં જવાની અટકળોએ જોર પકડ્યુ છે. 2014માં બીજેપી અને શિરોમણી અકાલી દળે લોકસભા ચૂંટણી લડવા માટે તેમનો સંપર્ક કર્યો હતો, પરંતુ ત્યારે તેમણે રાજનીતિથી દૂર રહેવાની વાત કરી હતી.
જો કે હવે બીજેપી નેતાઓનું કહેવું છે કે રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભા માટે નામાંકિત થવાના ગેરરાજનીતિક પ્રસ્તાવને કપિલ દેવ નહી ઠુકરાવે તેવી આશા છે. રાજ્યસભા માટે તેવા લોકોને નામાંકિત કરવામાં આવે છે જેમણે તેમના ક્ષેત્રમાં ઉલ્લેખનીય યોગદાન આપ્યું હોય. નામાંકિત કોટામાં કુલ 12 સીટો હોય છે જેમાંથી 7 સીટો ખાલી છે.
તો બીજી તરફ ભારતીય ટીમનાં પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલી બીજેપીમાં જોડાશે તેવી અફવાઓએ પણ જોર પકડ્યું છે. કહેવામાં આવે છે કે પશ્ચિમ બંગાળમાં સ્થિતિ મજબૂત કરવા માટે બીજેપીએ બંગાળ ક્રિકેટ સંઘનાં અધ્યક્ષ સૌરવ ગાંગુલીને પાર્ટીમાં સામેલ કરવાની તૈયારી કરી છે. આવી અટકળોએ ત્યારે જોર પકડ્યુ જ્યારે ફેસબુક પર બીજેપી સમર્થિત એક પેજ ‘પશ્ચિમ બંગે બીજેપી ચાઇ’ મતલબ પશ્ચિમ બંગાળમાં અમે બીજેપી ઇચ્છીએ છીએ પર દાવો કરવામાં આવ્યો કે સૌરવ ગાંગુલી બીજેપીમાં સામેલ થવા જઇ રહ્યા છે.
જો કે કોઇપણ બીજેપી નેતા કે સૌરવ ગાંગુલીએ આ અટકળોને સાચી કે ખોટી કહી નથી. સૂત્રોનાં જણાવ્યા અનુસાર 2014માં બીજેપીએ સૌરવ ગાંગુલીને ચૂંટણી લડાવવાની તૈયારી કરી હતી પરંતુ ગાંગુલીએ ના કહી હતી. ગાંગુલીએ પણ આ વિશે ખુલાસો કર્યો હતો.