શાળાના સ્વપ્ન શિલ્પી સ્વ.વિજયભાઇ ધોળકીયાની પુણ્યતિથિએ
શિક્ષણ, સાહિત્ય, તબીબી, રમગ ગમત અને ઉદ્યોગક્ષેત્રે વિશિષ્ઠ પ્રદાન કરનારાનું કરાશે જાહેર સન્માન
સાહિત્ય અકાદમીના અધ્યક્ષ સીતાંષુ યશચંદ્ર મહેતા ખાસ ઉપસ્થિત રહેશે
રાજકોટ ખાતે નવા કલેવર ધરીને શિક્ષણક્ષેત્રે નવપ્રદાન કરવા કમરકસી રહેલ ૧૨૦ વર્ષ જુની સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ તેના પાયાના પથ્થર અને સ્વપ્નશિલ્પી નખશિખ શિક્ષક વિજયભાઇ ધોળકિયાની સ્મૃતિને અંજલિ આપવા તા.૧૫ માર્ચના રોજ સમારોહનું આયોજન કરી રહેલ છે.
આ શાળા ટ્રસ્ટી અને આચાર્ય એવા સ્વ. વિજયભાઇ ધોળકિયાની વિદાયને ૩૦ વર્ષ પૂરા થઇ રહ્યા છે. તેને અંજલી આપવાના ભાગરૂપે સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ ટ્રસ્ટ સમાજના વિવિધક્ષેત્રમાં મૌન રહીને સેવામા માનતા અગ્રણીઓનો ઋણ સ્વીકારનો કાર્યક્રમ આગામી દિવસોમાં આયોજિત થનાર છે.
શિક્ષણ ક્ષેત્રે ડો.રમેશભાઇ ભાયાણી, સાહિત્ય ક્ષેત્રે પ્રદ્યુમનભાઇ જોષીપુરા, તબીબીક્ષેત્રે હોમીયોપેથીમાં નોધપાત્ર પ્રદાન અદા કરનાર ડો. એન.જે.મેઘાણી, રમત-ગમત ક્ષેત્રે સૌરાષ્ટ્રનું ગૌરવ જયદેવભાઇ શાહ અને ઉદ્યોગ ક્ષેત્રે રાજકોટને સમગ્ર વિશ્ર્વમાં ગૌરવ અપાવનાર શહેરના જાણિતા ઉદ્યોગ ઋષિ પ્રતાપભાઇ પટેલ અને કિરીટભાઇ આદ્રોજાનું અદકેરું સન્માન કરવામાં આવશે.
આ અંગેની માહિતી આપતા સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડો.નિદતભાઇ બારોટ તેમજ ટ્રસ્ટ પ્રમુખ ડો.ભદ્રાયુભાઇ વછરાજાનીએ જણાવ્યું છે કે વિજયભાઇ ધોળકિયા દ્વારા ૧૯૫૫થી ૧૯૮૫ સુધી આચાર્ય તરીકે અને ૧૯૮૫થી ૧૯૯૦ સુધી ટ્રસ્ટના સંવાહક તરીકે સૌરાષ્ટ્રમાં શિક્ષણક્ષેત્રે અમૂલ્ય પ્રદાન થયું. બહુ જ કપરી પરિસ્થિતમાં સૌરાષ્ટ્ર હાઇસ્કૂલને ઉપર ઉઠાવી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે ભાવિ ઘડવાનું એક સ્થાનક તેમણે બનાવ્યું. વિજયભાઇ ધોળકિયા ઉતર શિક્ષક હતા અને તેથી શ્રેષ્ઠ આચાર્ય બની શકયા.
સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ આજે પણ જે કંઇ છે તે વિજયભાઇ ધોળકિયાની મહેનતને પરિણામે છે તેનો સ્વીકાર કરીને તા.૧૫ માર્ચના રોજ વિદ્યાંજલિ સમારોહનું આયોજન કરવામાં આવશે.
વિશેષ માહિતી આપતા સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ ટ્રસ્ટના ટ્રસ્ટી મુકેશ દોશી તેમજ હરદેવસિંહ જાડેજાએ જણાવ્યું છે કે વિદ્યાંજલિ સમારોહમાં માત્ર કોઇ કાર્યક્રમ કરીને સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ ટ્રસ્ટ સંતોષ માનતું નથી. પરંતુ રાજકોટના એવા વિરલ વ્યક્તિત્વો કે જેઓ સમાજના વિવિધ ક્ષેત્રોમાં મુક પ્રદાન કરી રહ્યા છે અને તેમને સન્માન કે એવોર્ડની કોઇ ખેવાના નથી તેવા ૬ મહાનુભાવોનો ઋણ સ્વછકાર આ સમયે કરવામાં આવશે.
રાજકોટ કલા, સાહિત્ય, સંગીત, નાટય અને સાંસ્કૃતિક નગરી તરીકે સમગ્ર ભારતમાં પ્રસિધ્ધ છે ત્યારે રાજકોટના દરેક ક્ષેત્રના વિકાસમાં અસંખ્ય મહાનુભાવોનું મુલ્યવાન યોગદાન રહ્યું છે. આવી વિરલ વિભૂતિઓને સમયાંતરે સન્માનિત કરી ઋણ ઉતારવો પ્રયાસ હંમેશા થતો રહે છે. સૌરાષ્ટ્ર હાઇસ્કૂલે પણ આજીવન શિક્ષક સ્વ. વિજયભાઇ ધોળકિયાની પુણ્યતિથિએ છેલ્લા ચોથા વર્ષે આ પ્રયાસ હાથ ધરી શહેરના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોને સન્માનિત કરવાનો નાનકડો પ્રયાસ કરે છે.
શિક્ષણના ક્ષેત્રમાં પોતાનું જીવન સમર્પિત કરનાર લોકવિજ્ઞાન કેન્દ્ર અને થેલેસેમિક બાળકો માટે સતત પ્રવૃત રહેનાર, નિવૃતિમાં પણ પ્રવૃત એવા ડો. રમેશભાઇ ભાયાણી, તબીબી ક્ષેત્રે ખાસ કરીને આજે એલોપથી સારવાર અતિ ખર્ચાળ સાબિત થઇ છે ત્યારે મુળમાંથી રોગને નાશ કરવાનું ભગીરથ કાર્ય કરનાર અને હોમીપોપથીમાં રાજકોટનું નામ રોજ કરનાર ડો. એન. જે. મેઘાણી સાહિત્ય ક્ષેત્રે પોતાની હાસ્ય કોલમથી વિશાલ શુભેચ્છક વર્ગ ઉભો કરનાર રાજકોટના ગૌરવ સમા પ્રદ્યુમનભાઇ જોષીપુરા, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશીએશનના યુવા પ્રમુખ અને સૌરાષ્ટ્રની ટીમના કેપ્ટન હજારો ક્રિકેટ પ્રેમીઓના રોલ મોડલ સમા જયદેવભાઇ શાહ, ઉદ્યોગ જગતમાં માત્ર રાજકોટ જ નહીં પરંતુ વિશ્ર્વભરમાં ટર્બો બેરિંગ અને એન્જલ પમ્પના માધ્યમથી રાજકોટનું નામ રોશન કરનાર માત્ર વ્યવસાયિક જ નહી પરંતુ સેવા ક્ષેત્રમાં પણ નોંધપાત્ર પ્રદાન અદા કરનાર બંને મહાનુભાવો પ્રતાપભાઇ પટેલ અને કિરીટભાઇ આદ્રોજાનું સન્માન કરી કૃતજ્ઞતા વ્યકત કરાશે તેમ સૌરાષ્ટ્ર હાઇસ્કૂલના વરિષ્ઠ ટ્રસ્ટી ઇન્દુભાઇ વોરા તેમજ જયંતભાઇ દેસાઇ જણાવે છે.
રાજકોટના લબ્ધપ્રતિષ્ઠિત નાગરિકોની ઉપસ્થિતિમાં ઉપરોકત છ મહાનુભાવોને સન્માનિત કરવામાં આવશે. આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ તેમજ ગુજરાત સાહિત્ય એકાદામીના અધ્યક્ષ ડો.સીતાષુ યશચંદ્ર મહેતા વિશેષ ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ એકઝીકયુટીવ કમિટીના સભ્યો મંજુલાબેન મહેતા, મનીષભાઇ માદેકા, સુરેશભાઇ નંદવાણા, વિક્રમભાઇ સંઘાણી, રાજેનભાઇ વડાલીયા સહિતના મહાનુભાવો પણ વિશેષ ઉપસ્થિત રહેશે. ૧૫ માર્ચના રોજ યોજાનાર આ કાર્યક્રમની સંપૂર્ણ વ્યવસ્થા સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ ટ્રસ્ટના મેેનેજિંગ ટ્રસ્ટી ડો.નિદત બારોટ, ટ્રસ્ટી મુકેશભાઇ દોશી, ડો. હરદેવસિંહ જાડેજાના નેતૃત્વ નીચે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.