નેપાળના વડાપ્રધાન કે.પી. ઓલીના ભારત સામે નિવેદનને બેજવાબદાર ગણાવીને તેમની પાર્ટી કોમ્યુનિસ્ટ આગેવાનોએ રાજીનામાની માંગ કરી
દાયકાઓની ભારતના પાડોશી દેશ નેપાળ સાથેના સંબંધો સુમેળભર્યા રહ્યા છે. ભારતે આઝાદી બાદ હંમેશા મોટાભાઈ તરીકેની ફરજ બજાવીને નેપાળને દરેક મુશ્કેલીમાં ખડેપગે મદદ કરી છે. પરંતુ છેલ્લા થોડા સમયથી ખંધા ચીની ડ્રેગને ભારત સામે ચોતરફ ભરડો ભીંસવા નેપાળના ડાબેરી વડાપ્રધાન કે.પી. ઓલીને પોતાના ભરડામાં લીધા છે. જેની તાજેતરમાં ઓલી સરકારે ભારત સાથે સરહદવિવાદ ઉભો કરવાનો પ્રયત્ન કર્યો હતો. જે બાદ તાજેતરમાં ઓલીએ તેમની સરકાર ઉથલાવવા ભારત સરકાર પ્રયત્નો કરી રહ્યાનો આક્ષેપ કર્યો હતો જે બાદ ભારતનાં કાયમી ઋણ એવા નેપાળીઓનો આત્મા જાગ્યો છે. હવે ડ્રેગનના ભરડામાં આવલે વડાપ્રધાન ઓલી સામે તેની પાર્ટીમાં જ વિરોધ ઉભો થવા પામ્યો છે.
તાજેતરમાં નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ કહ્યું હતું કે, ભલે તેમને પદ પરથી હટાવવાના ખેલ શરૂ થઈ ગયા હોય પણ તે અશક્ય છે. તેમણે દાવો કર્યો હતો કે, કાઠમંડુની એક હોટલમાં તેમને હટાવવા માટે બેઠકો કરવામાં આવી રહી છે અને તેમાં એક દૂતાવાસ ભારે સક્રિય છે. ઓલીનો ઈશારો ભારત તરફ હતો.
ઓલીએ દાવો કર્યો હતો કે, ભારતીય જમીનને નેપાળના નક્શામાં દર્શાવતા સંવિધાન સંશોધન બાદથી જ તેમના વિરૂદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યાં છે. મને પદ પરથી હટાવવા ખુલી દોડ યોજાઈ રહી છે. પરંતુ નેપાળની રાષ્ટ્રીયતા એટલી નબળી નથી. કોઈએ વિચાર્યુ પણ નહોતુ કે નકશા છપાવવા બદલ કોઈ વડાપ્રધાનને પદ પરથી હટાવી દેવામાં આવશે
વડાપ્રધાન કેપી શર્મા ઓલીની પાર્ટી હવે તુટવાના આરે છે. નેપાળની સત્તાધારી કમ્યૂનિસ્ટ પાર્ટીના કાર્યકારી ચેરમેન પુષ્પ કમલ દહલ ઉર્ફે પ્રચંડે પીએમ ઓલીની ટીકા કરી ત્યારથી જ તેમના રાજીનામાની માંગણી કરવામાં આવી રહી છે. પ્રચંડે ઓલીને ચેતવણી આપતા કહ્યું હતું કે, જો ઓલીએ રાજીનામું ના આપ્યું તો તેઓ પાર્ટી છોડી દેશે.
પ્રચંડે ખુલાસો કર્યો હતો કે, પીએમ ઓલી પોતાની ખુરશી બચાવવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. ઓલી ખુરશી બચાવવા માટે સૈન્યની મદદ કરી રહ્યાં છે. પ્રચંડે ઓલી વિરૂદ્ધ ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે, સાંભળ્યું છે કે, સત્તામાં ટકી રહેવા માટે ઓલી પાકિસ્તાન, અફઘાનિસ્તાન કે બાંગ્લાદેશી મોડલ અપનાવવા પર ભાર આપી રહ્યાં છે પણ નેપાળમાં તેઓ સફળ નહીં થાય.
પ્રચંડે ઓલીને ચેતવણી આપતા કહ્યું હતું કે, કોઈ પણ અમને ભ્રષ્ટાચારના નામે જેલભેગા ના કરી શકે. તેવી જ રીતે સેનાની મદદથી દેશ પર સાશન કરવુ પણ સરળ નથી. ઓલી પર સણસણતા આરોપ લગાવતા પ્રચંડે કહ્યું હતું કે, વિપક્ષ સાથે જોડાણ કરીને કે પાર્ટીને વિભાજીત કરીને સરકાર ચલાવવી શક્ય નથી.
કમ્યૂનિસ્ટ પાર્ટીના સ્ટેંડિંગ કમિટીની બેઠકમાં મોટાભાગના સભ્યોએ પીએલ ઓલીનું રાજીનામું માંગ્યું છે. જોકે ઓલીએ રાજીનામું આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. બેઠક દરમિયાન બંને નેતાઓએ એકબીજા પર ભારે ગંભીર આરોપ લગાવ્યા હતાં. પ્રચંડે ઓલીની નેતાગીરીમાં સરકાર નિષ્ફળ રહી હોવાની વાત કરી તો ઓલીએ પ્રચંડે પાર્ટીને બરબાદ કરી નાખી હોવાનો આરોપ લગાવ્યો હતો.