લોકો ચકરડી, ખાણીપીણીના ઉંચા ભાવ વસુલતા હોવાનું જાણે છે: મેળાના વેપારીકરણ સામે જનતાએ જ આગળ આવવું રહ્યું
કેશોદ નજીક આવેલ સોરઠ ક્ષયનિવારણ સમિતિ સંચાલિત અક્ષયગઢ સંકુલમાં સ્વ.રતુભાઈ અદાણીએ સુરેન્દ્રનગર જિલ્લામાંથી શિવાલયના અવશેષો લાવીને ફરીથી ફિટીંગ કરીને શિવપંચાયતની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી ત્યારથી દર વર્ષે શરદપુનમ ઉપર શરદમેળો યોજવામાં આવે છે.
સમગ્ર સોરઠમાં પ્રખ્યાત શરદમેળો આસપાસના ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત શહેરોમાંથી લોકો સ્વયંભુ ઉમટી પડે છે. છેલ્લા ત્રણેક વર્ષથી સોરઠ ક્ષયનિવારણ સમિતિના ટ્રસ્ટી મંડળમાં થયેલ ફેરફારો બાદ સંસ્કૃતિનો શરદમેળો વેપારીકરણ અને ધર્મના પ્રચારનો માધ્યમ બની ગયેલ છે.છેલ્લા ત્રણેક વર્ષમાં સંખ્યાબંધ ફરિયાદ થવા છતાં ટ્રસ્ટીમંડળ લાચાર હોય એમ કોઈ પ્રકારના પગલા લેવામાં અસર્મથ સાબિત થયા છે.
કેશોદ અક્ષયગઢ શરદમેળો-૨૦૧૮માં તાજેતરમાં યોજાયેલી જાહેર હરરાજીમાં ફજેતફાળકા ગ્રાઉન્ડ રૂ.૧૨.૨૫ લાખ, ખાણીપીણી સ્ટોલ રૂ.૩.૧૨ લાખ, પાર્કિંગ રૂ.૧.૭૦ લાખ ઉપરાંત પ્રદર્શન વિભાગ, જાહેરાતો, કમાન ગેટની જાહેરાતો મળીને અંદાજે ૩૦ થી ૩૫ લાખની પ્રારંભિક આવક થાય છે.
ત્યારે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં ધાંધીયા અને ઉંચા ભાવે રાખેલી જગ્યાવાળા વેપારીઓ દ્વારા પરફોર્મીંગ લાયસન્સમાં દર્શાવવામાં આવેલી રકમ કરતાં વધારે રકમ વસુલતા હોય છે. દુર દુરથી આવેલા પરીવાર સાથે લોકો મનેકમને જાણતા હોવા છતાં વધારે પૈસા ચુકવે છે. શરદમેળામાં આવેલા લોકોને વાચી શકાય કે જોઈ શકાય એવી રીતે મનોરંજન સ્ટોલ ઉપર ભાવ લગાવવામાં આવતા નથી અને ત્રણ દિવસ યોજાતા મેળામાં રોજ ભાવવધારો કરી લોકોને લુંટવામાં આવે છે.
ત્રણ દિવસ ચાલતાં શરદમેળો સોરઠની ભાતીગળ સંસ્કૃતિ ઉજાગર કરતો હતો અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવતા હતા ત્યારે સોરઠ ક્ષયનિવારણ સમિતિના ટ્રસ્ટીમંડળ બદલી જતા સંસ્કૃતિ હાસીયામાં ધકેલી ધર્મના પ્રચારનું માધ્યમ બનાવી આપતા સ્વ.રતુભાઈ અદાણીના સિઘ્ધાંતોને તિલાંજલી આપવામાં આવી હોય એવું લાગે છે. સ્વ.રતુભાઈ અદાણી સાથે વર્ષોથી જે ટ્રસ્ટીઓએ કામ કર્યું છે તે શંકાસ્પદ ચૂપકીદી સેવી રહ્યા છે ત્યારે જનતાએ કંઈક કરવા આગળ આવવું જ રહ્યું.