હોલ માર્કના નવા કાયદાના વિરોધમાં આજે રાજકોટ, ગોંડલ, ઉપલેટા, સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રભરની સોની બજારો બંધ રહેવા પામી છે. આજ સવારથી જ સોના-ચાંદીના તમામ વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે. થોડા સમય પહેલા દેશભરમાં હોલ માર્કિંગનો નવો કાયદો સરકાર દ્વારા અમલીકરણમાં મુકવામાં આવ્યો છે જે કાયદો એચયુઆઈડી તરીકે ઓળખવામાં આવી રહ્યો છે. સોની વેપારીઓને દાગીનામાં હોલમાર્ક કરવામાં કોઈ વાંધો નથી પરંતુ હોલમાર્કની સાથે જે HUID કરવાનો નિયમ છે તેને લઈને મુશ્કેલી ઉભી થઈ છે.
આ કાયદામાં રહેલી અનેક આટીઘૂટીથી વેપારીઓ પરેશાન થઈ રહ્યાં છે. આ જટીલ પ્રક્રિયા સરળ બનાવવા સરકારમાં અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો છે. આથી સૌરાષ્ટ્રભરના તમામ સોની વેપારીઓ, એસોસિએશને સાથે મળી આજે દુકાન બંધનું એલાન આપતા આજે સોની બજારની તમામ દુકાનો બંધ રહેવા પામી છે. સોનીબજાર બંધ રહેતા કરોડોના વેપાર ઠપ્પ થયાં છે.
હોલમાર્કના વિરોધમાં આજે રાજકોટ, ગોંડલ, ઉપલેટા, જામનગર, જૂનાગઢ, મોરબી, સુરેન્દ્રનગર સહિત શહેરોની સોનીબજારો બંધ રહેવા પામી છે. આ મુદ્દે ગોંડલના ગોલ્ડ ડિલર એસોસિયેશનની આજે બપોરે મહત્વની બેઠક મળી હતી તો ઉપલેટામાં પણ સોના-ચાંદીના વેપારીઓએ HUID ના વિરોધમાં મામલતદાર મારફત સરકારને આવેદન સુપ્રત કર્યું હતું.