એક અઠવાડિયાના લોકડાઉન બાદ આજથી ફરી રાજકોટ સોની બજાર ફરી ધમધમી છે. શહેરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને લઈ રાજકોટ ગોલ્ડ એસોસિયેશનને અઠવાડિયા પૂર્વે લોકડાઉન જાહેર કર્યું હતુ. આ જાહેરાત થતા તમામ વેપારીઓનો સંપૂર્ણ સહયોગ મળ્યો હતો. અને વેપારીઓ આ નિર્ણયમાં સ્વયંભૂ જોડાયા હતા. વેપારીઓએ એસોસિએશનના નિર્ણયને ટેકો આપી લોકડાઉન પાળ્યું હતુ. ત્યારે છેલ્લા એક અઠવાડિયું સોની બજાર સંપૂર્ણ બંધ રહ્યા બાદ આજથી સવારે ૧૦ થી બપોરે ૪ વાગ્યા સુધી સોનીબ જાર ફરી ધમધમી છે.
ગોલ્ડ ડિલર્સ એસોસિયેશન લોકડાઉન વધુ લંબાવવા વિચારણા કરેલ જયારે રાજકોટ જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશને એક અઠવાડિયું લોકડાઉન રાખ્યાબાદ હાલ મંદિના માહોલમાં વધુ લોકડાઉન રાખવું પોસાઈ તેમ ન હોય જેથી ગઈકાલે જેમ્સ એન્ડ જવેલરી એસોસિયેશને લોકડાઉન ઉઠાવી લેતા ગઈકાલથી આ બજાર ખૂલવા પામી હતી તો બીજી બાજુ ગોલ્ડ ડિલર્સ એસોસીએશને પણ અંતે લોકડાઉન વધુ ન લંબાવવા નિર્ણય કરી આજથી રાજકોટ સોની બજારના તમામ વેપારીઓએ દુકાનો ખોલી નાખી છે. જોકે કોરોના સંક્રમણ અટકાવવા સોની બજારની તમામ દુકાનો સવારે ૧૦ થી માત્ર ૪ વાગ્યા સુધી જ ખૂલ્લી રહેશે શહેરની અન્ય બજાર દાણાપીઠમાં પણ આંશિક લોકડાઉન સાથે વેપારીઓ વેપાર કરી રહ્યા છે.
તમામ સાવચેતીઓ સાથે બજાર ખુલ્લી મુકાઈ: દિવ્યેશ પાટડીયા
‘
જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશનના પ્રમુખ દિવ્યેશભાઈ પાટડીયાએ કહ્યું હતું કે દિન પ્રતિદિન કોરોનાનો કાળો કહેર વધી રહ્યો છે. કાતિલ કોરોના અનેકના જીવ ભરખી ગયો છે જેમાંથી સોની બજાર પણ બાકાત રહ્યું નથી. સોના – ચાંદીના વેપારીઓ પાસે અનેકવિધ લોકો દરરોજ આવતા હોય છે. ત્યારે આ બધી પરિસ્થિતિઓને ધ્યાને રાખીને એસોસિએશનના તમામ વેપારીઓ સાથે પરામર્શ કરીને એક સપ્તાહના લોક ડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં મોટા ભાગના વેપારીઓએ સહયોગ આપી સ્વયંભૂ લોક ડાઉનનું પાલન કર્યું હતું. એક સપ્તાહ બાદ લોક ડાઉન લંબાવવું કે નહીં તે અર્થે ફરીવાર તમામ વેપારીઓ સાથે પરામર્શ કરવામાં આવ્યું હતું પરંતુ હાલના સમય અગાઉથી જ મોટાભાગના વેપારીઓ આર્થિક સંકળામણ અનુભવી રહ્યા હોય લાબું લોક ડાઉન આર્થિક દ્રષ્ટિએ પોષાય તેવું નહીં હોવાથી ફરિવાર દુકાનો ખુલી છે. સાથો સાથ અમે જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશનના તમામ વેપારીઓ માટે ૮ જેટલા સાવચેતીના પગલાં નક્કી કર્યા છે. જેમાં સોશ્યલ ડિસ્ટન્સ, ફરજિયાત સેનેટાઈઝર અને માસ્કનો ઉપયોગ, વૃદ્ધોને પ્રવેશબંદી, તાવ શરદીના લક્ષણો ધરાવતા વ્યક્તિ કે કર્મચારીઓને તાત્કાલિક અસરથી રિપોર્ટ કરાવવા સહિતની બાબતોનો સમાવેશ થાય છે. હાલ અમે આ તમામ સાવચેતીઓનું પાલન કરીને કોરોના સંક્રમણ ફેલાય નહીં તેવી રીતે કાર્યરત થયા છીએ.
વેપારીઓ આર્થિક સંકળામણનો ભોગ ન બને તે હેતુસર સ્વયંભૂ લોક ડાઉન પરત ખેંચી લેવાયું: દિલીપ રાણપરા
ઓલ ગુજરાત સુવર્ણકાર એસોસિએશનના પ્રમુખ દિલીપભાઈ રાણપરાએ જણાવ્યું હતું કે સોની સમાજ તેમજ સોની બજારમાં કાર્યરત અનેકવિધ લોકો કોરોના સંક્રમિત થયા છે. મહામારીએ અનેક લોકોનો ભોગ પણ લીધો છે જેના પગલે અમે અગાઉથી લોક ડાઉનના સમર્થનમા હતા. જેના પગલે સ્વયંભૂ લોક ડાઉન અમલી બનાવવામાં આવ્યું હતું. હાલ વેપારીઓ માટે બે ધારી તલવાર પર ચાલવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જો બજારમાં સક્રિય રહે તો કોરોના સંક્રમિત થવાની ભીતિ છે અને જો દુકાન બંધ રાખે તો આર્થિક ખેંચતાણ ચરમ સીમાએ પહોંચે. જેથી તમામ સાવચેતીઓનું પાલન કરીને બજાર ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.