કોરોનાને પગલે ગોલ્ડ જવેલરી અને જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશન બંધ પાળશે
સમગ્ર વિશ્વમાં ફફડાટ ફેલાવનાર કોરોના વાયરસ નો પગ પેસારો સૌરાષ્ટ્ર – ગુજરાતમાં પણ થઈ ચૂક્યો છે, રાજકોટ માં એક પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં કોરોનાનો આંકડો વધતો જાય છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારના સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે તેમજ લોકોને પણ સાવચેતી રાખવા અપીલ કરાઇ રહી છે જેના ભાગરૂપે રાજકોટ ગોલ્ડ જવેલરી એસોસિએશન અને જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશન દ્વારા સ્વયંભૂ બંધ પાળવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ અને પેલેસ રોડ પરની દુકાનો બંધ રાખવામાં આવી છે.
રાજકોટમાં તમામ પ્રકારના સ્ટોરધારકો હાલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની ’જનતા કરફ્યુ’ ની અપીલનું સમર્થન કરી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્ર ના પાટનગર સમાન રાજકોટ જવેલરી ક્ષેત્રે પણ હબ બન્યું છે, લોકો સમગ્ર સૌરાષ્ટ્રમાથી જવેલરીની ખરીદી કરવા રાજકોટ આવતા હોય છે જેના કારણે દુકાનોમાં ભીડ જોવા મળતી હોય છે. ભીડ ના કારણે કોરોના ફેલાવાની દહેશત વધુ હોય છે ત્યારે રાજકોટ ના ગોલ્ડ જવેલરી એસોસિએશન અને જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશન દ્વારા આગામી ત્રણ દિવસ સુધી સ્વયંભૂ બંધ પાળવાનો નિર્ણય કરાયો છે તેમજ તમામ વેપારીઓને બંધમાં જોડાવા અપીલ કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ બાદ પરિસ્થિતિ ની સમીક્ષા કરી આગામી નિર્ણય લેવામાં આવનાર છે કે બંધ યથાવત રાખવું કે કેમ પરંતુ હાલ પૂરતું બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
કોરોના વાયરસને વકરતો અટકાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આવતીકાલે દેશભરમાં જનતા કફર્યુનું આહવાન કરવામાં આવ્યું છે. જેના પગલે રાજકોટમાં આજથી ત્રણ દિવસ મુખ્ય બજારો બંધ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ જીવન જરૂરીયાતની વસ્તુઓ ખરીદવા માટે આજે દાણાપીઠમાં ચીક્કાર માનવ મેદની જોવા મળી હતી. શહેરમાં શાકમાર્કેટોમાં પણ લોકો ઉમટી પડ્યા હતા.
જીવન જરૂરીયાતની ચીજ-વસ્તુઓ ખરીદવા દાણાપીઠમાં ભારે ભીડ
વેપારીઓ સ્વયંભૂ બંધ પાળી કોરોના ફેલાતો અટકાવશે : ભાયાભાઈ સોહેલિયા
આ તકે ગોલ્ડ જવેલરી એસોસિએશન ના પ્રમુખ ભાયાભાઈ સોહેલિયા એ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં હાલ કોરોના વાયરસ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે, વાયરસ સંસર્ગમાં આવવાથી ફેલાય છે ત્યારે જવેલરીની દુકાનોમાં લોકો ખરીદી અર્થે આવતા હોય છે ત્યારે ભીડ ન સર્જાય તેવા આશયથી હાલ આગામી ત્રણ દિવસ સુધી બજાર બંધ રાખવાનો નિર્ણય ગોલ્ડ જવેલરી એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે. તમામ વેપારીઓ સ્વયંભૂ બંધના નિર્ણયનું સમર્થન કરી બંધમાં જોડાઈ રહ્યા છે. તેમણે લોકોને અપીલ કરી હતી કે આ વાયરસથી ગભરાવવાની બિલકુલ જરૂરિયાત નથી, ફક્ત સાવચેતી રાખવી જરૂરી છે.
જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશનના તમામ વેપારીઓ ને બંધ પાળવા જાણ કરાઈ : દિવ્યેશ પાટડીયા
આ મામલામાં જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશનના પ્રમુખ દિવ્યેશ પાટડીયાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ જ્યારે કોરોના વાયરસ નો ખોફ લોકોમાં વધી રહ્યો છે ત્યારે અમારા કર્મચારીઓ પણ ગભરાઇ રહ્યા છે. તેમને ડર છે કે જો કોઈ કોરોના વાયરસથી પીડાતા દર્દીના સંસર્ગમાં તેઓ આવશે તો તેમણે પણ આ બીમારી થઈ શકે છે જેના પગલે અમે તેમને ભયભીત નહીં થવાની સલાહ આપી રહ્યા છીએ પરંતુ હાલ ભીડ ન તબાય તેવા ઉદેશ્ય સાથે અમે આગામી ત્રણ દિવસ માટે બજાર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે તેમજ અમારા આશરે ૫૭૦ વેપારીઓ ને અપીલ કરી છે કે તેઓ પણ આ નિર્ણયમાં સ્વયંભૂ જોડાય અને આ મહામારી સામે ની લડતમાં યોગદાન આપે. ત્રણ દિવસ બાદ પરિસ્થિતની સમીક્ષા કરી આગામી સમય માટે નિર્ણય કરાશે.
કોરોના થી ભયભીત નહીં ફક્ત સાવચેતી રાખવી જરૂરી : મયુર આડેસરા
આ તકે જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશનના સેક્રેટરી મયુર આડેસરાએ અબતક સાથેની વાતચીતમાં જણાવતા કહ્યું હતું કે મહામારી ને કારણે વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, ગ્રાહકોની અવર જવર પણ ઓછી થઈ રહી છે ત્યારે હું લોકોને અપીલ કરું છું કે આ વાયરસ એક સામાન્ય ફલૂ જેવો જ છે. તેનાથી ભયભીત થવાની બિલકુલ જરૂર નથી ફક્ત તેનાથી બચવા કાળજી રાખવાની જરૂરિયાત છે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે હાલ અમે વેપારીઓ ને પણ જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છીએ તેમજ બંધ પાળવા અપીલ કરી રહ્યા છીએ તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જનતા કરફ્યુ ની અપીલને સમર્થન આપી રહ્યા છીએ.