- ફુગાવા, ભૂ-રાજકીય તણાવ અને ચલણની વધઘટના કારણે ભાવમાં સતત ઉછાળો
ગઇ કાલે અમદાવાદની બજારમાં સોનાના ભાવ 89,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નવી વિક્રમી સપાટીએ પહોંચ્યા હતા. સોનાને વર્ષોથી એક સલામત રોકાણ તરીકે ગણાઈ રહ્યું છે. છેલ્લા એક દશકામાં સોનુ રોકાણ માટે પ્રથમ પસંગી બન્યું છે. ઉપરાંત હાલ શેર બજારમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે રોકાણકારો સોના તરફ આકર્ષાયા છે. જેના કારણે પણ સોનાના ભાવમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવમાં વધારો અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓને કારણે આ ઉછાળો જોવા મળ્યો હતો. ગઇ કાલે એક જ ટ્રેડિંગ સત્રમાં સોનાના ભાવમાં 500 રૂપિયાનો વધારો થયો હતો.
અમેરિકા દ્વારા સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર ટેરિફ લાદવામાં આવ્યા બાદ પીળી ધાતુના ભાવમાં તેજી જોવા મળી, જેના કારણે વૈશ્વિક વેપાર સંબંધો પર ચિંતા વધી. વધુમાં, જાન્યુઆરીમાં યુએસ ગ્રાહક ભાવ ફુગાવાના અપેક્ષા કરતા વધુ વધારાને કારણે આ વર્ષે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા અનેક વખત વ્યાજ દરમાં ઘટાડો થવાની શક્યતા ઓછી થઈ ગઈ. આનાથી વ્યાજ દર લાંબા સમય સુધી ઉંચા રહેવાની શક્યતા વધી ગઈ.
નિષ્ણાતો માને છે કે ફુગાવા, ભૂ-રાજકીય તણાવ અને ચલણના વધઘટ અંગે સતત ચિંતાઓ સાથે, સોનાના ભાવમાં વધારો થતો રહેશે. આર્થિક અસ્થિરતા સામે રક્ષણ તરીકે રોકાણકારો વધુને વધુ સોના તરફ વળ્યા છે, જે તેની માંગને વધુ વેગ આપે છે અને ભાવમાં વધારો કરે છે. રુપિયો જો 90 સુધી પહોચી જશે તો સોનાના ભાવ 1 લાખને પાર કરી જશે.
ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના ડિરેક્ટર હરેશ આચાર્યએ જણાવ્યું હતું કે “વૈશ્વિક બજારમાં અસ્થિરતા, મજબૂત સ્થાનિક માંગ અને નબળો રૂપિયો સોનાના ભાવને આગળ ધપાવતા મુખ્ય પરિબળો છે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે રોકાણકારો સુરક્ષિત સંપત્તિ શોધતા હોવાથી, 2025 દરમિયાન સોનું મજબૂત રહેવાની અપેક્ષા છે.