18 વિપક્ષી દળો સાથેની ડિજિટલ બેઠકમાં સતાધારી પક્ષને લોકસભામાં ટક્કર આપવાનો વ્યુહ ઘડાશે
અબતક, નવી દિલ્હી : કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી વિપક્ષી એકતાની કવાયતના ભાગરૂપે આજે દેશના 18 વિપક્ષી દળો સાથે ડિજિટલ બેઠક કરશે. પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ઝારખંડના મુખ્યમંત્રીઓ પણ આમાં ભાગ લઈ શકે છે. જ્યારે શરદ પવાર ભાગ લેવાના હોવાનું નિશ્ચિત બન્યું છે. સૂત્રોનું કહેવું છે કે સોનિયા ગાંધી દેશ સામેના મુખ્ય મુદ્દાઓ પર વિપક્ષી પાર્ટીઓને સાથે લઈને સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આ પ્રયાસ હેઠળ આ બેઠક બોલાવવામાં આવી છે.
આગામી લોકસભાની ચૂંટણીમાં વિપક્ષ તરફથી કઠિન પડકાર રજૂ કરવા માટે વિપક્ષી પાર્ટીઓ રાષ્ટ્રીય સ્તરે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટક્કર આપવા માટે એક થવાનો પ્રયાસ કરી રહી છે.સંસદના તાજેતરમાં સમાપ્ત થયેલા ચોમાસુ સત્રમાં પેગાસસ જાસૂસી વિવાદ, ખેડૂતોના આંદોલન અને મોંઘવારીના મુદ્દાઓ પર સરકાર સામે વિપક્ષી એકતા જોવા મળી હતી. આ દરમિયાન, કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વિપક્ષી એકતાની સમગ્ર કવાયતનું કેન્દ્રબિંદુ બન્યા.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર સહિતના વિપક્ષી નેતાઓને સોનિયા ગાંધી સાથે ડિજિટલ બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
જો કે દિલ્હીની સત્તાધારી પાર્ટી આમ આદમી પાર્ટી (આપ) બેઠકમાં ભાગ લેશે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર, વર્ચ્યુઅલ મીટિંગમાં ઉપસ્થિત એક ટોચના નેતાએ કહ્યું, ‘અમે તેમને આમંત્રણ આપ્યું નથી, કારણ કે મીટિંગની અધ્યક્ષતા કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ કરી રહ્યા છે.’ તેમણે નામ ન આપવાની શરતે કહ્યું, ‘આપ અને કોંગ્રેસ બંને એક જ રાજકીય મંચ શેર કરવામાં સક્ષમ નથી. સરળ ભાષામાં કહીએ તો, બંને રાજકીય વિરોધીઓ છે.