સોનિયાની જગ્યાએ પ્રિયંકા રાયબરેલી બેઠક પરથી લડે તેવી શકયતા
રાહુલ ગાંધી આજે કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ બનીને પાર્ટીની સુકાન સંભાળશે. ભારતની સૌથી જુની પાર્ટીના અધ્યક્ષ બનવા માટે રાહુલે લાંબી સફર ખેડી પાર્ટીની આંતરીક ચૂંટણીમાં અધ્યક્ષ સ્થાન માટે રાહુલ ગાંધી સામે કોઈપણ નેતાએ ઉમેદવારી નોંધાવી ન હતી. આજે રાહુલ ગાંધીને કોંગ્રેસ પાર્ટીની બાગડોર આપવાની બધી ઔપચારીકા પુરી થઈ જશે.
ઉલ્લેખનીય છે કે હાલમાં ગુજરાતની વિ.સ.ચૂંટણીમાં આગળ પડતું નેતૃત્વ કરીને કોંગ્રેસ પાર્ટીનો પ્રચાર કર્યો હતો. જોકે, એકઝીટ પોલના આંકડાઓ પ્રમાણે હિમાચલ પ્રદેશ અને ગુજરાત એમ બંને રાજયમાં કોંગ્રેસની હાર સ્પષ્ટ દેખાઈ રહી હોવા છતાં રાહુલ ગાંધીને પાર્ટીના અધ્યક્ષ તરીકે બેસાડવાની કોંગ્રેસ પાર્ટી દ્વારા બધી ઔપચારીકતા પુરી કરવાની તૈયારીઓ થઈ રહી છે.
રાહુલ ગાંધીએ આ નવી ભૂમિકા માટે ઘણુ ચિંતન કરેલું છે. આ જવાબદારી વહન કરવા માટે શકય તેટલુ બધુ હોમવર્ક કરી લીધુ હોય તેમ દેખાઈ રહ્યું છે. છેલ્લા બે વર્ષથી સોનીયા ગાંધી પાર્ટીના ઘણા નિર્ણયો લેવામાં રાહુલને આગળ કરી રહ્યા છે. જેથી રાહુલ ગાંધી પાર્ટીની લાક્ષણીકતા અને કામગીરીની પઘ્ધતિને સમજી શકે. છેલ્લા કેટલાક સમયથી રાહુલ ગાંધીના કોંગ્રેસના વરીષ્ઠ નેતાઓ જોડેના વ્યવહારો વધ્યા છે. જેમાં હાલમાં મણીશંકર ઐયરના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરના નીચ પ્રકારના માણસના નિવેદન બાબતે પાર્ટીમાંથી બરતરફ કરવાનો પ્રસંગ પણ સામેલ છે. મણિશંકરના નિવેદન બાદ રાહુલ ગાંધીએ તુરંત જ તેની નિંદા કરી હતી.
જોકે, રાહુલ ગાંધી ૨૦૧૩થી કોંગ્રેસ પાર્ટીના ઉપાધ્યક્ષ તરીકે પાર્ટી સંભાળી જ રહ્યા છે. પાર્ટીના સૌથી વધુ સમય સુધી રહેલા અધ્યક્ષ સોનિયા ગાંધીની નાદુંરસ્ત તબિયતને કારણે રાહુલ ગાંધી પર આડકતરી રીતે ઉપાધ્યક્ષની જવાબદારીઓ આવેલી જ હતી જે હવે પાર્ટીના અધ્યક્ષ તરીકે સ્વિકારવી પડશે. આ બધી જ ચર્ચાઓ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધીની નિવૃતિની જાહેરાત બાદ શ‚ થઈ છે. સોનિયા ગાંધીની પોતાની નિવૃતિની જાહેરાત બાદ ચાલેલી કેટલીક અફવાઓનું ખંડન કરતા કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે, સોનીયાજી ફકત કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ સ્થાનને છોડી રહી છે. તેઓ રાજનીતિ છોડી રહ્યા નથી.
સોનિયા ગાંધીએ પણ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, તેઓ અત્યારે નિવૃતિની ભૂમિકામાં છે. સોનિયા ગાંધીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી પાર્ટીના દરેક નિર્ણયો લેવા માટે ખુલ્લી છુટ છે. રાહુલ ગાંધી પાસે રાજનૈતિક કુનેહ અને પુરતો અનુભવ પણ છે ઉપરાંત રાહુલના અધ્યક્ષ બનવાથી પાર્ટીને યુવા નેતૃત્વ મળશે. રાહુલની અધ્યક્ષ તરીકે તાજપોશી અને સોનિયા ગાંધીની નિવૃતીની જાહેરાત બાદ પ્રિયંકા ગાંધી વિશે પણ અટકળો આપવા લાગી છે. જો સોનિયા ગાંધી પોતાની રાયબરેલીની સીટ ખાલી કરશે તો પ્રિયંકાને તે સીટ મળે તેવી શકયતા સેવાઈ રહી છે.