આર્થિકની સાથે આંતરિક સુખ પણ જરૂરી; ભારત અને ભારતીયોનું ખરૂ ધન ખુશી જ, સર્વાંગી વિકાસ માટે ‘હેપ્પીનેસ ફોર ઓલ’નો એજન્ડા અપનાવવો અનિવાર્ય-મુકેશ અંબાણી
કોઈ પણ દેશ કે દેશના અર્થતંત્રના ટકાઉ અને સર્વાંગી વિકાસ વિકાસ માટેના આધારભૂત પરિબળો કયા હોઇ શકે..?? આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કોઈ દેશ કઈ રીતે ટકી શકે..?? આ માટે મોટાભાગના દેશોના મંત્ર એક જ હોય છે કે આર્થિક જેમ બને તેમ વધુને વધુ આર્થિક ઉપાર્જન કરવું એટલે કે આર્થિક ગતિવિધિ તેજ બનાવવી. પરંતુ આ ક્ષેત્રે ભારતનો મંત્ર કંઈક અલગ જ છે.
વિકાસ માટે ભારતની પરિભાષામાં માત્ર અર્થ ઉપાર્જનનો જ સમાવેશ નથી પરંતુ આ સાથે ભારતીયોની સુખાકારી અને સુખ-સમૃદ્ધિનો પણ સમાવેશ છે. ભારતની સાથે વિશ્વના અન્ય દેશોમાં પણ શાંતિ સુલેહ અર્થે ભારત પ્રયાસ કરી રહ્યું છે. એટલે જ તો ભારતે વિશ્વ આખાને વસુધૈવ કુટુમ્બકમનો વિશિષ્ટ મંત્ર પૂરો પાડ્યો છે.
આર્થિક સુધારણાનાં 30 વર્ષ પૂર્ણ, હવે આગામી 30 વર્ષની રણનીતિ શું?
આજથી ત્રીસ વર્ષ પહેલાં ભારતની અર્થવ્યવસ્થા ખૂબ નબળી ગણાતી હતી. વર્ષ 1991માં આર્થિક સુધારણા કરવામાં આવ્યા. જેણે ભારતની દશા અને દિશા બદલાવી દીધી. નવી આર્થિક નીતિ અંતર્ગત ખાનગીકરણ, ઉદારીકરણ તેમજ વૈશ્વિકીકરણનો માર્ગ મોકળો બન્યો. આમ ભારતે આર્થિક ક્ષેત્રે મોટા સુધારા કરી ટોચની સ્થિતિ હાંસલ કરવા તરફ પહેલું સોપાન ભર્યું. આર્થિક સુધારાને 24 જુલાઇના રોજ 30 વર્ષ પૂર્ણ થયા છે. આમ આ ત્રીસ વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા 10 ગણી જેટલી વધી ગઈ અને હજુ આગામી 30 વર્ષમાં આર્થિક અર્થવ્યવસ્થાને વધુને વધુ મજબૂત બનાવવા કેવી રણનીતિ અપનાવવી જોઈએ..??
ભારત પણ વૈશ્વિક મહાસત્તા બની શકે છે. પણ આ માટે કેવા પગલાં ભરવા જોઇએ..?? કેવી વ્યૂહરચના અમલમાં મૂકવી જોઈએ..?? તે અંગે ટોચની કંપની રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ એક લેખ પ્રસ્તુત કર્યો છે. જેમાં તેમણે બાળ વર્ગ અને યુવાધન ઉપર વધુ ભાર મૂકવા, દેશના ગરીબથી માંડી મધ્યમ વર્ગ એમ તમામ વર્ગના લોકો સુધી એક સમાન સેવા પહોંચે, તેમજ ખરું તો ખુશી જ છે એમ માની સર્વાંગી વિકાસ માટે “હેપીનેસ ફોર ઓલ”નો એજન્ડા અપનાવવા પર મુકેશ અંબાણીએ ભાર મૂક્યો છે.
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ લેખમાં હેપીનેસ પર ભાર મૂકતા જણાવ્યું છે કે સાચી સંપત્તિ અને વિકાસની રાહ કંડારવા માટેની જે રીત છે તેને બદલવાની જરૂર છે. હાલમાં, સંપત્તિ ફક્ત વ્યક્તિગત અને નાણાકીય દ્રષ્ટિએ જ જોવામાં આવે છે. આપણે સાચી સંપત્તિની અવગણના કરીએ છે જે બધા માટે શિક્ષણ, બધા માટે આરોગ્ય, બધા માટે રોજગારી, બધા માટે ઘર, બધા માટે સલામત વાતાવરણ… સરળ શબ્દોમાં કહીએ તો, દરેક માટે ખુશીની જરૂર છે. આ કરવા માટે આપણે વ્યવસાય અને સમાજની દરેક બાબતમાં સંભાળ અને સહાનુભૂતિ લાવવી પડશે.