છેલ્લા 20 વર્ષોથી એક વ્યક્તિ અન્યો માટે સંપૂર્ણ સમર્પિત રહી કામ કરી રહી છે. હકીકતમાં, અસલી જિંદગીના સોનમ વાંગચુક, ફિલ્મી પડદાના ‘ફુંસુખ વાંગડું’ કરતા મોટા હીરો છે. આવો, એક નજર કરીએ તેમના જીવનની સફર પર…
વાંગચુકે વર્ષ 1988માં લદ્દાખના બર્ફીલા રણના શિક્ષણના સ્તરમાં સુધાર લાવવાનો મક્કમ નિર્ધાર કર્યો અને ‘સ્ટુડન્ટ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ’ની સ્થાપના કરી. વાંગચુકનો દાવો છે કે તેમની સેકમોલ એકમાત્ર એવી સ્કૂલ છે જ્યાં બધું જ અલગ રીતે કરવામાં આવે છે. તેઓ આધુનિક શિક્ષણના મોડેલને અનુસરવાના સતત પ્રયાસો કરી રહ્યાં છે અને ઘણાં ખરા તેમાં સફળ પણ થયા છે.
3 ઈડિયટસ ફિલ્મના ફુંસુખ વાંગડુંનું પાત્ર લદ્દાખમાં રહેતા એન્જિનિયર સોનમ વાંગચુકથી પ્રેરિત હતું. વાંગચુક એ પ્રતિભાશાળી બાળકોના સપના પૂરા કરવાનું કામ કરે છે જેને આગળ વધવાના મોકા નથી મળી રહેતા. તેમણે એક સંગઠન બનાવ્યું અને છેલ્લા 20 વર્ષોથી અન્યો માટે સમર્પિત રહી કામ કરી રહ્યાં છે. વાંગચુકને લદ્દાખમાં ‘આઈસ સ્તૂપ કૃત્રિમ ગ્લેશિયર પરિયોજના’ માટે પુરસ્કૃત પણ કરવામાં આવ્યા છે. આ કૃત્રિમ ગ્લેશિયર 100 હેક્ટર ક્ષેત્રમાં ફેલાયેલું છે. વધારાના પાણીનો સંગ્રહ કરવા તેને બનાવવામાં આવ્યું હતું.
વાંગચુકની વિશેષ સ્કૂલ
બાળપણમાં વાંગચુક સાત વર્ષ સુધી પોતાના માતા સાથે લદ્દાખના એક દૂરના ગામમાં રહેતા. જ્યાં તેમણે ઘણી સ્થાનિક ભાષાઓ શીખી. ત્યારબાદ જ્યારે તેમણે લદ્દાખમાં શિક્ષણનું કામ શરૂ કર્યું ત્યારે તેમને લાગ્યું કે બાળકોને સવાલના જવાબો તો ખબર હોય છે પરંતુ સૌથી વધુ પરેશાની ભાષાના કારણે થાય છે.
વાંગચુક ઈચ્છે છે કે સ્કૂલના પાઠ્યક્રમમાં બદલાવ આવે, પુસ્તકો કરતા વધારે પ્રયોગો પર વિદ્યાર્થીઓ ધ્યાન આપે. આ અંગે વાંગચુક કહે છે,
“દેશની શિક્ષણ પ્રણાલી સડી ચૂકી છે. સ્કૂલ્સ અને કોલેજીસમાં માત્ર નંબર્સ પર ધ્યાન આપવામાં આવે છે. અને તે નંબર્સના આધારે વિદ્યાર્થીઓને પાસ કે ફેલ કરવામાં આવે છે. આ શું છે? તમે બાળકોના ભવિષ્ય સાથે રમી રહ્યાં છો. કોલેજથી બહાર નીકળીને તેમની પાસે રોજગારની પૂરતી તકો નથી હોતી તો બીજી બાજુ ઉદ્યમો પાસે યોગ્ય કર્મચારીઓની અછત હોય છે.”
વાંગચુક પોતાના આ વિચારોને આગળ વધારીને એક એવા વૈકલ્પિક વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવાની યોજના બનાવી રહ્યાં છે જે શિક્ષણ પદ્ધતિમાં સુધારો લાવવાના તેમના અભિયાનને આગળ વધારે. આ વિશ્વવિદ્યાલય તમામ પ્રકારના વિદ્યાર્થીઓ માટે ખુલ્લું રહેશે જ્યાં વિદ્યાર્થીઓ ગોખણપટ્ટી કરવાની જગ્યાએ પ્રેક્ટીકલ રીતે અભ્યાસ કરશે.
બર્ફીલી અને રેતાળ જગ્યાઓ પર પાણી પહોંચાડવાનું અનોખું મોડેલ
વાંગચુકે પાણીને જમા કરવા લેન્ડસ્કેપનો આકાર બનાવ્યો. જેથી ત્યાં સંગ્રહ થતાં પાણીનો ઉપયોગ એપ્રિલ અને મે મહિનામાં ખેતી કરવામાં કરી શકાય. પોતાના લદ્દાખી સાથી ચેવાંગ નોર્ફેલના કામથી પ્રેરણા લઇ વાંગચુકે આઈસ સ્તૂપા બનાવી છે. ગરમીના દિવસોમાં જ્યારે ધીરે ધીરે ગ્લેશિયર પીગળવા લાગે છે ત્યારે તેની મદદથી સરળતાથી ખેતી કરી શકાય છે.
આ અનોખા કામ માટે તેમને રોલેકસ અવોર્ડ પણ મળી ચૂક્યો છે.
પુરસ્કારમાં મળેલી રકમથી વાંગચુક હવે આવા 30 મીટર મોટા 20 આઈસ સ્તૂપ બનાવવા માગે છે જેની મદદથી લાખો મિલિયન પાણી સપ્લાય કરી શકાય છે. ભવિષ્યમાં એક એવી યુનિવર્સિટી બનાવવામાં આવશે જે યુવાનોને વાતાવરણના કામો સાથે વ્યસ્ત રાખશે.
જુઓ તેની જીવન શૈલી ઉપર બનેલ આ હકીકત… :
https://www.youtube.com/watch?v=hR7kqaQE8tA
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com