ખીજ જેની ખટકે નહીં, જેને રૂદિયે મીઠી રીઝ એવી મઢડા વાળી માતની આવી સોનલ બીજ… પૂ. સોનલઆઈના 100 વર્ષ પૂર્ણ થવાના શુભ અવસરે સોનલબીજ ત્રિદિવસીય મહોત્સવનો પ્રારંભ થઈ ચૂકયો છે. સોનલબીજ મહોત્સવમાં ત્રણ દિવસ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. આ પ્રથમ દિવસે કથાકાર મોરારીબાપુ ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી. આ મહોત્સવમાં દેશ-વિદેશમાં વસતા સોનલમાંના માઈ ભકતો દર્શનાર્થે આવશે. મહોત્સવ દરમિયાન શંકરાચાર્યજી તેમજ અયોધ્યાથી પણ સંતો ઉપસ્થિત રહેશે.
700 વીઘામાં જાજરમાન આયોજન:પૂ. મોરારીબાપુએ દર્શન કરી ધન્યતા અનુભવી: બહોળી સંખ્યામાં માઁઈ ભકતોએ દર્શનનો લ્હાવો લીધો
શંકરાચાર્યજી, અયોધ્યાથી સંતો-મહંતો, રાજકીય-સામાજીક અગ્રણી સહિત દેશ-વિદેશથી લાખો ભાવિ-ભકતો ઉમટશે
આ ત્રિ-દિવસીય મહોત્સવનું 700 વિઘામાં જાજરમાન આયોજન કરાયું છે. જેમાં મુખ્યમંત્રી રાજયપાલ સહિત મંત્રીઓ તમામ સંપ્રદાયના સંતો મહંતો સામાજીક રાજકીય આગેવાનો કલાકારો માઈભકતો ઉપસ્થિત રહેશે.સોનલબીજ ત્રિ-દિવસીય નિમિતે સભા,રાસ ગરબા, શોભાયાત્રા તેમજ ત્રણેય દિવસ દરરોજ રાત્રે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નામી-અનામી અસંખ્ય કલાકારો પોતાની કલા રજૂ કરશે. ટ્રાફીક અને પાર્કિંગ સમસ્યા ન સર્જાય તે માટે નેશનલ હાઈવે મંગલપુર ફાટકથક્ષ વાયા મંગલપૂર જોનપૂર મઢડા પ્રવેશ માટેનો રસ્તો વનવે રહેશે.
જયારે મઢડાથી ચાંદીગઢ, હાંડલો, પાડોદર, મુળિયાસા જેવા અન્ય માર્ગો બહાર નીકળવા વનવે રહેશે જયારે પાર્કિંગ માટે જોનપુર વીડી 300 વીઘા, 100 વીઘા જમીનમાં પાર્કિંગ વ્યવસ્થા જળવાશે. 100 વિઘામાં વિશાળત્રણ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં એક ડોમમાં 60 હજાર જેટલા લોકો સમાય તેવી વ્યવસ્થા રાખવામાં આવી છે. તેમજ બાકીનું મેદાન ખુલ્લું રાખવામાં આવ્યું છે. ઉપરાંત રાસ ગરબા મેદાન, મનોરંજનના સાધનો ખાણી-પીણીના સ્ટોલ વિભાગ અને 7 હજાર ભાવિકો માટે 120 વિઘામાં ટેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.
જૂનાગઢ કલેકટરના અઘ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ
રાજયપાલ આચાર્ય દેવવ્રતજી શનિવારે મહોત્સવમાં સહભાગી થશે
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી કેશોદના મઢડા ખાતે તા. 13-01-2024ના રોજ શ્રી સોનલ માતા જન્મ શતાબ્દી મહોત્સવમાં સહભાગી થશે. રાજ્યપાલના આ પ્રવાસના અનુસંધાને કલેકટર અનિલ કુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં જરૂરી વ્યવસ્થાઓ અને આયોજન માટે બેઠક યોજાઈ હતી.કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં કલેક્ટર એ નિયત પ્રોટોકોલ અનુસાર જરૂરી વ્યવસ્થાઓ કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવાની સાથે માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત કાર્યક્રમની રૂપરેખા, મંચ પર બેઠક વ્યવસ્થા, જરૂરી પોલીસ બંદોબસ્ત સહિતના મુદ્દે જરૂરી આયોજનો માટે પરામર્શ કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ, જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, નિવાસી અધિક કલેકટર એન.એફ. ચૌધરી, પ્રાંત અધિકારી કિશન ગરચર સહિતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
12 હજારથી વધુ સ્વયંસેવકો આપી રહ્યા છે સેવા
શ્રી સોનલમાં જન્મ શતાબ્દી મહોત્સવના સમગ્ર આયોજનમાં 12 હજારથી પણ વધુ સ્વયંસેવકો સેવા આપવા માટે રાજયભરમાંથી આવી ચૂકયા છે. તેઓનાાં રહેવા માટેની ત્રીસ વીઘામાં વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સ્વયંસેવકોએ અન્ય જગ્યાએ રહેવા ન જવું પડે તે માટે વ્યવસ્થા કરાઈ તેમજ પાર્કિંગ વ્યવસ્થા ભોજન પ્રસાદી ટ્રાફિક મહેમાનોને લેવા મૂકવા સહિતની વ્યવસ્થાઓમાં સ્વયંસેવકો પોતાની સેવા આપી રહ્યા છે. ખાસ કરી ટ્રાફિક ન થાય તે માટે ખાસ ધ્યાન રાખવામાંઆવેલ છે. ઘણા રસ્તાઓને વન-વે પણ કરવામાં આવેલ છે. તેમજ અલગ અલગ કંપનીઓનાં કાર્યક્રમ સ્થળે ટાવરો ઉભા કરાયા છે.
આઠથી દસ લાખ માઇ ભકતો દર્શનનો લ્હાવો લેશે
ત્રિદિવસીય જન્મ શતાબ્દી મહોત્સવમાં આઠથી દસ લાખ માઇ ભકતો દર્શનનો લ્હાવો લેશે તેવી શકયતાઓ છે. જેને લઇને મંદિર સત્તાધીશો દ્વારા સાત લાખ ભકતો માટે મહાપ્રસાદી બનાવાઇ છે. મહાપ્રસાદ માટે આખી પઘ્ધતિ તૈયાર કરાઇ, તેમની અલગ અલગ ર0 ટીમો બનાવી છે. મહાપ્રસાદ માટે ર00 ટેબલો ઉભા કરવામાં આવ્યાં, તેમજ ભકતોને વધુ સમય માટે લાઇનમાં ઉભુ રહેવું ન પડે તે માટેની ખાસ વ્યવસ્થા ગોઠવાઇ એક કલાકમાં એક સાથે ત્રીસ હજાર લોકો માટે પ્રસાદી તૈયાર થઇ જાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે.