ઈન્દુબાઈ મહાસતીજી તીર્થધામ ખાતે મિઠાઈ-ફરસાણ સહિતની ૧૮ ખાદ્યચીજોનું વિતરણ કરાયું
સૌરાષ્ટ્રના સિંહણ તીર્થ સ્વરૂપા વચનસિદ્ધિકા ઈન્દુબાઈ મહાસતીજી તીર્થધામમાં જન્માષ્ટમીના તહેવાર પ્રસંગે સોનલ સદાવ્રત યોજના સમારોહ યોજાયો હતો. જેમાં ૧૮ ખાદ્યચીજોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સદાવ્રત યોજના અંતર્ગત સ્વધર્મી બંધુઓને ગરમા-ગરમ નાસ્તો અને સુંદર મજાનું વ્યવસ્થિત વિતરણ કરાયું હતું.
જેમાં તેલ, ખાંડ, ગોળ, મમરા, પૌવા, ચાની ભુકી, મકાઈના પૌવા મોતીચુર મિઠાઈ સહિત ફરસાણમાં ચવાણું, સેવબુંદી, તીખા ગાંઠિયા આદિ ૧૮ વસ્તુઓ અપાઈ હતી. અનેક દિલાવર દાતાઓના સૌજન્યથી દરેક સીઝનને અનુરૂપ વસ્તુઓ અપાય છે. છેલ્લા ૧૭ વર્ષથી એક એકથી ચડિયાતું માનવ રાહતનું આયોજન વિનામૂલ્યે થાય છે. સમગ્ર રાજકોટમાં માનવ રાહતમાં નાલંદા તીર્થધામ નંબર વન છે.
આ પ્રસંગે દાતાઓ, આગેવાનો, શ્રેષ્ઠીવર્યોએ હાજર રહી અનુમોદના કરી હતી. દર ૨૦ તારીખે સોનલ સારવાર સહાય આયોજન કરાયું છે. જેમાં દરેકને વિનામૂલ્યે દવા પણ અપાય છે. આ માનવ રાહતના કાર્યમાં સહભાગી થવા લોકોને અનુરોધ કરાયો છે. તો આ સાથે આગામી થોડા દિવસોમાં પર્યુષણ પર્વની શરૂઆત થશે.
જેની ઉજવણીની પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. નાલંદા તીર્થધામ ખાતે પર્યુષણ પર્વ દરમિયાન ભાવિક ભકતો ઉમટી પડશે અને માનવ રાહત કાર્યમાં જોડાશે ત્યારે આ સેવાકીય પ્રવૃતિમાં વધુને વધુ લોકો સહભાગી થાય તેવો અનુરોધ કરાયો છે. જેના માટે ૨૫૭૧૧૩૬ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. તાજેતરમાં થયેલા મીઠાઈ ફરસાણના વિતરણમાં જીતુભાઈ બેનાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રીનાબેન બેનાણી, હર્ષાબેન દોશી સહિત ગાંધી પરીવારના હસ્તે જરૂરીયાતમંદોને વિતરણ કરાયું હતું.