- સરપંચ અને પુત્ર પર હુમલો કરતા સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો
- શાળામાં ઝઘડા અંગે સગીર પતિરાઇ ભાઇને ઠપકો આપતા છરી ઝીંકી
સુરેન્દ્રનગર જીલ્લામાં મારામારી, હત્યા, લૂંટ, ખંડણી સહિતના બનાવો વધી રહ્યા છે ત્યારે લીંબડી તાલુકાના નટવરગઢ ગામે નજીવી બાબતે બોલાચાલી બાદ મારામારીનો બનાવ બનતા એક યુવકનું મોત નિપજતા સમગ્ર બનાવ હત્યામાં પરિણામ્યો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ લીંબડી તાલુકાના નટવરગઢ ગામે મોડીરાત્રે ગામના સરપંચ જીણાભાઇ કાળિયા અને તેમના 23 વર્ષના પુત્ર આદર્શ કાળિયા સાથે તેમના જ પરિવારના સભ્યોએ નજીવી બાબતે બોલાચાલી કરી હતી. જેમાં મામલો ઉગ્ર બનતા સરપંચ અને તેમના પુત્ર સહિત ત્રણ શખ્શો પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવક આદર્શ કાળિયા અને સરપંચ જીણાભાઇ કાળિયાને સારવાર અર્થે પ્રથમ લીંબડી અને ત્યાંથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન સરપંચના પુત્ર આદર્શનું મોત નિપજ્યું હતું આ બનાવની જાણ થતાં લીંબડી મુતા, પીઆઈ, પીએસઆઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે તેમજ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં સરપંચના ભાઇના પુત્રને શાળામાં ઝઘડો કરવા બાબતે યુવક આદર્શ એ ઠપકો આપ્યો હતો જે બાબતનું મનદુ:ખ રાખી પિતરાઈ ભાઈ દ્વારા જ છરી વડે હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે. જે અંગે પોલીસે ફરિયાદની તજવીજ હાથ ધરી હત્યા નીપજાવનાર સગીર પિતરાઈ ભાઈને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.