કરાંચીથી જખૌ સુધી ડ્રગ્સનો જથ્થો પહોંચતો કરવા છ પાકિસ્તાની માછીમારોને રૂ.૬૦ લાખ ચુકવવાનું નક્કી થયુ’તું

બેટ દ્વારકાના રમજાને ચાર દિવસ દરિયામાં પાકિસ્તાની અલ મદીના બોટની રાહ જોઇ’તી

પાકિસ્તાની ડ્રગ્સ સપ્લાયરના રિમાન્ડ પુરા થતા તમામ જેલ હવાલે થયા

કચ્છના જખૌ દરિયામાંથી એક હજાર કરોડના ડ્રગ્સના જંગી જથ્થા સાથે છ પાકિસ્તાની શખ્સોને કોસ્ટ ગાર્ડ અને ડીઆરઆઇના સ્ટાફે ઝડપી લીધા બાદ પૂછપરછ દરમિયાન ડ્રગ્સનો જથ્થો કરાચીથી લોડ કરવામાં આવ્યાની અને દરિયામાં લેવા માટે બેટ દ્વારકાના રમઝાન નામનો શખ્સ આવવાનો હોવાની વિગતો બહાર આવતા પોલીસે બેટ દ્વારકાના પૂર્વ કોર્પોરેટરના પુત્ર રમઝાનની રિસિવર તરીકે ધરપકડ કરી છે.

જખૌ દરિયામાંથી ગત તા.૨૧ મેના રોજ કોસ્ટગાર્ડ અને ડીઆરઆઇની ટીમે પાકિસ્તાનની અલ મદીના બોટને એક હજાર કરોડના ડ્રગ્સના જંગી જથ્થા સાથે ઝડપી લીધી છે. બોટમાંથી છ પાકિસ્તાની શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાની નાગરિકોની સુરક્ષા એજન્સીઓએ રિમાન્ડ પર મેળવી ડ્રગ્સ અંગે કરાયેલી પૂછપરછમાં કરાચીથી ડ્રગ્સનો જથ્થો લોડ કરવામાં આવ્યા હોવાની અને જખૌ દરિયામાં બેટ દ્વારકાના રમઝાન નામનો શખ્સ તેની ફૌઝાને કિરમાણી નામની બોટ લઇને ડ્રગ્સની ડીલીવરી લેવા આવવાનો હોવાની કબુલાત આપી હતી.

કરાચીથી જખૌ સુધી એક હજાર કરોડનું ૨૧૭ કિલો ડ્રગ્સ લાવવાના બદલામાં છ પાકિસ્તાની માછીમારોને રૂ.૬૦ લાખ આપવાનું નક્કી થયાની કબુલાત આપી હતી. તેમજ રમઝાનને ઓળખવા માટે ખાસ કોર્ડવર્ડ ‘રમઝાન’ આપવામાં આવ્યાની કબુલાત આપી હતી.

સુરક્ષા એજન્સીએ બેટ દ્વારકાના રમઝાન ગની આમદ પીયાણીની ડ્રગ્સકાંડમાં ધરપકડ કરી તેના મોબાઇલની કોલ ડીટેઇલ કઢાવી તેની સાથે અન્ય કોણ સ્થાનિક શખ્સોની સંડોવણી છે તે અંગે પૂછપરછ હાથધરવામાં આવી છે. રમઝાન પિયાણીના પિતા ગની આમદ પીયાણી બેટ દ્વારકા વિસ્તારનો અગાઉ કોર્પોરેટર હોવાનું અને ફૌઝાને કિરમાણી બોટનો રમઝાન પોતે જ માલિક હોવાનું તેમજ તે પોતે જ ટંડલ હોવાનું બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.