સોનાના ઘરેણા ઓગાળી ઢાળીયો બનાવી લેણદારોને ચુકવણી કરી: રૂ. ૫૨.૨૩ લાખનું સોનું કબ્જે: સીસીટીવી ફુટેજની મદદથી લૂંટ અને હત્યાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલાયો
જામનગર રોડ પર જીથરીયા પીરની દરગાહ પાસે મીતરાજ એપાર્ટમેન્ટમાં રહેતા અને પેલેસ રોડ પર રાજશ્રૃગી કોમ્પ્લેક્ષમાં આદિત્ય એલીગન્સ નામની પેઢીમાં સેલ્સમેન તરીકે ફરજ બજાવતા સોની પ્રૌઢની હત્યા કરી રૂ.૧ કરોડના સોનાના ઘરેણાની લૂંટ ચલાવવાના ગુનામાં ઝડપાયેલા શ્રમજીવી સોસાયટીના પિતા-પુત્રની ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ પર મેળવ્યા છે. પોલીસે પિતા-પુત્ર પાસેથી રૂ.૫૨.૨૩ લાખની કિંમતનું સોનું કબ્જે કર્યુ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ આદિત્ય લીગન્સના સેલ્સમેન વસંતભાઇ ભોગીલાલ જીંજુવાડીયા નામના ૫૭ વર્ષના સોની પ્રૌઢની આજી ડેમ નજીકથી બે દિવસ પહેલાં લાશ મળી આવી હતી. પોલીસે મૃતકની ઓળખ મેળવ્યા બાદ તેની પાસે એક કરોડના સોનાના ઘરેણા હતા તે ગુમ હોવાતી લૂંટના ઇરાદે હત્યા થયાની શંકા સાથે સીસીટીવી ફુટેજ મેળવી તપાસ હાથ ધરી હતી.
પોલીસ તપાસ દરમિયાન મૃતક વસંતભાઇ જીંજુવાડીયાનું ઇટર્નો સ્કૂટર દિવાનપરા પાસેથી રેઢુ મળી આવતા પોલીસે દિવાનપરા વિસ્તારના સીસીટીવી ફુટેજ ચેક કરવાનું શરૂ કર્યુ હતું. વસંતભાઇ જીંજુવાડીયા વડોદરા પાસીંગની ઇનોવા કારમાં જોવા મળતા પોલીસે ઇનોવાના નંબરના આધારે શ્રમજીવી સોસાયટીના ભરત લાઠીગરા નામના શખ્સની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી હતી.
ભરત લાઠીગરાએ પોતાના પર દેણું થઇ ગયું હોવાથી પુત્ર સુમિત લાઠીગરા સાથે મળી વસંતભાઇ જીંજુવાડીયા પાસે અષાઢી બીજ હોવાથી તેની પાસે મોટી રકમના સોનાના ઘરેણા હોય તે લૂંટ લેવા પ્લાન બનાવ્યા બાદ ઇનોવામાં ચા-પાણી પીવા બેસાડી તેના પર સ્પ્રે છાંટી બેભાન બનાવી ગળુ દાબી હત્યા કર્યા બાદ એક કરોડના સોનાના ઘરેણાની લૂંટી લીધા બાદ લાશને આજી ડેમ પાસે કિશાન ગૌ શાળા નજીક ફેંકી દીધાની કબૂલાત આપી હતી.
વસંતભાઇ જીંજુવાડીયા પાસેથી લૂંટેલા સોનાના ઘરેણા રાતો રાત ઓગાળી ઢાળીયો બનાવ્યા બાદ લેણદારોને ચુકવી દીધા હતા. પોલીસે પિતા-પુત્ર પાસેથી રૂ.૫૨.૨૩ લાખના સોનાનો ઢાળીયો કબ્જે કરી બંનેને રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરતા અદાલતે પિતા-પુત્રને ત્રણ દિવસના રિમાન્ડ પર સોપવા હુકમ કર્યો છે.