“સત્તા પરિવર્તન થતા સત્તાધારી પક્ષના માનીતાઓને અગત્યના ચાવીરૂપ સ્થાનોએ ગોઠવવામાં આવતા હોય છે !
અમરેલી જિલ્લા સહકારી બેંકના ડીરેકટરોની ચૂંટણીમાં પણ રાષ્ટ્રવાદી પાર્ટીમેદાનમારી જતા જિલ્લાની આ અગ્રગણ્ય બેંકનું પ્રમુખ પદ અને તેનો સમગ્ર વહીવટ પણ રાષ્ટ્રવાદી પાર્ટીને જ મળ્યો તેજ પ્રમાણે જીલ્લાની તાલુકા પંચાયતો અને જીલ્લા પંચાયતમાં પણ જનતાએ પરિવર્તનનો પવન ફૂકયો અને રાષ્ટ્રીય પાર્ટીના દરેક જગ્યાએથી સુપડા સાફ થઈ ગયા આઝાદી પછી લગભગ સતત દરેક સ્થળે સત્તા સ્થાને રહેલ રાષ્ટ્રીય પાર્ટીને હવે વિરોધ પક્ષે બેસવાનું આવ્યું હતુ.
સત્તા પરિવર્તન થાય એટલે સરકારના વહિવટી તંત્રમાં અધિકારીઓની પણ બદલીઓ રાજય કક્ષાએ થતી હાય છે. સત્તાધારી પક્ષના માનીતાઓને અગત્યના ચાવી રૂપ સ્થાનોએ ગોઠવવામાં આવતા હોય છે. અને અણગમતાઓને ઉપાડીને સાઈડ પોસ્ટોમાં ફેંકાફેંકી થતી હોય છે. અમરેલી જીલ્લામાં ફોજદાર જયદેવનું નામ અને કામ જનતામાં તો ખરૂજ પણ રાષ્ટ્રવાદી પાર્ટી કે જે દેશ પ્રેમ અને કાયદાની સમાનતાને માનતી હતી તેનાં પણ સારૂ હતુ આમ જયદેવની કાયદો અને વ્યવસ્થા જાળવવાની રીત અને ગુનેગારો ઉપરની ધાક અને ન્યાયપ્રિયતાને કારણે તેને બદલી કે ફેંકાફેંકીનો કોઈ અણસાર પણ મનમાં નહતો. લાઠી પોલીસ સ્ટેશનમાં જયદેવને હજુ સવા વર્ષ જ થયું હતુ તેથી જિલ્લા બદલીનો તો કોઈ સવાલ જ ન હતો.
દરમ્યાન એક દિવસ સવારના દસેક વાગ્યે જયદેવ લાઠી પોલીસ સ્ટેશનમાં પોતાનું દૈનિક કામ કરી રહ્યો હતો ત્યાં ચાવંડથી જમાદાર વિરસીંગનો ટેલીફોનઆવ્યો અને સલાહ માગી કે ‘સાહેબ એક ખાનગી લકઝરી બસ વાળો ગેરકાયદેસર રીતે અને વગર પરમીટે પેંસેંજરો ભરીને નીકળ્યો છે. સમાધાન શુલ્ક ભરવાની આનાકાની કરે છે. અને એન.સી. ફરિયાદ મૂકતા તેની ઉપર સહી કરવાનોઈન્કાર કરી નવા સતાધીશ રાજકારણીઓના નામ આપીને સામેથી રોફ જમાવી ડાંડાઈ કરે છે ‘જયદેવે કહ્યુંં કોઈથી ડરવાની જરૂર નથી તમારી ઈચ્છા મુજબની કાયદેસરની કાર્યવાહી કરો સમાધાન શુલ્ક ન ભરે અને એન.સી. કેસમાં સહી ન કરે તો મોટર વ્હીકલ એકટ કલમ ૨૦૭ મુજબ બસ ડીટેઈનની કાર્યવાહી કરો અને જો કોઈ ફરજમાં રૂકાવટ કરતુ હોય તો ભારતીય ફોજદારી ધારાની કલમ ૧૮૬ મુજબ તેને પકડીને લઈ આવો’ આથી વિરસીંગ હંસીને કહ્યું ‘ના સાહેબ એ તો કીડીને કોશ ના ડામ જેવું થાય જયદેવે કહ્યું ‘એક મચ્છર ભી સાલા ઈન્સાન કો… હૈ મુજબ કોઈ બાબત સામાન્ય ન ગણવી અને તે પણ હાલમાં આ લોકો વિરોધ પક્ષેથી સત્તામાં નવા નવા જ આવ્યા છે. હજુ ઘડાતા વાર લાગશે તેથી તમને જેમ ગમે તેમ કરો આથી વિરસીંગે કહ્યું ચાલો ને જોઉ છું શું કરૂ છું પછી વાત કરૂ તેમ કહી ફોન મૂકી દીધો.
તે સમયે છેલ્લા પાંચેક વર્ષથી રાજયમાં જે જોડાણ વાળી અને નાતરા ઘરઘરણા વાળી સરકારો આવેલી તેમાં અધિકારીઓ અને તેમાં પણ પોલીસ ખાતાના અધિકારીઓની તો ચણા મમરા અને ભાજી મૂળાની જેમ ફેંકાફેંકી થતી હતી જયારે ફોજદારથી નીચેની રેન્કના જમાદાર કોન્સ્ટેબલો તો ‘મીંયાની મીંદડી જેવા’ રાજકારણીઓથી ડરપોક થઈ ગયા હતા કેમકે તેમની બદલી તો માત્ર એક ટેલીફોન ઉપર જ થઈ જતી હતી આથી પોલીસ કર્મચારીઓનું મોરલ એટલું બધુ તુટી ગયું હતુ કે તેઓ ફકત રાજકારણીઓના નામે પણ ગુનેગારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માત્રથી ડરતા હતા આથી જેમ ‘દુધ નો દાજયો છાસ ફૂંકીને પીવે’ તેમ જમાદાર વિરસીંગ તે જૂના અનુભવે કાયદેસરની કાર્યવાહી કરવામાં પણ હીચકીચાટ અનુભવતા હતા તેથી તે જયદેવને આરીતે ટેલીફોન કરીને પૂછીને કાયદેસરની કાર્યવાહી કરતા હતા.
પરંતુ રાષ્ટ્રવાદી પાર્ટીએ ચૂંટણી જાહેરસભાઓમાં જે પોલીસના મોરલની વાતો કહેલી, કાયદો અને વ્યવસ્થામાં કોઈ ચમરબંધીને પણ મૂકવામાં નહી આવે તેવી જાહેરાતો કરેલી તેથી જયદેવ એવા વહેમમાં હતો કે હવે કાંઈ ‘પોપાબાઈનું રાજ’ નથી રાષ્ટ્રવાદીપાર્ટીનું કાયદેસરનું શાસન છે. તેથી જયદેવે વિરસીંગને કાયદેસરના પગલા કડક રીતે જ લેવા માટે કહી રહ્યો હતો આથી હવે કાયદાનો ભંગ કરનારા ઓને પાઠ મળે કે આ નવી સરકારમાં લોલંલોલ ચાલવાનું નથી.
થોડીવારમાં ટેલીફોનની ઘંટડી ફરીથી વાગી જયદેવે ફોન ઉપાડયો તો સામેથી બોલતી વ્યકિતએ જયદેવને કહ્યું હું લાઠી ધારાસભ્યનો પુત્ર બોલું છું પેલી ખાનગી લકઝરી બસનું શું છે?’ તેથી જયદેવે પુછયું ‘કઈ બસ?’ તેણે કહ્યું ‘ચાવંડ ગામે જમાદારે રોકી છે તે અંગેની વાત છે’ જયદેવે તેને કહ્યું હું ચાવંડ ફોન કરીને તપાસ કરી લઉ પછી ફોન કરો’ કોઈ કાર્યવાહી કરી કે કેમ અને આગળ શું કાર્યવાહી કરવા માગો છો કેમકે નવા ધારાસભ્યના પુત્રનો તેના માટે ટેલીફોન અમરેલીથી હતો. આથી વિરસીંગે કહ્યું સાહેબ આ ટ્રાવેલ વાળો ડ્રાઈવર ખુબ વાયડો છે હું તેને બરાબર કાયદેસરનો સબક શીખવાડવા માગુ છું આથી બસ જ એમવીએકટ કલમ ૨૦૭ મુજબ ડીટેઈન કરવી છે. આથી જયદેવે કહ્યું ‘જો અમે જ કરવું હોય તો તમે તાત્કાલીક કાગળોની કાર્યવાહી પુરી કરી બસને લાઠી લઈને આવી જાવ અને કરેલ કાર્યવાહીની સ્ટેશન ડાયરીમાં નોંધ કરી દયો આથી હું આ વિધાયક પુત્રને સ્પષ્ટ જવાબ દઈ દઉ આથી વિરાસીંગે કહ્યું ‘હું હમણા જ બસ લઈને લાઠી આવ્યો સમજો અને તેણે ફોન મૂકયો.
થોડીવારે ફરીથી પેલાધારાસભ્યના પુત્રનો ટેલીફોન આવ્યો અને જયદેવને પુછયું કે બસનું શું થયું ? આથી જયદેવે કહ્યું ‘બસ તો ડીટેઈન થઈ પુરાઈ ગઈ છે !’ આથી તેણે પૂછયું ‘તમે કોણ બોલો છો? ’ જયદેવે કહ્યું ‘જમાલભાઈ જમાદાર’ આથી તેણે કહ્યું ‘ હમણા જ લાઠી આવું છું આમ કાંઈ ચાલતા હશે? આથી જયદેવે પી.એસ.ઓ.ને કહ્યું કે વિરસીંગ આવે એટલે તુર્ત જ મારી પાસે મોકલજો ત્યાં થોડીવારમાં જ વિરસીંગ જમાદાર બસ લઈને આવી ગયા તેણે જયદેવને સલામ કરીને કહ્યું‘ સાહેબ હવે તો ‘માંકડ ને પણ આંખો આવી ગઈ છે.’ આ બસને ડીટેઈન કરવી જ પડશે’ જયદેવે કહ્યું સારૂ જલ્દી સ્ટેશન ડાયરીમાં નોંધ કરાવી દો. આથી વિરસીંગે બસ ડીટેઈન કરવાની કાર્યવાહી પુરી કરી જયદેવે પોતાની ચેમ્બરમાં પોતાનું કામ કરી રહ્યો હતો. અને પોલીસ સ્ટેશનમાં વિરસીંગ તથા અન્ય જમાદારો પોત પોતાનું કામ કરી રહ્યા હતા.
દરમ્યાન એક બુલેટ મોટર સાયકલ લાઠી પોલીસ કંપાઉન્ડમાં પ્રવેશ્યું રાજકારણના અંકુરોતો લોકશાહીમાં ગમે તેને ફુટતા હોય છે. પરંતુ એક નોકરીયાત કર્મચારીના કોલેજમાં ભણતા સીધા સાદા યુવાનના પિતા એકદમ ઓચિંતા જ સતાધારી પાર્ટીના ધારાસભ્ય થઈ જાય એટલે આ રાજકીય અંકુરોનો ગ્રોથ અસામાન્ય ઝડપે ફૂટવા માંડે અને તેમાં પણ તેના કોંટા રાજકીય ખટપટો ઉપરાંત વહીવટી તંત્રોમાં પણ ઘુંસવાલાગતા હોય છે.
ખાનગી બસ વાળાને એ ખ્યાલ હતો કે નવી નવી સત્તામાં આવેલી રાષ્ટ્રવાદી પાર્ટીના સિધ્ધાંતો એવા હતા કે ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે તંત્રમાં કોઈ ભલામણ કરવી નહી તેથી તેણે ધારાસભ્ય ને આ બસ પોલીસે પુર્યા અંગેની કોઈ છોડાવવા માટે ભલામણ માટે વાત કરી નહિ પરંતુ ધારાસભ્યના આ કોલેજીયન પુત્ર ને કહ્યું કે તું તારા પિતાના નામે આ ભલામણનું ડીંડક ચાલે તો ચલાવ જો કે દેશમાં આઝાદી પછી આમ જ ચાલતું હતુ અને આ બનાવ બાદ થોડા સમય પછી પાછુ આવું જ ડીંડક ચાલવાનં હતુ તે પણ નકકી વાત હતી.
કોલેજમાં અભ્યાસ કરતો યુવાન આમતો રાજકીય રીતે બાળક જ ગણાય છતા તેણે અગાઉના સત્તાધારીના પુત્રો કેવા તીકડમ ચલાવતા અને લાલ લેમ્પ વાળી કારોમાં અમદાવાદ વિગેરે જગ્યાઓથી જથ્થાબંધ ઈગ્લીશ દારૂ અમરેલી લવાતો તથા પોલીસમાં કેવા રોલા પાડતા તેની વાતો જગજાહેર હોય તે સાંભળી જ હોય. વળી જે લોકોને રાજકીય વ્યકિતઓની જરૂરત હોય તે નવા અને સીધા સાદા યુવાનને આવી વાતો કરીને બહેકાવે પણ ખરા કે શું યાર પેલો તો એક ટેલીફોનથી કામ પતાવી દેતો તું આટલું કહી પણ શકતો નથી? આવી ચડામણીથી આ વિધાયક પુત્રને પાનો ચડાવીને લાઠી રવાના કર્યો અને આ વિર પણ મારમાર કરતો લાઠી પોલીસ સ્ટેશનમાં આવેલો તેને માટે જીંદગીમાં પોલીસ સ્ટેશનમાં જવાનો આ પ્રથમ જ અનુભવ હતો તેને એમ હતુ કે ધારાસભ્યનો પુત્ર છે. રૂબરૂ જઈ દમદાટી કરીને બસ છોડાવી લેશે.
આ યુવાન પોલીસ સ્ટેશનમાં તો આક્રમક મૂડમાં જ દાખલ થયો પરંતુ ત્યાં સાત આઠ યુનિફોર્મ ધારી કોન્સ્ટેબલો અને જમાદારોને જોઈને શું વાત કરવી તેનો ખ્યાલ રહ્યો નહિ અને રોલો પાડવા સીધુ જ પુછયું કે ‘સાહેબ કયાં છે?’ અનુભવે ઘડાયેલા ઘાઘસ જમાદાર અને પી.એસ.ઓ.ને તો આવું જોઈતુ જ હોય છે કે સળગતુ જાય ફોજદારની ચેમ્બરમાં ! પી.એસ.ઓ.એ કાંઈ જ બોલ્યા સિવાય સીધી જ આંગળી ફોજદારની ચેમ્બર તરફ ચિંધી દીધી આથી યુવાન આ ફોજદારની ચેમ્બરના દરવાજામાં આવી ને ઉભો રહી ગયો.
જયદેવને કોણ જાણે અગાઉથી જ ઓસાણ આવી ગયેલું કે ધારાસભ્યનો કોઈ ફોન નથી તેથી જરૂરીયાત વાળી વ્યકિત હવે આ ધારાસભ્યના પુત્રને જ ચડાવી ફૂલાવી ટાઈટ કરી ને મોકલ્યો હશે આથી જયદેવ પણ ખોટી પ્રથા ને તોડવા માટે અને સરકારી કચેરીમાં કાયદેસરની એટીકેટ કેવી રખાય તે શિખવવાની તૈયારીમાં જ બેઠો હતો.
આ યુવક ચેમ્બરના દરવાજામાં ઉભો રહ્યો અને કાંઈ જ બોલ્યો નહિ જયદેવે ધીમેથી માથુ ફાઈલમાંથી ઉંચી કરીને કહ્યું ‘બોલો?’ આ યુવકે બીજી કોઈ જ વાત કર્યા સિવાય સીધો જ પ્રશ્ન કર્યો કે ‘બસનું શું છે?’ આથી જયદેવે કહ્યું તે બસ તો કાયદેસરની કાર્યવાહી કરી એમ.વી. એકટ કલમ ૨૦૭ મુજબ ડીટેઈન થઈ ગયેલ છે. આ સાંભળીને આવેશમાં રહેલા યુવાને હવે આગળ શું બોલવું તે અનુભવના અભાવે સુજયું નહિ અને પોલીસ ઉપર થતા ચિલાચાલુ આક્ષેપો એ તેના મગજમાં સ્થાન લીધું અને તે બોલ્યો ‘બસ પોલીસને તો પૈસા જ ખાવા છે’ તેને એમ હતુ કે આ ચિલાચાલુ આક્ષેપથી પોલીસ બાંધ છોડ કરી દેશે પરંતુ આ ફોજદાર ચીલાચાલુ ફોજદાર ન હતો તે જયદેવ હતો આથી જયદેવે તેની ખાસીયત મુજબ જ બેઠા બેઠા જ ત્રાડ નાખી ‘ચુ…પ?’ પહેલા તારા પિતાને પુછ કે આ શબ્દો લાઠીના ફોજદારને કહેવાય?’ આ ઓચિંતી ત્રાડે યુવકના હાંજા ગગડાવી નાખ્યા અને તેને હવે શું બોલવું તે તો ઠીક પણ પોલીસ સ્ટેશનની બહાર જવાનો રસ્તો ભૂલી ને તે વાયર લેસ રૂમમાં ઘુંસી ગયો વાયર લેસ ઓપરેટરે તેને બહાર જવાનો રસ્તો બતાવ્યો.
આથી નવો નવો થતો રાજકારણી અને ધારાસભ્યનાેપુત્ર ઘા ખાઈ ગયો અને પાછા જવા માટે બુલેટને કીક મારી પણ જયારે વ્યકિત આવેશમાં અને ગુસ્સામાં હોય ત્યારે સામાન્ય રીતે જીવનની તમામ રીધમ ગુમાવી બેસતો હોય છે. તેમ તે બુલેટ ચાલુ કરવા કીકો ઉપર કીકો મારવા લાગ્યો પણ બુલેટ ચાલુ થતુ નહતુ આથી હોંશીયાર જમાદાર વિરસીંગે તેની પાસે જઈ બુલેટને કીક મારીને ચાલુ કરી દીધું અને ધીરેથી કહ્યું ‘અધિકારી સાથે આમ વાત કરાય? સીધી રીતે વાત કરી હોત તો કાંઈક રસ્તો નીકળેત’ ખરેખર તો સતા તો તેના પિતાના પક્ષની હતી પરંતુ સત્તાનો નશો આ યુવાનને ચડી ગયો હતો. આજ રાજકારણીના આ પુત્રે વિસવર્ષ બાદ તેના બહુ જુના અને અંગત મીત્રનું જે માજી નગરપતિનો પુત્ર હતો તેનું શેડુભાર ગામની સીમમાં રીવોલ્વરની ગોળી મારી હત્યા કરી જેલ યાત્રાએ ગયેલો (સંદેશ તારીખ ૧૯-૯-૧૫)આમ પુત્રના લક્ષણ પારણેથી એ સાબીત થયું તેણે જતા જતા વિરસીંગને કહ્યું ‘હવે આ (ફોજદાર)અહી નહિ રહે’ વિરસીંગે પોલીસ સ્ટેશનમાં આવી આજ શબ્દો જયદેવને કહ્યાં જયદેવે હંસીને કહ્યું રાષ્ટ્રવાદી પાર્ટી નિતિમતા વાળી પાર્ટી છે અને ધારાસભ્ય પણ સજજન છે તે મને બરાબર ઓળખે છે. અને છતા મારી બદલી થશે તો ખરાબ તો રાષ્ટ્રવાદી પાર્ટીનું જ લાગશે ને?’ પરંતુ જયદેવને કયાં ખબર હતી કે આ બધી નીતિ મતાની વાતો પાર્ટીમાં જ રહેવાની હતી સભ્યોમાં નહિ!
યુવાને લાઠીથી અમરેલી જઈ હઠ પુર્વક તેના પિતાને કહ્યું કે કોઈ પણ સંજોગોમાં લાઠી ફોજદાર જયદેવની સજા વાળી જગ્યાએ બદલી કરાવો ધારાસભ્યને એ વાતની ખબર હતીકે ફોજદાર જયદેવની અમરેલી જિલ્લામાં નામના અને પ્રતિષ્ઠા ખૂબજ સારી છે. તેથી તેની કોઈ આ વાત સાંભળશે નહિ આથી પોતે જયદેવને જાણતા હોવા છતાં પોતાના લેટર પેડ ઉપર ગાંધીનગર ગૃહ વિભાગમાં જ જયદેવની શિક્ષાત્મક જગ્યાએ બદલી કરવા માટે અરજી આપી દીધી.
જીલ્લા પંચાયતની ચૂંટણીઓ પુરી થઈ અને ચૂંટણી આચાર સંહિતા ઉઠતા જ તંત્રમાં રહેલા અગાઉની રાષ્ટ્રીય પાર્ટીએ નિમણુંક આપેલા અધિકારીઓની બદલીની પ્રક્રિયાઓ ચાલુ થઈ. ગૃહ વિભાગમાં ગાંધીનગર આ તૈયાર થતી ‘છાપેલા કાટલા જેવા’ અધિકારીઓની બદલીના ધાણાવાની યાદીમાં ફોજદાર જયદેવનું નામ પણ ઉમેરાયું. પરંતુ આ તૈયાર થયેલ બદલીની યાદી એક ઉચ્ચ સજજન પોલીસ અધિકારીએ વાંચી જેઓ જયદેવથી પરિચિત હતા તેમણે જયદેવનું નામ શિક્ષા વાળી નવરી શાખામાં બદલીમાં જોયુંં અને કહ્યું કે બીજુ જે હોય તે પણ ફોજદાર જયદેવ નિષ્ઠાવાન કાર્યદક્ષ નિષ્પક્ષ અધિકારી છે તેની આવી બદલી એટલે ‘સુકા પાછલ લીલુ બાળવા જેવું ગણાય’ આથીતેમણે જ સુચન કર્યું કે જયદેવને બદલવો જ હોય તો અમરેલીથી જૂનાગઢ જીલ્લામાં મૂકી દયો એટલે એટલીસ્ટ કાર્યદક્ષતાની તો બે ઈજજતી ન થાય ! આથી તે બદલી હુકમમાં તેટલા પૂરતો સુધારો થયો.
એક દિવસ શિવરાત્રીનાં રોજ જયદેવ લાઠીના કેરીયા રોડ ઉપર આવેલ રામનાથ મહાદેવ મંદિરે, રુદ્રાભીષેક પૂજા કરી રહ્યો હતો અને વિરસીંગ જમાદારે ત્યાં આવી ને છાપામાં આવેલ સમાચાર ‘રાજયમાં ૧૪૧ ફોજદારોની સામુહિક જીલ્લા ફેર બદલી’ની માહિતી આપી અને કહ્યું કે આ ૧૪૧ના બદલી લીસ્ટમાં સૌ પ્રથમ નામ જયદેવનું છે. જયદેવ મનમાં હસ્યો અને બોલ્યો ‘ઈન્હી લોગોને લઈ લીન્હા દુપટ્ટા મેરા….!’ને મનમાં થયું કે ‘કાગડા તો બધે કાળા જ હોય’ તેમ રાજકારણીઓ ભલે ગમે તે પક્ષના હોય પરંતુ પુત્ર પ્રેમ અને વંશવાદ એ હાલની લોકશાહીનું અનિવાર્ય દુષણ થઈ ગયું છે. તે વાત તો પાકકી જ !