- દીકરો અને દીકરી એક સમાન,પરંપરા અમારી; સમાનતા અને સ્વતંત્રતાનું પ્રતીક,સંતાન અમારું
કેમ દીકરીના જન્મની ખુશી ગમમાં બદલાઈ જાય છે ? કેમ દીકરીના જન્મની શુભકામનાઓની જગ્યાએ લોકો અફસોસ જાહેર કરે છે ? આખરે એ પણ તો એક સંતાન જ છે ને ! તો પછી આવું કેમ ?દીકરા દીકરી વચ્ચેના ભેદભાવ આખરે ક્યાં સુધી ચાલશે !
આજે પણ આવા કેટલાય અગણિત સવાલ એ દીકરીઓ કરે છે,કે જેને પરિવારમાં એક દીકરી તરીકેનું સન્માન નથી મળ્યું.તો શું પરિવારમાં વારસ એક દીકરો જ બની શકે છે,દીકરી કેમ નહીં? આજે પણ દીકરીને વારસ ગણવામાં આવતી નથી સમાજની આ વિચારધારા બદલાવવાનો સમય પાકી ગયો છે.ટેકનોલોજીમાં આપણે અદભૂત ક્રાંતિ કરી છે,પરંતુ વિચાર ક્રાંતિ ઠેરની ઠેર છે.
દીકરો જ માત્ર વારસ બની શકે એ બાબતે ખૂબ જ જૂની માન્યતાઓ દ્રઢ થયેલી જોવા મળે છે.આની પાછળ કેટલાય આર્થિક,સામાજિક,ધાર્મિક અને ભાવનાત્મક કારણો રહેલાં છે.વૃદ્ધાવસ્થામાં દીકરો આર્થિક સહાયની સાથે ભાવનાત્મક સહારો પણ આપે છે.જ્યારે દીકરી લગ્ન કરીને પરાયા ઘરે ચાલી જાય છે.દીકરો વંશને આગળ વધારે છે,જ્યારે દીકરી કોઈ બીજા ઘરે જઈને ત્યાંના પરિવારને આગળ વધારે છે.આપણા સમાજમાં માતા-પિતાની હયાતીમાં અને મૃત્યુ પછી પણ દીકરો જ બધા ધાર્મિક સંસ્કાર અને વિધિ પૂરાં કરે છે.જેની પરવાનગી ધર્મએ દીકરાઓને જ આપી છે.
આજે પણ પ્રોપર્ટી અને ફાઈનાન્સ જેવી બાબતો માત્ર પુરુષો સાથે જ સંકળાયેલી રાખવામાં આવે છે.એ બાબતે દીકરીઓને સમર્થ માનવામાં આવતી જ નથી.અત્યારે તો વારસદારનો અર્થ એવો કરવામાં આવે છે કે મરનારની મિલકત,જવાબદારી, હક્ક, હકદાર વગેરે.વાસ્તવમાં તો વારસ શબ્દનો અર્થ વહન કરનાર એવો કરી શકાય.બાળકોને માતા-પિતાના વારસ એટલા માટે કહેવામાં આવે છે કે તેઓ સંસ્કાર,અધિકાર અને કર્તવ્યનું વહન કરે છે.આ બધા કામ દીકરીઓ પણ કરી શકે છે.માત્ર દીકરો જ કરી શકે એવું જરૂરી નથી.આ અર્થમાં આ શબ્દની વ્યાખ્યા અનુસાર દીકરીને પણ આપણે વારસદાર ગણી શકીએ જરા પણ વધુ પડતું નથી.
વારસની રૂઢ થયેલી વિચારધારાને લીધે આજે પણ દેશમાં દીકરા દીકરી વચ્ચેનું પ્રમાણ (તયડ્ઢ ફિશિંજ્ઞ)ચિંતાજનક રીતે વધી રહ્યું છે.દીકરાની સંખ્યા સામે દીકરીઓનું પ્રમાણ ઘટતું જાય છે.આજે પણ દીકરા માટેની ઘેલછા લોકોમાં ઘટી નથી.તાજેતરના આ આંકડા ઉપરથી એ સમજી શકાય તેવી બાબત છે.27 નવેમ્બર 2023ના આંકડા અનુસાર જોવામાં આવે તો ભારતની વસ્તીમાં 106.516 પુરુષ સામે સ્ત્રીઓની સંખ્યા 100 જેવી જોવા મળે છે. 786.85 મિલિયન પુરુષ સામે 691.78 મિલિયન સ્ત્રીઓ છે.ટકાવારીની રીતે જોઈએ તો 48.42 ટકા મહિલાઓ સામે પુરુષોનું પ્રમાણ 51.98 ટકા જેવું જોવા મળે છે.પુરુષ અને સ્ત્રી વચ્ચેના આ પ્રમાણ વચ્ચેની ખાઈ કાયમને માટે વધતી જોવા મળે છે.જો આમને આમ ચાલ્યું તો 2040 સુધીમાં ભારતમાં લગભગ 23 મિલિયન મહિલાઓની અછત થઈ જશે.આની પાછળનું મોટું કારણ જો જોવામાં આવે તો ક્ધયા ભ્રુણ હત્યા અને વારસની વિચારધારા જ છે.
ઈન્ડિયા વુમન ડેવલોપમેન્ટ સર્વે,યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ અને યુનિવર્સિટી ઓફ નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઈકોનોમીક રિસર્ચ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં એ વાત સામે આવી છે કે 77 ટકા ભારતીયો આજે પણ વૃદ્ધાવસ્થામાં દીકરીને બદલે દીકરાના ઘરે રહેવાનું પસંદ કરે છે.કદાચ એની પાછળનું કારણ આપણી પરંપરાગત વિચારધારા છે.એ પરંપરા મુજબ દીકરીના ઘરનું પાણી પણ પીવું ન જોઈએ,એવું માનવામાં આવે છે.એવું પણ નથી કે આ ભેદભાવ અભણ અને ગરીબ લોકો સુધી જ છે. બલકે સુશિક્ષિત અને અમીર ઘરમાં પણ આ ભેદભાવ એટલો જ જોવા મળે છે.જમાનાની સાથે સાથે આપણી લાઈફ સ્ટાઈલ બદલાઈ રહી છે.આપણી ખાણી પીણી બદલાઈ રહી છે.આપણી વિચારધારા પણ બદલાઈ રહી છે,તો પછી ભલા આ વિચારધારા કેમ બદલાતી નથી ?દીકરીઓને સમાનતાનો અધિકાર આપવાનો વિચાર કેમ ગળે ઉતરતો નથી ?
કાનૂની રીતે દીકરીઓને પણ સમાનતાનો હક્ક આપવામાં આવ્યો જ છે.દીકરીને પણ સમાન અધિકાર પ્રાપ્ત થાય જ છે.પણ કાયદો બનવાથી વાત પૂરી થઈ જતી નથી.એનો અમલ કરાવવો ખૂબ જ અઘરો પડતો હોય છે.આજે એવા કેટલા કિસ્સાઓ જોવા મળે છે,કે જ્યારે દીકરી પોતાનો હક્ક માંગવા આગળ આવે છે,તો પરિવારના લોકો જ દીકરી સાથે પોતાનો સંબંધ તોડી નાખે છે. દીકરીઓ બાબતે પહેલેથી જ આપણા સમાજમાં બેવડો માપદંડ જોવા મળે છે.જ્યાં એક તરફ લોકો મંચ પર મહિલા મુક્તિ અને સશક્તિકરણના નારા લગાવે છે,તો બીજી તરફ દીકરીઓને ઘરમાં કે સમાજમાં માન સન્માન આપવામાં નથી આવતું.આપણા સમાજની વિડંબણા તો જુઓ,બધાને મા જોઈએ છે,પત્ની જોઈએ છે,બહેન પણ જોઈએ છે; પણ બેટી નથી થઈ જોઈતી ! સમજી શકાય એવી બાબત છે કે બેટી જ ન હોય તો પછી આ બધા સંબંધ ક્યાંથી આવશે? એનો ક્યારેય વિચાર કર્યો છે ?
વિશ્વ મહિલા દિવસ અંતર્ગત રાજકોટની જાણીતી સેવા સંસ્થા ઓજસ્વિની ફાઉન્ડેશન દ્વારા આયોજિત એક નોખો – અનોખો કાર્યક્રમ યોજાઈ ગયો.વિકસતા ભારતમાં તમામ ક્ષેત્રમાં દીકરીનું પદાર્પણ ઉલ્લેખનીય રહ્યું છે,ત્યારે દીકરીના જન્મને વધારવાનો સમય પાકી ગયો છે,એવું નથી લાગતું ?જે માબાપે દીકરીને હોંશભેર ઉછેરી હોનહાર બનાવી હોય.જે દીકરીએ માબાપને ગૌરવ અપાવ્યું હોય,એવા માબાપનું મેડલ,પુસ્તક અને તુલસી કુંડ આપીને આ કાર્યક્રમમાં અદકેરું સન્માન કરવામાં આવ્યું.આ અભિનવ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંકડા અધિકારી ડો.આરતીબેન ઓઝા,કોર્પોરેટર અને ગાયનેકલોજી ડો.દર્શનાબેન પંડ્યા,શ્રધ્ધા પંડ્યા, આકાશવાણીના અધ્યક્ષ હિતેશ માવાણી, સ્વામિનારાયણ ગુરુકુળના નિવૃત્ત આચાર્ય અને જાણીતા કટાર લેખક વી.ડી.વઘાસિયા,કાઠીયાવાડ બાલાશ્રમના શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રકાંત પટેલ અને જનાર્દનભાઈ આચાર્ય વગેરેની પ્રેરક ઉપસ્થિત હતી.ઓજસ્વિની ફાઉન્ડેશનના પ્રમુખ હેમલબેન દવે સુરભીબેન આચાર્ય અને ટીમ ઓજસ્વિનીનો પ્રયાસ પ્રશંસનીય રહ્યો.શ્રેષ્ઠી પ્રસેનજિત બુદ્ધનો ઉપદેશ સાંભળવા માટે દરરોજ આવતા હતા અને આગલી હરોળમાં બેસતા.બધા લોકો એમને બુદ્ધના સહાયક અને સમર્થક માનતા,પરંતુ કોઈને એ વાતની ખબર નહોતી કે માત્ર પુત્રની કામના માટે તેઓ એવું કરતા હતા.પ્રસેનજિતને ત્યાં પુત્રીનો જન્મ થયો તો તેઓ દુ:ખી થયા.તેઓએ પ્રવચનમાં આવવાનું બંધ કરી દીધું.
ઘણા દિવસો પછી જ્યારે દુ:ખ ઓછું થયું ત્યારે એક દિવસ તેઓ ઉદાસ મનથી બુદ્ધને મળવા ગયા.એમની આંખોમાં રહેલો નિરાશાનો ભાવ બુદ્ધ સમજી ગયા.ભગવાન બુદ્ધે એમનેસમજાવ્યું કે પુત્ર કરતાં પુત્રી વધારે શ્રેયસ્કર છે.જો દરેકને ત્યાં એમની ઈચ્છા મુજબ પુત્ર જ જન્મે તો આ સૃષ્ટિનો અંત જ આવી જાય એમ માનવું જોઈએ.ગાડીનાં બે પૈડાંની જેમ બાળક અને બાલિકાઓ મોટાં થઈને સંસાર ચક્ર ચલાવે છે.સૃષ્ટિએ બંનેને એકસરખું સન્માન આપ્યું છે.તમે પણ તમારી માન્યતાઓ બદલો એમ કરવાથી જ અજ્ઞાન જન્ય માન્યતામાંથી છુટકારો મળશે.પ્રસેનજિતને ભાન થઈ ગયું.ત્યાર પછી તેઓ પુત્ર કરતાં પુત્રીને વધારે સ્નેહ આપવા લાગ્યા.
મહર્ષિ દયાનંદ સરસ્વતીએ કહ્યું છે કે, ’ભારત વર્ષનો ધર્મ એના પુત્રોથી નહીં પણ સુપુત્રીઓના પ્રતાપે ટકી રહ્યો છે.ભારતીય દેવીઓએ જો પોતાનો ધર્મ છોડી દીધો હોત તો દેશ ક્યારનો નષ્ટ થઈ ગયો હોત.’ ભગવાન મનુએ પણ પુત્રીને પુત્ર સમાન માનવાનો આદેશ આપતા કહ્યું છે કે, ’જેવી રીતે આત્મા પુત્રના સ્વરૂપે જન્મ લે છે,તેવી રીતે પુત્રીના સ્વરૂપે પણ જન્મ લે છે.’