કાર ખરીદીના બાકી પૈસાની ઉઘરાણીના કારણે ચાર શખ્સોએ કાર અને યુવાનને સળગાવ્યા’તા: મૃતકના પરિવારને ખેતીની જમીન, પત્નીને સરકારી નોકરી, રૂ.૨૫ લાખ રોકડા, હત્યામાં સંડોવાયેલા શખ્સોની તાકીદે ધરપકડ, જવાબદાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ સહિતની માગણી
વેરાવળ તાલુકાના આંબલીયાળા ગામે રહેતા કાર ચાલકને ગત તા.૨૩મીએ પૈસાની પ્રશ્ર્ને ચાર શખ્સોએ કાર આગ ચાપી યુવકને જીવતો સળગાવ્યા બાદ તેનું સારવાર દરમિયાન રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મોત નીપજતા દલિત સમાજ રોષે ભરાયા હતા. મૃતકના પરિવારને ખેતીની જમીન, રૂ.૨૫ લાખનું વળતર, સરકારી નોકરી અને હત્યામાં સંડોવાયેલા તમામ શખ્સોની તાકીદે ધરપકડ કરવાની માગણી કરી હતી. ગીર સોમનાથ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ રાજકોટ દોડી આવ્યા હતા અને રોષે ભરાયેલા ટોળાને સમજાવ્યા બાદ લાશ સ્વીકારી અંતિમ વિધી કરી હતી.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ આંબલીયાળા ગામે રહેતા ભરત ઉકાભાઇ ગોહિલ નામના ૩૨ વર્ષના દલિત યુવાનને ગત તા.૨૩મીએ સોમનાથ રોડ પર દેવાયત જોટવાના ચાર સાગરીતોએ આંતરી કારને આગ ચાપી ભરત ગોહેલને જીવતો સળગાવતા સારવાર માટે અહીંની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં તેનું હોળીની રાતે મોત નીપજ્યું હતું.ભરત ગોહેલે તેના જ ગામના દેવાયત જોટવા પાસેથી કાર ખરીદ કરી હતી તે પેટેના રૂ.૫૬ હજાર બાકી રાખ્યા હતા તેની ઉઘરાણીના પ્રશ્ર્ને માથાકૂટ થતા કારને આગ ચાપી ભરતને જીવતો સળગાવ્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતુ. પોલીસે દેવાયત જોટવા સહિતના શખ્સો સામે હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો હતો દરમિયાન ભરત ગોહેલનું મોત નીપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો.
ભરત ગોહેલનું મોત નીપજતા દલિત સમાજના ટોળે ટોળા રાજકોટ હોસ્પિટલમાં એકઠાં થયા હતા. મૃતક ભરત ગોહેલની પત્નીને સરકારી નોકરી, પરિવારને પાંચ વિઘા ખેતીની જમીન, રૂ.૨૫ લાખની સહાય, મકાન-પ્લોટની સહાય કરવા અને હત્યામાં સંડોવાયેલા શખ્સોની તાકીદે ધરપકડ, તપાસ અધિકારીને સસ્પેન્ડ કરવા સહિતની માગણી કરી હતી.ગીર સોમનાથ જિલ્લાના ડીવાય.એસ.પી. પી.એસ.વાલવી સહિતના પોલીસ અધિકારીઓ રાજકોટ દોડી આવ્યાહતા. હત્યાના ગુનામાં સંડોવાયેલા મુખ્ય સુત્રધાર દેવાયત જોટવાની મુંબઇ ખાતેથી ધરપકડ કર્યાનું અને બાકીના તમામ શખ્સોને તાકીદે ઝડપી લેવાશે તેવી ખાતરી આપી હતી તેમજ મૃતકના પરિવારને સહાય અંગેની માગણી અંગેની રજૂઆત ઉચ્ચ કક્ષાએ કરવાનું જણાવતા લાશ સ્વીકારી અંતિમ વિધી કરવામાં આવી હતી.